________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૦૯
ઢોરોને ચરાવવા જંગલમાં ગયા હતા અને તીર અહીં તેંહી લક્ષ વગર ફેંકી રહ્યા હતા ત્યારે અચાનક એક તીર ઇંટ માટીનો એક ઢગલો હતો તેના ઉપર પડ્યું અને મધુર રણકાર સંભળાયો. દોડીને વિમળ શાહે થોડી માટી વગેરે ખસેડી જોયું તો સ્વર્ણમહોરોથી ભરેલો ઘડો જોયો. સાચવીને ઘડો બહાર કાઢ્યો અને ઘરે લઈ જઈ પોતાનાં માતાજીને સોંપ્યો. આટલી મોટી ધનરાશિ ખાસ ઉદ્યમ વગર મળી જવાથી ઘરે બધા હર્ષથી ઝૂમી ઊઠ્યા.
આસ્તે આસ્તે વિમળ શાહનાં પરાક્રમોની વાતો બધે પ્રસરતી જતી હતી. આ પ્રશંસા પાટણના નગરશેઠના કાન સુધી પહોંચી અને તેમને પોતાની દીકરી શ્રીદેવીનાં લગ્ન વિમળ શાહ સાથે કરવા વિચાર્યું. શ્રીદેવીનાં વેવિશાળ કરવા પાટણના નગર શેઠ વિમળ શાહના મોસાળ આવ્યા અને વિધિસર ચાંલ્લા કરી વેવિશાળ કર્યું, અને થોડા દિવસ બાદ શ્રીદેવીનાં લગ્ન ધામધૂમથી વિમળ શાહ સાથે થયાં.
થોડા દિવસ બાદ વિમળ શાહ તેમના નાના ભાઈનેઢ, વીરમતી તથા શ્રીદેવી સાથે પાછા પાટણ આવી વસ્યા.
વિમળ શાહ વિચારતા હતા કે મારા વડીલોએ અહીં મંત્રી તરીકે કામગીરી કરી છે. અત્યારે અહીં અમને કોઈ ઓળખતું નથી એટલે કંઈક પરાક્રમ કરી મંત્રીપદ મેળવવું જોઈએ, અને એ માટે એક દિવસ મોકો મળી ગયો.
વીરોત્સવનો દિવસ હતો. એક મેદાનમાં અસ્ત્ર શસ્ત્રના અવનવા ખેલો ખેલાઈ રહ્યા હતા. વિમળ શાહ ત્યાં પહોંચી ગયા. નિશાનબાજી ચાલતી હતી. એક પછી એક જણ બાણથી નિશાન સાધતા હતા. પણ બરાબર નિશાન કોઈનું લાગતું ન હતું. આ જોઈ વિમળ શાહ બોલી ઊઠ્યા, વાહ ! જોયું તમારું પાણી, જોઈ તમારી શૂરવીરતા.
ખુદ રાજા ભીમદેવ પણ નિશાન તાકવા ઊભા રહ્યા. તેમનું નિશાન પણ બરાબર ન લાગ્યું. આ જોઈ વિમળ શાહ હસવું ન રોકી શક્યા. એટલે ભીમદેવે કહ્યું, કેમ હસે છે? આવી જા ને, તુંએ લગાવ નિશાન.
આવી જ તકની રાહ વિમળ શાહ જોઈ રહ્યા હતા. તેમને બધાના દેખતા નિશાન બરાબર સાધ્યું. ભીમદેવ અને બધા આ જોઈ આશ્ચર્ય પામ્યા. ભીમદેવે વિમળ શાહને કહ્યું, હજુ સારી નિશાનબાજી તું બતાવે તો મોટું ઇનામ આપીશ. બતાવ તારી કળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org