________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૦
પરમાત્માની સ્તુતિસ્તવના કરી, ભગવાનને વિનયથી કહ્યું, “હે ભગવન્! આપે ભરતને અને અમને યોગ્યતા અનુસાર ભિન્ન ભિન્ન દેશોનાં રાજ્ય વહેંચીને આપ્યાં હતાં. અમે તો અમારા રાજ્યથી સંતુષ્ટ છીએ, પરંતુ અમારા મોટાભાઈ પોતાના રાજ્યથી અને બીજાનાં છીનવી લીધેલાં રાજ્યોથી તૃપ્ત થયા નથી અને અમને બધાને તેમની સેવા કરવા અને તેમની આજ્ઞામાં રહેવા દૂતો દ્વારા કહેવડાવે છે.”
ભગવાને પોતાના ૯૮ પુત્રોને કહ્યું - “વિવેકી પુરુષોએ અત્યંત દ્રોહી શત્રુઓની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. એવા શત્રુઓ છે રાગ, દ્વેષ, મોહ અને કષાયો. એ શત્રુઓ જન્મજન્માંતરથી દુઃખ આપનારા છે. રાગ સદ્ગતિના માર્ગમાં લોઢાની શૃંખલાની જેમ અવરોધક છે, દ્વેષ નરકમાં લઈ જનારો પ્રચંડ શત્રુ છે, મોહ જીવોને સંસારસાગરમાં ડુબાડનારો છે અને કષાય દાવાનળની જેમ જીવોને બાળનાર છે. આ જ ખરા શત્રુઓ છે. આ શત્રુઓની સાથે યુદ્ધ કરીને વિજય પામવો જોઈએ. આ અંતરંગ શત્રુઓ સામે વિજય પામ્યા પછી બહારના શત્રુઓ રહેતા નથી, જીવ શિવ બની જાય છે અને એને શાશ્વત્ પૂર્ણાનંદમય પદની પ્રાપ્તિ થઈ જાય છે.
“રાજ્યલક્ષ્મી કરતાં મોક્ષલક્ષ્મી મહાન છે. રાજ્યલક્ષ્મી તો દુર્ગતિમાં લઈ જનારી છે. તે અત્યંત પીડાકારી અને અલ્પકાલીન હોય છે. હે વત્સો, દેવલોકમાં તમે દૈવી સુખ પ્રાપ્ત કર્યા હતાં. એ સુખોથી પણ તમારી તૃષ્ણા શાન્ત થઈ ન હતી, તો પછી મનુષ્યલોકમાં તુચ્છ, અસાર અને અનિત્ય સુખોથી તૃષ્ણા કેવી રીતે શાન્ત થશે? રાજ્યલક્ષ્મીથી એ તૃષ્ણા કેવી રીતે સંતુષ્ટ થશે? તમે બધા વિવેકી છો. તમારે તો અખંડ આનંદસ્વરૂપ સંયમસામ્રાજ્ય ગ્રહણ કરવું જોઈએ કે જેનાથી પૂર્ણાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય.”
દાદાના ૯૮ પુત્રોએ સંયોગસ્વરૂપ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કર્યો અને ચારિત્ર્યધર્મનો સ્વીકાર કરીને આત્મભાવને નિર્મળ કર્યો. ભરત પ્રત્યે એમના મનમાં રજમાત્ર દુર્ભાવ રહ્યો નહીં. આત્મભાવ અત્યંત વિશુદ્ધ બન્યો, અને તે બધા સર્વજ્ઞ વીતરાગ પદ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org