________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૪
નહીં. છેવટે મૃત્યુ પામી તે આ નગરમાં જ એક ગણિકાની કૂખે ઊપની. તે ગર્ભમાં આવી ત્યારથી મા-ગણિકા બહુ પીડાતી. તેણે ગર્ભ પાડવાના ઉપાય પણ કર્યા પરંતુ ગર્ભપાત ન થયો ને છોકરી જન્મી. જન્મતાં જ એવી દુર્ગધ ઘરમાં આવવા લાગી કે જેથી કંટાળીને ગણિકાએ તેને ગંદી વિષ્ઠાની જેમ તરત ગામ બહાર નાળામાં નંખાવી દીધી. એ જ બાળાને રાજા, તમે જોઈને આવ્યા છો!”
રાજાએ પૂછ્યું, “ભગવન્! એ બિચારીનું શું થશે?” ભગવાને જણાવ્યું, “રાજા! તેણે દુર્ગછા કરી જે કર્મ બાંધ્યું હતું તે અતિ તીવ્રતાથી તેણે ભોગવી લીધું છે. ગયા ભવમાં ભાવપૂર્વક કરેલા સુપાત્રદાનના પ્રભાવથી હવે સારી સૌભાગી થશે. તે યુવતી થશે ત્યારે, રાજા! એ તમારી રાણી બનશે. એક વાર તમે બન્ને સોગઠાં રમતાં હશો ત્યારે એવી શરત કરી હશે કે જે હારે તે જીતનારને ખભે બેસાડે. તેમાં તમે હારશો ને એ તમારા ખભે બેસશે.” - આવાં પ્રભુજીનાં વચન સાંભળી વિસ્મિત થયેલા રાજા મહેલમાં આવ્યા ને સુખે કાળ વીતવા લાગ્યો.
આ તરફ જ્યાં દુર્ગધા કન્યા પડી હતી ત્યાં થોડી વારે એક ગોવાલણ આવી. હવે દુર્ગધાની દુર્ગધ નાશ પામી હતી. તે સુંદર બાળકીને જોઈને પુત્રી વિનાની એ ગોવાલણ તેને ઘેર લઈ આવી. તેને પાળીપોષીને મોટી કરી. દિવસે દિવસે તેનું રૂપ ને લાવણ્ય ખીલવા લાગ્યું. તેનું મુગ્ધકર યૌવન આશ્ચર્ય ઉપજાવે તેવું હતું.
એક વાર કૌમુદી ઉત્સવમાં રાજા અને પ્રજા બધાં ભેગાં થયાં હતાં. અભયકુમાર સાથે રાજા શ્રેણિક ક્રીડા જોઈ રહ્યા હતા. તેવામાં તે કન્યા રાજાની નજરે ચઢી - ઉભરાતા યૌવનવાળી, મોટી આંખોવાળી, પાતળી કમરવાળી, પ્રગભ ગર્વવાળી, રમ્ય ગતિથી ચાલતી, મત્ત હાથીના કુંભ જેવા સ્તનવાળી, બિંબફળ જેવા રાતા ઓષ્ટવાળી, પૂર્ણ ચંદ્રમા જેવા મુખવાળી, ભ્રમરાના સમૂહ જેવા કાળા-કાળા વાળવાળી તે યુવતીને જોતાં જ રાજા તેના ઉપર અનુરાગી થયા. ચતુર રાજાએ તે યુવતીના પાલવના છેડામાં ચપળતાથી પોતાના નામવાળી વીંટી બાંધી દીધી. ભીડમાં અભયકુમાર જેવાને પણ આ બાબતની ખબર પડી નહીં. પછી, અભિનય કરતાં રાજા બોલ્યા - “અરે મારી વીંટી ક્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org