________________
શિવકુમાર
યશોભદ્ર નામના શ્રેષ્ઠીને શિવ નામનો પુત્ર હતો. બાલ્યવયથી જ તે જુગાર વગેરે વ્યસનમાં આસક્ત બન્યો હતો. તેના પિતાએ તેને ઘણી વાર સમજાવ્યો છતાં તેની કંઈ પણ અસર તેના ઉપર થઈ નહીં. તેના પિતાએ તેને ધર્મ માર્ગે વાળવા પણ પ્રયત્ન કર્યો; છતાં તેમાં પણ તેને સફળતા મળી નહીં. છેવટે તેના પિતાએ તેને એકાંતમાં બોલાવી કહ્યું : “પુત્ર, બીજું તો કંઈ નહીં પરંતુ જ્યારે તારા પર ભયંકર આફત આવી પડે ત્યારે તું
નવકાર મંત્રને યાદ કરજે. તારી સર્વ આફત તેના સ્મરણ માત્રથી નાશ પામી જશે.” પિતાના અતિશય આગ્રહથી તેણે નમસ્કાર મંત્ર શીખી લીધો.
જુગારી-લંપટ લોકોના સંસર્ગથી શિવકુમારની બધી સંપત્તિ નાશ પામી. દ્રવ્ય નાશ પામવાથી તેનાં માનપાન ઘટી ગયાં. મિત્રો પણ તેને છોડી ચાલ્યા ગયા. નિસ્તેજ બનેલા શિવકુમારને એકદા એક ત્રિદંડી યોગીનો મેળાપ થયો. તેણે તેની નિસ્તેજતાનું કારણ પૂછ્યું એટલે શિવકુમારે પોતાની નિર્ધનતાનું દુઃખ વ્યક્ત કર્યું. પરિવ્રાજક પોતાની મંત્રસિદ્ધિ માટે શિવ જેવા સુલક્ષણા કુમારનો ભોગ આપવા માગતો હતો. તેણે પોતાની જાળમાં ફસાવવા વિચાર્યું અને કહ્યું, “હે શિવ! જો તું મારું કહ્યું માને તો ઘરની દાસીની માફક લક્ષ્મી તને વશ થઈ જાય.” શિવે તે માની લીધું. એટલે પરિવ્રાજકે કહ્યું કે “સ્મશાનમાંથી કોઈ પણ અક્ષત શબ (આખું મડદું) લઈ આવ.
કાળી ચૌદશની ભયંકર રાત્રી આવતાં પરિવ્રાજકે શિવને તેવું શબ, કંકુ અને પુષ્પ આદિ સામગ્રી લઈ ભયાનક સ્મશાનભૂમિમાં આવવા જણાવ્યું. સ્મશાનભૂમિમાં ત્રિદંડીએ એક ભવ્ય માંડલું બનાવ્યું. હોમ કરવા માટે સુંદર વાટિકા બનાવી અને મડદાના હાથમાં તીક્ષ્ણ તલવાર આપી. પાસેના જ વૃક્ષ ઉપર શીકું બનાવી શિવકુમારને તેમાં બેસાડ્યો. જેથી તે પડે એટલે સીધો હોમમાં જ પડે. બાદ દુષ્ટ બુદ્ધિવાળો ત્રિદંડી નિશ્ચલ ચિત્તથી મંત્રસ્મરણ કરવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org