________________
દેલવાડાનાં દેરાં
પ્રશાંતરાગ, સમાધિમગ્ન જિનેશ્વર અને એમનો પ્રશમરસદીપ્ત દેવપરિવાર આરસના આવરણમાં ખરે જ શોભી ઊઠે છે. એનાં મંદિરોનાં સ્તમ્ભો અને મંગલ તોરણો, વિતાનો અને ઉત્તાનપટ્ટ આરસી દેહમાં દીપી રહે છે. વિમલવસહીના રંગમંડપમાં ઊભા રહીને જોતાં એના સમગ્ર આંતરદૃશ્યનો પડતો ઇન્દ્રસભા જેવો પ્રભાવ અને લૂણવસહીના મહાન્ કરોટક અને નવચોકીની કંડારલીલાના દર્શનમાત્રથી થતા આનંદનો પરિતોષ પોતે જ એનો પુરસ્કાર બની રહે છે. એ બન્ને મંદિરોનું નિર્માણ-સાફલ્ય પણ એમાં જ રહેલું છે. એના વિધાયકોએ અને એ યુગની વાસ્તુકલાએ એથી વિશેષ અપેક્ષા પણ કદાચ નહીં રાખી હોય. આઠમાથી દશમા શતક સુધીમાં રૂપકામ અને સુશોભનો વિશેષ સુંદર થતાં; પણ એ કાળે વાસ્તુવિદ્યાનાં આટલા વિકાસ, વિસ્તાર, કે વ્યાપ્તિ નહોતાં. પોતાના યુગોની આ પ્રદેશની આ દેવાલયો શ્રેષ્ઠ કૃતિઓ છે એ વાત સ્મરણમાં રાખીશું તો એ બન્નેને ન્યાય થયો ગણાશે. ભારતના અગ્રિમ એવં ચિરાયુ સ્થાપત્ય-સર્જનોમાં આ બે મંદિરોનું પણ સ્થાન છે એ વાતનો અનાદર કે ઇન્કાર થઈ શકે તેમ નથી.
33
( ૩ ) ભીમસિંહવસહી : પિત્તલહર જિનાલય
વિમલવસહીની હસ્તિશાલાથી પૂર્વમાં થોડે અંતરે, સહેજ ત્રાંસમાં અને લૂણવસહીની જોડાજોડ દક્ષિણે પણ થોડું પાછળ ખેંચાયેલું, આ સમૂહનું ત્રીજું મંદિર બે ધનાઢ્યોના દરિદ્રી સગા સમું ઊભું છે. જો કે ૧૫મા સૈકાના બૃહદ્તપાગચ્છીય જયતિલકસૂરિ એમની અર્બુદ ચૈત્યપરિપાટી અને એમની પરંપરાના ઉદયધર્મસૂરિ એને પેથડ સાહ કારિત જિનાલય કહે છે, પરંતુ શિલાલેખો અને ગ્રંથસ્થ ઉલ્લેખોને આધારે આ મંદિરનું ગર્ભગૃહ ગૂર્જર જ્ઞાતિના શ્રેષ્ઠી ભીમસિંહે ઈ સ ૧૩૨૭-૩૩ વચ્ચે કયારેક બંધાવી, તેમાં આદિનાથની પિત્તળની પ્રતિમા મુકાયેલી. કોઈ કારણસર બાંધકામ અધૂરું રહેલું અને મૂલ પ્રતિમા મેવાડના કુંભલમેરુના ચતુર્મુખ પ્રાસાદમાં પ્રતિષ્ઠિત થઈ. તે પછી છેક ઈ. સ. ૧૪૩૮માં તપાગચ્છ સંઘ તરફ્થી મંદિરનું બાંધકામ આગળ ચલાવવામાં આવ્યું અને ગૂઢમંડપ અને નવચોકી ઉમેરવામાં આવ્યાં. ત્યારબાદ ઈ. સ. ૧૪૬૯માં અમદાવાદના સુલતાન મહમૂદ બીઘરાના મંત્રી સુંદર અને એના પુત્ર ગદાએ હાલ વિદ્યમાન છે તે પિત્તલની પ્રતિમાની પ્રતિષ્ઠા તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિ પાસે કરાવી. તે પછી ઈ. સ૰ ૧૪૭૫મા માલવાના શ્રાવકોએ નવચોકીના ખત્તકો કરાવ્યા : અને છેલ્લે ઈ સ ૧૪૮૪માં સુવિધિનાથનો ભદ્રપ્રાસાદ અને ૧૪૯૧માં કેટલીક દેવકુલિકાઓની રચના થઈ, જેમાંની એકની દ્વારશાખાનું દશ્ય ચિત્ર ૮૬માં રજૂ કર્યું છે.
બાવન જિનાલય કરવા ધારેલા આ મંદિરમાં નાલમંડપનું કામ ભોંયતળિયા બાદ અપૂર્ણ રહ્યું છે. રંગમંડપ પણ થઈ નથી શકયો અને પૂર્વ તરફ્ની ભમતી સમૂળગી નથી થઈ શકી; જ્યારે ઉત્તર તરફ ત્રણ, અને દક્ષિણ તરફ એક ભદ્રપ્રાસાદ સિવાય નવ દેવકુલિકાઓ જ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org