________________
જૈન શાસનના ચમકતા સિતારા • ૧૫૦
આરાધ્યો. દેવીએ પ્રસન્ન થઈ કહ્યું, “તમે કાવ્યકળામાં નિપુણ થશો અને કોઈ પણ રચનાનો આશય તરત સમજી શકશો.” બપ્પભટ્ટી મુનિ સંયમસાધનામાં તથા જ્ઞાનોપાસનામાં સાવધાન થયા.
એક વાર તેઓ એક નિર્જન ઉપાશ્રયમાં બેસી કોઈ એક કાવ્યની પ્રશસ્તિ રચવામાં પરોવાયા હતા, ત્યાં ગોપગિરિ (ગ્વાલિયર)ના રાજા યશોવર્માનો પુત્ર આમકુમાર ઘરેથી રિસાઈને ત્યાં આવ્યો. અતિ તેજસ્વી મુનિરાજને જોઈ તેમની પાસે આવી બેઠો અને તેમની બનાવેલ પ્રશસ્તિ વાંચવા લાગ્યો. યુવરાજ સંસ્કૃત ભાષાનો સારો જાણકાર અને સાહિત્યનો રસિયો હતો. તેણે આ વાંચી આનંદ દર્શાવ્યો. આમકુમારને આમ વાતવાતમાં બપ્પભટ્ટી મુનિ સાથે નિર્ભુજ પ્રીતિ બંધાઈ ગઈ. ત્યાંથી બન્ને મૂળ ઉપાશ્રયે ગુરુમહારાજ સિદ્ધસેનસૂરિ પાસે આવ્યા. ગુરુ મહારાજે રાજકુમારને નામ પૂછતાં તેણે ખડીથી લખી જણાવ્યું, પણ મોઢે કહ્યું નહીં. આથી આચાર્યદેવે તેની યોગ્યતાનો પરિચય કર્યો. શ્રી બપ્પભટ્ટી સાથે કુમાર પણ અભ્યાસ કરવા લાગ્યો.
એક વાર યુવરાજે મિત્ર મુનિને કહ્યું, “હું આગળ જતાં રાજા બનું તો અવશ્ય મારે ત્યાં દર્શન દેજો. હું અત્યારે તો તમારો શું આદર કરું?” કાળાંતરે યુવરાજ રાજા થયો. તેણે માનપૂર્વક બપ્પભટ્ટી મુનિને રાજધાનીમાં તેડાવ્યા.
મુનિ આવતાં સહર્ષ તેમનું સ્વાગત કર્યું અને સિંહાસન પર બેસવા વિનંતિ કરી. મુનિએ કહ્યું, “આ તો આચાર્યને યોગ્ય છે, મારાથી ત્યાં ન બેસાય.” આ સાંભળી રાજા આમને લાગ્યું કે મારે આમને આચાર્યપદવી અવશ્ય અપાવવી. આમ રાજાએ આથી શ્રી સિદ્ધસેનસૂરિજીને વિનંતિ કરી કે “અમારા યોગ્ય અને સમર્થ ગુરુને આચાર્ય પદથી સુશોભિત કરો.” અંતે સૂરિજીને યોગ્ય લાગવાથી શ્રી બપ્પભટ્ટીને સૂરિપદ આપવામાં આવ્યું.
સૂરિપદ અપાવ્યા પછી તેમને રાજમહેલમાં બોલાવી, સિંહાસન ઉપર બેસાડી પોતાનું રાજ્ય સ્વીકારવા આમ રાજાએ બપ્પભટ્ટસૂરિને વિનંતિ કરી. સૂરિજીએ જવાબમાં જણાવ્યું કે “અમારે કોઈ ચીજની કચાશ નથી. અમોને શરીર ઉપર પણ મમતા નથી, તો રાજ્ય જેવી ખોટી ખટપટ શું કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org