________________
હસ્તપ્રતોનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્ત્વ
છેલ્લે, પ્રાચીન ગ્રંથોના સંપાદનમાં જૂની હસ્તપ્રતોનું જે મહત્ત્વ છે તેની સમીક્ષા કરીએ. હિંદુ ધર્મના પ્રાચીનતમ ધર્મગ્રંથોમાં વેદસંહિતાઓ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમાં સૂક્તોની રચના ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીમાં થઈ લાગે છે. એટલા પ્રાચીન સમયની હસ્તપ્રતો ઉપલબ્ધ નથી, પરંતુ ધાર્મિક મહત્ત્વની દૃષ્ટિએ એ સૂક્તોનો પાઠ મૌખિક પરંપરા દ્વારા પણ અક્ષરશ: યથાતથ જળવાઈ રહ્યો છે. આથી એ સૂક્તોના મૂળ પાઠમાં પ્રક્ષેપ ભાગ્યે જ થયા છે. ઉપનિષદો તથા વેદાંગ-ગ્રંથોના પાઠમાં પણ પ્રક્ષિપ્ત પાઠાંતર જવલ્લે જોવા મળે છે. ઇતિહાસ-પુરાણ સાહિત્યમાં મહાભારત, હરિવંશ, રામાયણ અને પુરાણોનો સમાવેશ થાય છે. આ ગ્રંથોનું પઠન, શ્રવણ, પારાયણ એટલું લોકપ્રિય હતું કે એમાં સમયે સમયે અનેક પ્રક્ષેપ થતા રહ્યા.
મહાભારત આ સર્વમાં સહુથી દળદાર ગ્રંથ છે. એની સમીક્ષિત (Critical) આવૃત્તિ તૈયાર કરવાનું ભગીરથ કાર્ય પુણેના ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ૧૯૧૯માં આરંભી ૪૦ વર્ષના લાંબા પુરુષાર્થ દ્વારા ૧૯૫૯માં પૂર્ણ કર્યું. આ માટે એણે દેવનાગરી, શારદા, નેવારી, મૈથિલી, બંગાળી, નંદિનાગરી, તેલુગુ, કન્નડગ્રંથ અને મલયાલમ જેવી પ્રાદેશિક લિપિઓમાં લખાયેલી અનેક પ્રાચીન હસ્તપ્રતોમાં આપેલા પાઠોનો આધાર લઈ, લગભગ સર્વ પ્રતોમાં આપેલા અધ્યાયો તથા શ્લોકોના સહુથી સમુચિત પાઠને સ્વીકૃત પાઠ તરીકે આપી, એમાં સર્વ પાઠાંતરો તથા નાનામોટા પ્રક્ષિપ્ત અંશોને પાદટીપો અને પરિશિષ્ટોમાં નોંધ્યા. કેટલીક વાર લાંબા પ્રક્ષેપો અનેક અધ્યાયોને આવરી લેતા. કેટલીક પ્રતોમાં એક અધ્યાયને બે કે ત્રણ અધ્યાયોમાં વિભક્ત કરેલો નીકળ્યો, તો કેટલીક પ્રતોમાં એથી ઊલટું બે કે ત્રણ અધ્યાયોને એક અધ્યાયમાં સંયોજિત કરેલા હોવાનું જણાયું. મહાભારતની ઉત્તરી વાચનામાં ૧૮ પર્વ છે, જ્યારે દક્ષિણ વાચનામાં ૨૪ પર્વ છે. પ્રક્ષિપ્ત અંશોને અલગ તારવવાથી મૂળ ગ્રંથમાં ઘૂસેલા કેટલાક સંશય દૂર થયા. દા.ત. દ્રૌપદી-સ્વયંવર પ્રસંગે કર્ણને સૂતપુત્ર તરીકે સ્પર્ધામાં ઊતરવા દેવાની મનાઈ કરવામાં આવી એવું પ્રક્ષિપ્ત અંશોમાં જણાવેલું છે, જ્યારે મૂળ વાચનામાં કર્ણને એવો કોઈ અન્યાય કરાયો હોવાનું જણાવ્યું નથી. ઊલટું અમુક પ્રતોમાં તો કર્ણે પણ બીજા અનેકની જેમ સ્વયંવરની સ્પર્ધામાં મત્સ્ય-વેધ માટે પ્રયત્ન કર્યો ને એ પણ એમાં નિષ્ફળ નીવડ્યો એવું જણાવ્યું છે.
મહાભારતનું ખિલ (પરિશિષ્ટ) ગણાતા ‘હરિવંશ' ની સમીક્ષિત આવૃત્તિ
Jain Education International
૧૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org