________________
( ) ભવ પહેલો )
ભૂજાદંડમાં વજ જેવી પ્રચંડ તાકાત અને વીરતા ધરાવતા રાજા વિક્રમધન એક વખત જંબૂદ્વીપના ભરતક્ષેત્રના અચલપુર નગરનું સિંહાસન શોભાવતા હતા. તેમના કપાળમાંથી કોઈ અલૌકિક તેજ ચમકી રહ્યું હતું. તેની પ્રચંડ તાકાત જોઈ આજુબાજુના અનેક રાજવીઓએ શાંતિનો અનુભવ કર્યો હતો. જુદા જુદા સ્થળોમાંથી સંચિત થયેલી ધનરાશિ રાજ્યની સંપત્તિમાં વધારો કરતી હતી. પ્રજા પણ રાજાને વફાદાર રહેવામાં પોતાની જાતને ભાગ્યશાળી માનતી હતી. રાજસિંહાસન જેમ રાજા વિક્રમધનના સંસ્કારથી શોભતું હતું એ રીતે રાજમહેલનું અંતઃપુર રૂપ, ગુણ અને શીલના સંસ્કારયુક્ત રાણી ધારિણીથી શોભતું હતું.
ઉત્તમ ગુણો ધરાવતા અને ઉત્કૃષ્ટ વિચારો સેવનારને સ્વપ્ન પણ ઉત્તમ આવે છે. રાણી ધારિણીએ એક વખત એવું જ સ્વપ્ન જોયું, જેમાં કોઈ ઉત્તમ દેખાતા પુરુષે ફલિત થયેલો આંબો હાથમાં લઈ રાણીને કહ્યું કે આ આંબો આજે તારા આંગણામાં રોપાય છે, પછી તે જુદા જુદા નવ સ્થળે રોપાશે. જેમ જેમ સમય જશે તેમ તેમ તે વૃક્ષ ઉત્તમ ફળદાયી બનશે. આ સ્વપ્ન જોયા પછી રાણીએ રાજા વિક્રમધનને તે સંબંધી વાત કરી. રાજા પણ ખૂબ જ ખુશ થયા તેમણે આ સ્વપ્નનો મર્મ સમજવા નિમિત્તિઓને બોલાવ્યા. તેમણે જણાવ્યું કે આ સ્વપ્નથી એમ સિદ્ધ થાય છે કે ધારિણી રાણીને એક ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે. રાણીના હર્ષનો પાર ન રહ્યો. દિવસે દિવસે રાણીના મનમાં મહાન વીરપુરષની માતા બનવાની ઝંખના વધવા લાગી
સમયના નિરંતર વહેતા પ્રવાહમાં કેટલીક ધટનાઓ વહી જાય છે જ્યારે કેટલીક ધટનાઓ ઈતિહાસ સર્જે છે. કેટલીક આવી બાબતો કે આવા પ્રસંગો યુગપ્રવર્તક બને છે. આવી જ ઘટના રાજા વિક્રમધનના પરિવારમાં બની. રાણી ધારિણીએ સમયાંતરે ગર્ભધારણ કર્યો. ગુલાબના વિકસિત પુષ્પ જેવું નજાકત સૌન્દર્ય તેમના ચહેરા પર છવાઈ ગયું. દિવસે દિવસે તેમની શોભા વધવા લાગી. પૂર્ણ દિવસો થતાં રાણીએ એક ઉત્તમ દિવસે પુત્રને જન્મ આપ્યો. પુત્રનું તેજ જોતા પોતાને આવેલ સ્વપ્ન સાકાર થતું જાણી રાણી ખુબ જ પ્રસન્ન બન્યા. રાજાએ પણ મહાદાનપૂર્વક પુત્રજન્મનો મહોત્સવ કર્યો. તેનું નામ ધન પાડવામાં આવ્યું. બાળલીલાઓમાંથી પસાર થતા ધનકુમાર યૌવનવય પામતા સુંદર અને બહાદુર રાજકુમાર બન્યા. સૌના દિલ જીતી લેનાર ધનકુમાર પ્રજાપ્રિય રાજકુમાર બન્યા.
આ સમયે કુસુમપુર નામના નગરમાં પરાક્રમી રાજા સિંહ રહેતા હતા. તેમની રાણી વિમળા અતિ રૂપવાન હતા. તેમને અપ્સરા જેવું રૂપ ધરાવતી ધનવતી નામે રાજકુમારી હતી વિવિધ કળાઓ શીખતી ધનવતી સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ.
વસંતઋતુ એટલે યુવાન હૈયાની પ્રિય ઋતુ. રાજકુમારી ધનવતી વસંતના વૈભવને માણવા માટે તેની સહેલીઓ સાથે ઉદ્યાનમાં ગઈ. ભમરાઓનું ગુંજારવ અને સારસયુગલોની ક્રીડાએ આખા ઉદ્યાનને મોહિત કરી દીધું હતું. જળક્રીડા કરતા હંસોના ઝૂંડ જોઈ ધનવતી ભાવવિભોર બની હતી. આનંદથી ફરતી રાજકુમારી જાણે ઉદ્યાનમાં ખીલેલી પ્રકૃતિનું પાન કરવામાં મસ્ત બની હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org