________________
[૮૨
શ્રી માણિભદ્રવીર
ઉજજૈન નગરી. જગપ્રસિદ્ધ વિક્રમાદિત્યે જ્યાં રાજ્ય કર્યું. વિક્રમની પંદરમી સદીની આ વાત છે. આ નગરમાં ધમ્મશૂરા કમેરા એવા ધર્મપ્રિય શાહ વસતા હતા. મહાસમૃદ્ધિના એ સ્વામી, ધર્માનુષ્ઠાનોમાં પણ સદેવ આગળ. તેમણે લગ્ન કર્યાં જિનપ્રિયા સાથે. કેવાં સુંદર નામ! એક ધર્મને પ્રિય તો બીજી જિનને પ્રિય. ઘણાં વર્ષો થયાં પણ કોઈ સંતાન નહીં. બધી સ્ત્રીઓને મન માતૃત્વની ઝંખના હોય છે તેમ જિનપ્રિયાને પણ પુત્રદર્શનની ઝંખના હતી.
પણ ધર્મપ્રિય અને જિનપ્રિયાના ભાગ્યનો સિતારો ચમકતો હતો. એક સુધન્ય પળે અજવાળી રાત્રે પુત્રનો જન્મ થયો. નામ રાખ્યું માણેક. ધર્મપ્રિય અને જિનપ્રિયાને તો હીરા, પન્ના ને માણેક જ હોય ને?
હજુ તો માણેક બાળક અવસ્થામાં હતો, ત્યાં જ કોઈ અણધારી આફત આવી અને ધર્મપ્રિય શાહનું અવસાન થયું. બાલ્યાવસ્થામાં પિતાનું શિરછત્ર ગુમાવતાં માણેકના દિલમાં કારમો આઘાત લાગ્યો. પતિની વસમી વિદાય જિનપ્રિયા પણ તરત તો ભાંગી પડી, પણ પછી કર્તવ્યનો સાદ તેણે સાંભળ્યો. હવે રોયે નહીં ચાલે! માતાનું વાત્સલ્ય અને પિતાનું કર્તવ્ય બન્ને પોતે સંભાળવાનાં છે ને માણેકને મોટો કરવાનો છે.” જિનપ્રિયાએ આ જવાબદારી ખૂબ જ સારી રીતે ઉપાડી લીધી તેણે અને બાળક માણકને ભવિષ્યમાં એક હોનહાર અને અડીખમની વિભૂતિ બનાવવામાં મોટો ફાળો આપ્યો.
માણેકને વ્યાવહારિક જ્ઞાન માતા જિનપ્રિયા તરફથી મળ્યું તેમ જ ધાર્મિક જ્ઞાન ઉપાધ્યાયે આપ્યું. માણેકચંદ પાસે તીવ્ર પ્રતિભા હતી, તીક્ષ્ણ બુદ્ધિ હતી, જ્ઞાનદાતા પ્રત્યે અપૂર્વ વિનય હતો. આથી માણેકચંદ સાચા અને સારા માનવીના મહાગુણો મેળવી શક્યો.
યુવાની આવતાં માણેકચંદનાં લગ્ન ધારા નગરીના પ્રખ્યાત શેઠ ભીમરાજની પુત્રી આનંદરતિ સાથે થયાં. બન્ને એકબીજાના પૂરક બન્યાં. કર્મયોગે આ નરનારીને પૂજ્ય આચાર્યપ્રવર શ્રી આનંદવિમલસૂરિની ધર્મદેશના મળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org