________________
[૬૪]
નિર્ગતિ (પ્રત્યેકબુદ્ધ)*
ચાર પ્રત્યેકબુદ્ધ થઈ ગયા. તેઓ ચારે એક સાથે સ્વર્ગમાંથી આવી પૃથ્વી ઉપર અવતર્યા, સાથે જ દીક્ષા ગ્રહણ કરી અને સાથે જ કેવળજ્ઞાન પામ્યા. તેમાંના ત્રણ ૧. દ્વિમુખ ૨. કરકંડુ, ૩. મિરાજનાં ચરિત્રો આ અગાઉ આપણે જાણ્યાં. હવે નિર્ગતિ, ચોથા પ્રત્યેકબુદ્ધનું ટૂંકમાં ચરિત્ર નીચે મુજબ જાણવું.
ગંધાર દેશમાં પુષ્પવૃદ્ધ નામનું નગર હતું, ત્યાં સિંહરથ નામે રાજા હતો. એક વાર તે નગરમાં કોઈ એક સોદાગર કેટલાક ઘોડાઓ વેચવા આવ્યો. તેમાંનો એક સુંદર ઘોડો રાજાએ ખરીદ્યો. પછી તેની પરીક્ષા કરવા માટે, રાજા તે ઘોડા ઉપર બેસી શહેર બહાર આવ્યો. તેણે ઘોડાની લગામ ખેંચી કે તરત જ ઘોડો પવનવેગે દોડવા લાગ્યો. પણ ઘોડો અવળીલગામ જાતિનો હોવાથી રાજાના કાબૂ બહાર જતો રહ્યો. થાકીને રાજાએ અવળી લગામ ખેંચતાં તે ઊભો રહ્યો. પણ ત્યાં સુધીમાં તો ઘોડો ઘણો દૂર નીકળી ગયો હતો અને એક વિશાળ પહાડ પર આવ્યો હતો. રાજા ઘોડા પરથી નીચે ઊતર્યો તો તેણે બાજુમાં એક મોટો મહેલ જોયો. રાજા તે મહેલમાં દાખલ થયો. આખો મહેલ સુનકાર જેવો હતો. રાજા આશ્ચર્યમાં ગરકાવ હતો. તેવામાં જ એક નવયુવાન સુંદરી રાજા સામે આવી. તેણે રાજાને આવકાર આપ્યો.
રાજાએ આશ્ચર્ય પામી તે સુંદરીનો પરિચય પૂછ્યો. એટલે સુંદરીએ કહ્યું, “રાજન! હું વૈતાઢ્ય પર્વત પરના તોરણપુર નગરના રાજાની પુત્રી છું. મારું નામ કનકમાળા છે. મારા રૂપ પર મોહિત થઈ વાસવદત્ત નામનો વિદ્યાધર મને પરણવાની ઇચ્છાથી મને અહીં લઈ આવ્યો છે. આ વાતની મારા ભાઈને ખબર પડતાં તે મને બચાવવા આવ્યો, પરિણામે બેઉ વચ્ચે યુદ્ધ થયું. તેમાં વિદ્યાધર તથા મારો ભાઈ મૃત્યુ પામ્યા. રાજન! હું હવે અહીં એકલી જ છું. હું તમારા રૂપ પર પ્રસન્ન થઈ છું. માટે આપ મારી સાથે લગ્ન કરો. રાજાએ
ગુરૂ વિના પોતાની મેળે જ્ઞાન પામનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org