________________
ધન સાર્થવાહ પાંચમા ભવે લલિતાંગ નામે દેવ તરીકે ઉત્પન્ન થયાં.
દિવ્ય આકૃત્તિ, પુષ્પ જેવું સુકોમળ શરીર, મહાશક્તિશાળી, વિદ્વાન અને શ્રેષ્ઠ લબ્ધિવાળા લલિતાંગ દેવ અવધિજ્ઞાનના ધારક હતા. તેમના શરીર પરના આભૂષણો તેમજ મસ્તકપરનો મુગટ તેની શોભા અને પ્રભાવમાં વધારો કરતા હતા.
આ ઉપરાંત તેમની આજુબાજુ જુદી જુદી સેવામાં પ્રવૃત્ત દેવો પણ તેમની યશ અને કીર્તિને પ્રભાવી બનાવતા હતા. શ્રીપ્રભ નામનું વિમાન એટલે ચારે તરફ સૌન્દર્યના ફૂવારા. આ વિમાનમાં રહેલા દેવો ભૌતિક સુખના સ્વામી બની જતા. સુવર્ણ અને મણિથી બનેલા શીખરોથી બનેલા પર્વતો એ દેવો માટે ક્રિડાસ્થળો હતા. તેમજ હાથમાં ચામર, દર્પણ તેમજ પંખા વગેરે ધારણ કરી રહેલી દેવાંગનાઓ અને વાજિંત્રોના સૂરમાં સૂર પૂરાવતા ગાંધર્વો આ દેવિમાનના વાતાવરણને મંત્રમુગ્ધ બનાવતા હતા. સુમધુર સંગીતની સૂરાવલિઓ વચ્ચે લલિતાંગ દેવ બિરાજતો હતો. તેમણે અવધિજ્ઞાન વડે પૂર્વભવ યાદ કર્યો અને ત્યારે જાણ્યું કે તેમના સ્વયંબુદ્ધ નામના મંત્રીએ તેમને જે ધર્મ પમાડ્યો હતો, એનું આ પરિણામ હતું. આ પછી લલિતાંગ દેવે ચૈત્યમાં રહેલી શ્રી જિનેશ્વર ભગવંતોની શાશ્વત પ્રતિમાઓનું પૂજન કર્યું. એ જ રીતે જ્ઞાનની ઉત્તમ આરાધના કરી.
લલિતાંગ દેવના અંતઃપુરમાં તેમની કરતા પણ સૌન્દર્યમાં વિશેષ પ્રભાવી દેવી સ્વયંપ્રભા હતા. સૌન્દર્યનું અમૃત તેમના અંગેઅંગમાંથી છલકતું હતું. ચારે બાજુએ સુગંધી પુષ્પોના ઉદ્યાનો શોભી રહ્યાં હતા. લલિતાંગ દેવે સ્વયંપ્રભા સાથે અનેક પ્રકારના સુખ વૈભવો ભોગવ્યા. આયુષ્ય પૂર્ણ થતાં સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થયું. આથી તેના વિરહથી લલિતાંગ દેવ અત્યંત દુ:ખી બની ગયા.
આ બાજુ સ્વયંબુદ્ધે ચારિત્ર અંગીકાર કર્યું. પછી કાળાંતરે તે ઈશાન દેવલોકમાં દૃઢવર્મા નામનો દેવ થયો. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે પૂર્વભવના મહાબલ રાજા અત્યારે લલિતાંગ દેવ રૂપે વિરહની વ્યથામાં બેચેન છે. પોતાનું કર્તવ્ય સમજીને તે તેની પાસે ગયો. દેઢવર્માએ લલિતાંગ દેવને પોતાનો અને તેનો પૂર્વભવ યાદ કરાવ્યો. પોતાના કર્તવ્ય પ્રમાણે પ્રતિબોધ આપતા કહ્યું :
પૃથ્વી પર ધાતકી ખંડમાં પૂર્વ વિદેહ ક્ષેત્રમાં નંદિ નામના ગામમાં દરિદ્ર સ્થિતિવાળો નાગીલ નામે ગૃહસ્થ રહે છે. તેની પત્ની નાગશ્રી છે, તેને છ પુત્રીઓ છે. તેઓ ઘણી વખત ભૂખ્યા - તરસ્યા સૂઈ જાય છે. સાતમી પુત્રીના જન્મ પછી નાગિલ કુટુંબ છોડી ચાલ્યો ગયો છે. નાગશ્રી દુ:ખી થઈ ગઈ તેથી તેની પુત્રીનું નામ પાડ્યું નહીં. તેથી તેને સૌ નિર્નામિકા કહેવા લાગ્યા. પુત્રીએ તેની મા પાસે ખાવાનું માગ્યું તેથી નાગશ્રીએ તેને અંબરતિલક પર્વત પર જઈ લાકડાનો ભારો લાવવાનું કહ્યું. નિર્નામિકા રડતી રડતી તે પર્વત પર લાકડા લેવા ગઈ, પરંતુ ભાગ્યની રેખા પલટાતા વાર ન લાગે, એ રીતે ત્યાં તેને એક મુનિરાજને દેશના આપતા જોયા. તે પણ કુતૂહલવશ તે સભામાં બેસી ગઈ. મુનિએ નરકગતિના જીવોના દુઃખીજીવનનું વર્ણન શરૂ કર્યું. જેના જીવનની પરિસ્થિતિ વિષેના શબ્દો સાંભળતા જ એટલી કરૂણતા પ્રગટતી હોય, તે દુ:ખનો પ્રત્યક્ષ અનુભવ કેટલો વેદનીય હશે ! આ વિચાર માત્રથી નિર્નામિકાનું હૃદય કંપી ઊઠ્યું. એને ત્યાં જ વૈરાગ ઉત્પન્ન થયો અને શ્રાવકધર્મ અંગિકાર કરી લાકડાં લઈ ઘેર ગઈ. ધીમે ધીમે ધર્મના પાલન માટે તેણે તપની આરાધના શરૂ કરી છે, પરંતુ દુઃખની વાત એ છે કે તે કન્યાને કોઈ પરણવા તૈયાર નથી. તે અનશન કરી જીવન પસાર કરી રહી હતી. માટે હે લલિતાંગ દેવ ! તમે ત્યાં જઈ તમારું રૂપ પ્રગટ કરો. તમારી સ્વયંપ્રભા તરીકે જ તે તમને મળશે.’’
Jain Education International
૭
For Private & Personal Use Only
www.jainelibrary.org