________________
૧૭૬ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
ઉપસંહાર
સંસ્કૃત ગ્રંથોની પાઠસમીક્ષાનો પ્રારંભ ભારતમાં તો ભાણ્ડારકર ઑરએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટે ઈ. સ. ૧૯૩૩માં કર્યો અને તેને અનુસરીને અનુગામી વર્ષોમાં મ. સ. યુનિવર્સિટી, વડોદરાએ નાટ્યશાસ્ત્ર તથા વાલ્મીકિ કૃત ‘રામાયણ' જેવા વિશાળકાય ગ્રંથોની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી છે. એ જ પ્રમાણે એ સમૃદ્ધ પરંપરાઓથી પ્રેરણાપીયૂષ પીને મુનિ શ્રી પુણ્યવિજયજી 'મ. સા. અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જેવા વિદ્વષઁએ જૈન દર્શન અને જૈન આગમોના પાઠસંપાદનનું કાર્ય પણ નવેસરથી ઉપાડ્યું હતું. પરંતુ આ ઈ. સ. ૧૯૩૩માં ભારતમાં શરૂ થયેલી સંસ્કૃત ગ્રંથોની પાઠસમીક્ષાનો દૂર ક્ષિતિજ ઉપર આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં જે એક નાનો છતાંય અત્યંત ધ્યાનાસ્પદ કહી શકાય એવો તેજ ચમકારો થયો હતો તે મેક્સમ્યૂલરે સંપાદિત કરેલા સાયણભાષ્ય સાથેના ઋગ્વેદની પ્રસ્તાવના, કે જે ઈ. સ. ૧૮૪૯માં લખાયેલ છે. તેમાં સંસ્કૃત ગ્રંથોની પાઠસમીક્ષા કરવા બાબતના જે કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવાયા છે તેના દર્શન થાય છે. જેમ કે, ઉપરની ચર્ચામાં આપણે જોયું તેમ ૧. મેક્સમ્યૂલરે જણાવ્યું છે કે પાઠસંપાદનમાં હસ્તપ્રતોની સંખ્યા મહત્ત્વની નથી પણ તેમાં સંક્રમિત થયેલા અને જળવાયેલા પાઠની શ્રદ્ધેયતાનું મહત્ત્વ છે. ૨. મેક્સમ્યૂલરે નોધપાત્ર રીતે હસ્તપ્રતોનું વંશવૃક્ષ શોધવાની વાત પણ ઉચ્ચારી છે. અલબત્ત, તેમાં વાચનાઓ (Recension) જુદી પાડવાનો કોઈ વિચાર પ્રતિબિંબિત થયો નથી. ૩. વિવિધ હસ્તપ્રતોમાં મળતા જુદા જુદા પાક્યાંશોમાંથી કોને પાઠાન્તર ગણવા અને કોને લહિયાના હાથે થયેલી અશુદ્ધિ ગણવી એનો વિવેક કરવાનું મેક્સમ્યૂલરે કહ્યું છે; તથા આવા સૂચક પાઠાંતરોની વંશવૃક્ષ ઉપર શી અસર પડી શકે તે પણ તેમણે ચર્યું છે. ૪. તથા હસ્તપ્રતોમાંથી પ્રાચીનતમ શ્રદ્ધેય પાઠને તારવ્યા પછી આવશ્યકતા અનુસાર અશુદ્ધ અંશોમાં શુદ્ધીકરણ કરવા માટે (ખાસ કરીને સાયણભાષ્યની અંદર) સહાયક સામગ્રીનો કેવી રીતે વિનિયોગ કરવો તે વિશે પણ મેક્સમ્યૂલરે કેટલીક વાતો કરી છે.
ઉપર્યુક્ત ચાર જ મુદ્દાઓમાં પાઠસમીક્ષા બાબતે મેક્સમ્યૂલરે જે વિચારો મૂક્યા છે તે અનુગામી વર્ષોમાં પ્રો. વી. એસ. સુકથંકર સાહેબ કે ડૉ. એસ. એમ. કન્ને સાહેબના લખાણોમાં વટવૃક્ષરૂપે પુષ્પિત, પલ્લવિત થયેલા આપણને જોવા મળે છે, જે મૈક્સક્યૂલરના લખાણનું મૂલ્ય નક્કી કરવા પર્યાપ્ત
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org