________________
યોગાનુયોગ એક મહત્વની ઘટના બની. અશોકવૃક્ષ નીચે એક વિચિત્ર ચિત્રકાર હાથમાં કોઈ ચિત્રપટ લઈને ઉભો હતો. ધનવતીની સખી કમલિનીએ તેને જોયો. ચિત્રપટ જોતા જ કમલિની નવાઈ પામી. અનુપમ સૌન્દર્ય ધરાવતો એક પુરૂષ એ ચિત્રપટમાં બનાવેલો હતો. એ જોઈ કમલિનીએ તે ચિત્ર પેલા ચિત્રકારના હાથમાંથી લઈ લીધું અને પૂછ્યું, ''આ ચિત્રનો પુરૂષ તે માત્ર કલ્પનાથી દોર્યો છે કે આવું રૂપ ધરાવનાર કોઈ પુરૂષની આ પ્રતિકૃતિ છે?'' આ સાંભળી તે ચિત્રકાર ખડખડાટ હસવા લાગ્યો અને બોલ્યો, ''જે વિક્રમરાજા અચલપુર નગરનું સિંહાસન શોભાવે છે એનો અનુપમ સૌન્દર્ય ધરાવનાર કુંવર ધનકુમારનું આ ચિત્ર છે. મેં એ રાજકુમારને પ્રત્યક્ષ જોયા પછી જ તેનું આ ચિત્રપટ બનાવ્યું છે. મેં માત્ર મારા આનંદ માટે જ આ ચિત્ર તૈયાર કર્યું હતું."
ચિત્રકાર અને કમલિની વચ્ચે થયેલી વાત ત્યાં પાસે ઊભેલી રાજકુમારી ધનવતીએ સાંભળી. કમલિની પણ આશ્ચર્ય પામતી ત્યાં ઊભી રહી ગઈ. ચિત્રકાર તો વાત કરી ત્યાંથી ચાલ્યો ગયો. ધનવતીનું મન પેલા પુરુષને જોવા બેચેન બની ગયું. સારસજોડમાંથી છૂટી પડેલી સારસીની જેવી તેની મનોદશા પામી જઈ કમલિનીએ તેનું કારણ પૂછ્યું ત્યારે ધનવતીએ પોતાના મનની વાત વ્યક્ત કરતા કહ્યું, 'પેલા ચિત્રપટનો રાજકુમાર મારા મનની વિહ્વળતાનું કારણ છે.'' કમલિનીએ ધનવતીને આશ્વાસન આપ્યું અને તેના મનોરથ પૂર્ણ થવા માટે શુભેચ્છા વ્યક્ત કરી.
થોડા દિવસો પછી રાજકુમારી ધનવતી દિવ્ય વસ્ત્રો ધારણ કરી તેના પિતા સિંહરાજાને વંદન કરવા ગઈ. રાજા તો પોતાની લાડકવાયી દિકરીની મુગ્ધાવસ્થા જોઈ જ રહ્યો. ધનવતી નમ્રતાપૂર્વક પિતાને પ્રણામ કરી તેના આવાસે ગઈ. તે ગયા પછી રાજા તેના ભવિષ્ય વિષે વિચારતા હતા. એ સમયે સિંહરાજાએ પોતાના કોઈ કાર્ય માટે વિક્રમધન રાજા પાસે અગાઉ મોકલેલ એક દૂત અચલપુરથી પાછો આવ્યો. રાજાને પ્રણામ કરી તે ઉભો રહ્યો. સિંહરાજાએ ક્ષેમ કુશળ પૂછી કહ્યું.'ત્યાંની કોઈ વિશેષ બાબત હોય તો જણાવ.'' આ સાંભળી તે
કહ્યું:
''અચલપુરના રાજા વિક્રમધનના કુંવર ધનકુમારને જોયા પછી એવું લાગ્યું છે કે આવો રૂપવાન અને તેજસ્વી પુરુષ હજુ સુધી ક્યાંય જોયો નથી. તેને જોતા જ મને રાજકુંવરી ધનવતી યાદ આવી ગયા. મને લાગે છે કે ધનકુમાર જ તેમની વાત માટે યોગ્ય પતિ બની શકશે.'
આ વાત સાંભળી રાજા ખૂબજ ખુશ થયા અને સારી બક્ષિશ આપી, દૂતને વિદાય કર્યો. દૂત અને રાજા વચ્ચેના આ સંવાદો ધનવતીની નાની બહેન ચંદ્રવતી અંદર ઊભા રહી સાંભળતી હતી. તે પણ ખૂબ જ ખુશ થઈ અને તરત જ આ સુખદ સમાચાર ધનવતીને આપવા દોડી ગઈ. ધનવતીના મનની વાત જ ચંદ્રવતીએ કહી ત્યારે ધનવતીતો મંત્રમુગ્ધ બની ગઈ. ''શું ધનકુમાર આ વાત જાણતા હશે ? મારા મનમંદિરના સ્વામી બનવાને જ પોતે સર્જાયા હોય, એ એમને ખબર હશે ? '' આવા વિચારમાં ખોવાયેલી ધનવતી ધનકુમારને યાદ કરતી રહી. તેને ખ઼બર પડી કે દૂત ફરી અચલપુર જવાનો છે એટલે ધનવતીએ પોતાની ઈચ્છા જણાવતો સંદેશ દૂતને આપ્યો. સિંહરાજાએ પણ વિક્રમધન રાજા માટે સંદેશ મોકલ્યો હતો. આ બંને સંદેશ લઈ દૂત અચલપુર ગયો. સિંહરાજાનો સંદેશ તેણે રાજા વિક્રમધનને આપ્યો. જ્યારે રાજાએ આ સંદેશ વાંચ્યો ત્યારે તેને પોતાની જાતને ભાગ્યશાળી ગણી ખુશી વ્યક્ત કરી. દૂતે ધનકુમારને તેમની માટે જ મોકલેલ સંદેશ આપ્યો. ધનકુમાર પણ આ સમાચારથી ખુશ થયા. સમય જતા ધનકુમાર અને ધનવતીના લગ્ન ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યા.
Jain Education International
127
For Private & Personal Use Only
www.jainelibrary.org