________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૪૨
શિયળનું ખંડન નહિ થવા દઉં. પ્રાણ ગયા પછી મારા મડદાને કાગડા ચૂંથે એમ તારે ચૂંથવું હોય તો ચૂંથી નાખજે.”
આવી અડગ વાણી બે-ત્રણ વખત સાંભળી પલ્લીપતિ સમજી ગયો કે આ બાઈ સતી સ્ત્રી છે અને કદાચ જો એ મને શ્રાપ આપશે તો હું બળીને ભસ્મ થઈ જઈશ. એમ વિચારી તેણે કૌમુદીને બર્બરકુટ નામના નગરમાં એક નીચ કુળના માનવ સાથે સોદો કરી વેચી દીધી.
કૌમુદી ઘર છોડીને નીકળી ગયા પછી એનો પતિ ખૂબ ચિંતા કરવા લાગ્યો કે આ મધરાતે એકલી ક્યાં ગઈ હશે! એનું શું થયું હશે? એના પિયરમાં પણ ખબર કાઢી પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. બર્બરકુટનો નીચ માનવી પણ કૌમુદીનું રૂપ-યૌવન જોઈ તેના ઉપર મોહિત બન્યો અને એની પાસે વિષય-સુખની યાચના કરી. પણ શીલધર્મની ઝળહળતી જ્યોતને અખંડ રાખનાર કૌમુદીએ એને કઠોર શબ્દોમાં કહી દીધું, “હે પાપી! તું મારા જીવતાં મને નહિ અડી શકે. આ નીચ નરાધમે કૌમુદીને લલચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે ચારિત્રમાં અડગ રહી; એટલે તે નીચ માનવીએ કૌમુદીને દુઃખ આપવું શરૂ કર્યું. તેને થાંભલા સાથે બાંધી એના શરીરમાં સોયા ભોંકીને એના દેહમાંથી લોહી ખેંચવા લાગ્યો. પછી થોડા દહાડા તેને મિષ્ટાન્ન વગેરે પૌષ્ટિક પદાર્થો ખવડાવતો અને એના શરીરમાં લોહી ભરાતું ત્યારે પાછો થાંભલા સાથે બાંધીને ધગધગતા અણીદાર સોયા ભોંકી લોહી ખેંચતો. આમ, લોહી વારંવાર ખેંચાવાથી કૌમુદીને પાંડુ નામનો ભયંકર રોગ થયો અને એનું શરીર કૃશ થઈ ગયું. આવાં દુઃખોની સામે પણ કૌમુદી શીલધર્મમાં એક શૂરવીર સુભટની જેમ અડગ રહી, પણ કુશીલના કાદવથી પોતાની કાયા અભડાવી નહીં.
એક વખતે આ કૌમુદીનો ભાઈ વેપાર અર્થે બર્બરકુટમાં આવ્યો. તેને નગરમાં ફરતાં ફરતાં એવા સમાચાર મળ્યા કે એક રૂપવતી બાઈ એક પાપી માણસ ખરીદીને લાવ્યો છે અને આ બાઈને ઘણું દુઃખ આપે છે. કૌમુદીનો ભાઈ કુતૂહલવશ આ જોવા પેલા પાપીના ઘરે આવ્યો અને પોતાની સગી બહેનને દુઃખના ડુંગર ખડકાયેલા જોઈને ધ્રુજી ઊઠ્યો. તેણે પોતાની બહેનને ત્યાંથી ધન આપી છોડાવી પોતાને ઘેર લઈ આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org