________________
જૈન શાસનના ચમકતા સિતારા ૧૭૫
એકે કહ્યું, “બરાબર ત્રીજા દિવસે સંઘ અહીં આવશે, ને આપણે તેને લૂંટીશું.” રાજા ચિંતિત થયો. ત્યાં આવ્યા રાજસેવકો. તેમણે રાજાને જોઈને પૂછ્યું, “અરે, તે ક્યાંય ચોરોને જોયા? અમે ગોપીપુરના રાજપુરુષો છીએ. સંઘની સુરક્ષા કાજે અમને મોકલ્યા છે.”
આ સાંભળી રાજા વિચારે છે કે ચોરો આટલામાં જ છે, પણ હું બતાવીશ તો તે માર્યા જશે ને નહીં બતાવું તો સંઘ લૂંટાવાનો ભય છે. ઈત્યાદિ વિચારીને રાજાએ કહ્યું, “તમે ચોરોને શોધી શકશો, પણ તે કરતાં વધારે સારું એ છે કે તમે સંઘની સાથે રહી તેનું સંરક્ષણ કરો.' આ સાંભળી રાજપુરુષો સંઘની સાથે ગયા.
સાવ પાસે સંતાયેલા ચોરોને વિશ્વાસ થયો કે આ માણસે આપણને જાણવા છતાં બચાવ્યા છે. તેમણે પ્રગટ થઈ કહ્યું, “તમારો ઉપકાર.” રાજાએ કહ્યું, “તમે મરતા બચ્યા છો અને મરવું શું છે તેનો થોડો પણ ખ્યાલ તમને આવ્યો હોય તો તમે હિંસા અને ચોરી છોડી દો.” આ સાંભળી ચોરોના હૃદયનું પરિવર્તન થયું. તેમણે ચોરી-હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી ને ચાલ્યા ગયા.
સવાર થતાં રાજા આગળ ચાલ્યા. ત્યાં થોડા ઘોડેસવારો આવ્યા અને પૂછ્યું, “પથિક! અમારા શત્રુ હંસરાજાને ક્યાંય જોયો?” અસત્ય ન જ બોલવું એવા નિશ્ચયથી રાજા બોલ્યા, “હું જ હંસરાજ છું.” આ સાંભળી આંખમાંથી અંગારા વરસાવતો નાયક ખગ લઈ આગળ આવ્યો. જાણે હમણાં જ રાજા ઉપર હુમલો કરી મારી નાખશે. પણ રાજા બૈર્ય રાખી સત્યના આશરે ઊભા રહ્યા. ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ ને જયજયકાર થયો. મારવા આવેલો નાયક યક્ષરૂપે પ્રત્યક્ષ થઈ બોલ્યો, “સત્યવાદી રાજાનો જય થાઓ! ચાલો, આજે આપણે ચૈત્રી યાત્રા કરવા જઈએ. આ મારું વિમાન શોભાવો.” આમ કહી યક્ષે યાત્રા-સ્નાનાદિ – પૂજા-દર્શનાદિ કરાવ્યાં. તેની સહાયથી રાજાએ રાજ્યાદિ પાછાં મેળવ્યાં. પાછળથી દીક્ષા લીધી ને અંતે સ્વર્ગ ગયા.
આ પ્રમાણે ઐહિક આકાંક્ષાઓ જતી કરીને પણ હંસરાજાની જેમ સત્યના આગ્રહી અને સત્યનાં સર્વ પાસાંના જાણકાર થવું જોઈએ, જેથી કલ્યાણ-લક્ષ્મીની પ્રાપ્તિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org