________________
[૬૫] હરિકેશબલ
ગંગા નદીના કિનારે એક નાના ગામમાં ચંડાળ જાતિના મનુષ્યો રહેતા હતા. ત્યાં બળકોટ નામે એક ચંડાળ હતો. તેને બે સ્ત્રીઓ હતી : એક ગૌરી અને બીજી ગાંધારી. ગાંધારીથી તેને એક પુત્ર થયો, તેનું નામ હરિકેશબળ.
હરિકેશ પૂર્વભવમાં બ્રાહ્મણ હતો અને દીક્ષા લઈને દેવલોકમાં ગયો હતો. પણ બ્રાહ્મણ જાતિમાં તેણે પોતાના કુળનો અને અથાગ રૂપનો મદ કર્યો હતો તેથી તે આ ભવમાં નીચ કુળમાં ઉત્પન્ન થયો અને પૂર્વના રૂપના મદને કારણે તે બેડોળ, કાળ અને કદરૂપો થયો. આને લીધે તેના બાપ બળકોટને તે ગમતો ન હતો.
બળકોટનું મન બાળક ઉપરથી ઊતરી ગયું હતું. તે બાળક ઉપર પ્રેમ કરી શકતો ન હતો. પણ તેની મા તેમને સમજાવતી કે “તે કાળો છે તેમાં શું? કસ્તુરી કાળી હોય છે, પણ તે શું નીચી ગણાય છે? શિલાજીત કાળું હોય છે, પણ તે શું બેકાર કહેવાય છે? સોમલ ઝેર સફેદ હોય છે, તેથી એ શું સારું ગણાય છે? વસ્તુને ગુણથી જોવી જોઈએ. તેના રૂપરંગથી નહીં.” પણ ગમે તે હો, બળકોટનું મન માનતું ન હતું. તે કારણ મળતાં હરિકેશને મારતો, ફટકારતો હતો. હરિકેશ શરીરે બળવાન હતો એટલે બીજા છોકરાઓ સાથે લડતો, ઝઘડતો અને તેમને મારતો પણ ખરો. તેથી માર ખાધેલા છોકરાઓનાં માબાપ બળકોટ પાસે આવી રાડ નાખ્યા કરતા.
એવા જ એક અવસરે હરિકેશે કંઈક બાળકોના ટોળા સામે મારામારી કરી તે ઘરભેગો થયો. પણ કોઈક માએ પોતાના છોકરાને માર પડવાથી બળકોટ પાસે આવી વાત કરી એટલે બળકોટ ક્રોધાયમાન થઈ હરિકેશને મારવા દોડ્યો. તેથી હરિકેશ નાશી જઈને રેતીના એક મોટા ઢગલા ઉપર જઈ બેઠો અને એકઠાં થયેલાં જ્ઞાતિજનો તરફ દૂર નજરથી તે જોતો રહ્યો. સઘળા ચંડાળો ત્યાં ભેગા થઈ આનંદ કરતા હતા ત્યારે ભયંકર ફૂંફાડા મારતો એક ઝેરી સર્પ ત્યાં આવ્યો. એક જોરાવર ચંડાળે એક લાકડીથી સાપને મારીને ટુકડા કરી નાખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org