SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ નીકળી પડયા. આ સમયે નેમિકુમારના સાતમા ભવે તેમની પ્રિયા યશોમતિ જે આઠમા ભવે તેમની સાથે જ અપરાજિત વિમાનમાં દેવીરૂપે જન્મી હતી તે નવમાં ભવે ઉગ્રસેન રાજાને ત્યાં રાજીમતી નામની કન્યારૂપે જન્મી હતી. તે પણ રૂપવાન અને ગુણવાન હતી. સત્યભામાએ શ્રીકૃષ્ણને નેમિકુમાર માટે રાજીમતિ યોગ્ય કન્યા છે તે વાત કરી એટલે શ્રીકૃષ્ણ ઉગ્રસેન રાજાને ત્યાં રાજમતિની માંગણી કરવા ગયા. ઉગ્રસેન રાજા આ સંબંધથી ખૂબ જ ખુશ થયા અને પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. સમુદ્રવિજય પણ પોતાના પુત્ર નેમિકુમાર લગ્ન ક૨શે અને રાજીમતિ જેવી રાજકન્યા પોતાની પુત્રવધૂ બનશે તેથી ખુશ થયા. માતા શિવાદેવીનું તો જાણે જીવન ધન્ય બની ગયુ ! આખુ દ્વારકા શણગારવામાં આવ્યું. પ્રત્યેક દરવાજે તોરણ બંધાયા. શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમજ નગરની સ્ત્રીઓ મધુર સ્વરે ગીતો ગાવા લાગી. સમુદ્રવિજય રાજાએ તત્કાળ લગ્નની તૈયારી કરાવવા માંડી. લગ્નનો દિવસ શ્રાવણ સુદ છઠ નજીક આવવા લાગ્યો. આંગણે શરણાઈઓ વાગવા માંડી. નેમિકુમારને પીઠી ચોળી અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા. મનોહર ચંદનની સુગંધથી વાતાવરણ સુગંધી બની ગયું. બાજુમાં બે શ્વેત ચામર, ઉપર શ્વેત છત્ર, શ્વેત અશ્વવાળો રથ અને શ્વેત વસ્ત્રથી શોભતા નેમિકુમારને જોવા નગરજનો વિશાળ રાજમાર્ગો પર ગોઠવાઈ ગયા. બાજુમાં અનેક યુવાન જાનૈયાઓ ઘોડા પર તેમજ હાથી પર બેસી તેમની સાથે રહ્યાં. મહામૂલ્યવાળી શિબિકાઓમાં બેસી અંતઃપુરની સ્ત્રીઓ ગીતો ગાવા લાગી. આગળ મંગળપાઠકો ઊંચા સ્વરે મંગળપાઠ કરતા ચાલતા હતા. વાજિંત્રોના નાદથી આકાશ ગાજવા લાગ્યું. આવી સાજન- મહારાજથી સુશોભિત જાન ઉગ્રસેન રાજાના મહેલ તરફ પ્રયાણ કરતી હતી એ સમયે વ૨૨ાજા નેમિકુમારને જોવા અટારીઓમાં સ્ત્રીઓ ગોઠવાઈ ગઈ હતી. નૈમિકુમારનું મોહિતરૂપ જોતા તેઓ રાજીમતિને આ સંદેશ આપવા દોડી ગઈ. રાજીમતિ પણ પોતાના સ્વામીને જોવા અધીરી બની હતી તેથી તે સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરી નેમિકુમારને જોવા મહેલના ગોખમાં બેસી ગઈ. તેની સખીઓ મુકત મને નેમિકુમારના વખાણ કરતી હતી તો બીજી બાજુ દેવવિમાનમાં દેવી જેમ શોભે તેમ રાજીમતિ હતી. તેણે દૂરથી નેમિકુમારને આવતા જોયા ત્યારે તે મનોમન બોલી, '' ધણું પુણ્ય હોય તો જ આવા પુરૂષની પ્રાપ્તિ થાય છે.'' આ વિચારમાં પોતે ખોવાઈ ગઈ હતી. વિધિની લીલા અકળ છે. આ સમયે રાજીમતીની જમણી આંખ ફરકવા લાગી એટલે તરત " કાંઈક અનિષ્ટ થવું જોઈએ,' એવો વિચાર તેના મનને વ્યથિત કરી ગયો. તેની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. આ જોઈ તેની સખીઓએ પણ ' અમંગળ નહી થાય' એવું સાંત્વન આપ્યું. સાજન-માજન સહિત વરઘોડામાં મહાલતા જાનૈયાઓની વચ્ચે નેમિકુમાર ઉગ્રસેન રાજાના મહેલ તરફ આગળ વધી રહ્યા હતા. એ સમયે પ્રાણીઓનો કરૂણ સ્વર નેમિકુમારે સાંભળ્યો ત્યારે તેમણે તે વિષેનું કારણ પૂછયું. આ સાંભળી તે રથના સારથિએ કહ્યું '' હે સ્વામી ! તમને આ ખબર નથી કે તમારા વિવાહ માટે યોજાયેલ ભોજન સમારંભ માટે આ પ્રાણીઓને લાવવામાં આવ્યા છે. તેઓને વાડામાં પૂરેલા છે, એટલે તેઓ ભયથી પોકાર કરે છે.' આ સાંભળી નેમિકુમારે તરત જ સારથિને તે રથ તે બાજુએ લઈ જવા માટે આદેશ આપ્યો. જયાં રથ તે વાડા પાસે પહોંચ્યો ત્યાં જ પ્રાણીઓના ચિત્કાર અને કરૂણ આક્રંદ સંભળાયા. કેટલાક પ્રાણીઓને ડોકથી બાંધ્યા હતા. તો કેટલાકને પગે દોરડા બાંધ્યા હતા. કોઈને પાંજરામાં પૂર્યા હતા તો કોઈને ભયથી રંજાડાતા હતા. આમ આ પ્રાણીઓ પોતાની જાતને બચાવવા જાણે કોશિષ કરતા હોય એમ તેમની આંખોમાં લાચારી અને વિવશતા હતી. તિર્યંચના જીવોની આ દશા ? આ લાચારી ? જે બોલી શકતા નથી તેની આંખોમાં જે લાચારી હતી તે નેમિકુમાર વાંચી શકયા. ■■■■■■ (138) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy