________________
આ છે અણગાર અમારા
૪૩૧
લાડલી સુપુત્રીનો વિયોગ સહન ન થતાં તેઓ બિદડા ઉપડ્યા તથા સુંદરબહેનને સમાધોધા તેડી આવ્યા. સુંદરબહેનનું મન તો ગુરૂણી પાસે જ હતું. દેવજીભાઈ ગામના બહેનોને વિનવવા લાગ્યા કે સુંદરને સમજાવો. દીક્ષા લેશે તો દુ:ખી થઈ જશે. એને જીવાડવા માટે તો મેં પરણાવી નથી.
સો વાતની એક વાત, લેવી મારે સંયમની વાટ
આવા દઢ વૈરાગીને કોણ ડગાવી શકે ? અરે ! વૈરાગ્યના બળ આગળ ઈન્દ્રનું બળ પણ પાંગળું છે. વૈરાગ્યનું બળ અજોડ હોય છે. ધીમે ધીમે સુંદરબાઈએ પિતાશ્રીને સમજાવ્યા અને ફરીથી ગુરૂણીશ્રી પાસે ભણવા ગયા.
તે વખતે પૂ. રતનબાઈ આર્યાજી તથા ભાણબાઈ આર્યજી આદિ ઠાણા રતાડિયા બિરાજતા હતા. સુંદરબહેન આનંદથી ત્યાં ભણવા લાગ્યા. ફરી પાછા દેવજીભાઈ તેને તેડવા માટે ગયા. પરંતુ તેમણે પિતાશ્રીને કહી દીધું કે તમે મને રજા નહિ આપો તો હું ખાવા-પીવાનું બંધ કરીશ. એમ કહીને સુંદરબહેન ઉપાશ્રયની મેડી ઉપર ચડી ગયા તથા દરવાજા બંધ કરીને બેસી ગયા. સ્થાનકની બાજુમાં રહેતા ભચીબહેન ગંગાજર તથા કુંવરબહેન વેલજી રાઘવજી ભેદા ઘરેથી છાનું માનું ખાવાનું લાવીને પોતાની પુત્રીની જેમ પ્રેમથી સમજાવીને ગુપ્ત રીતે ખવરાવી જતાં. આ વાતની દેવજીભાઈને ખબર નહિ તેથી એમને એમ કે સુંદરે તો કાંઈ ખાધું પીધું નથી . જો ભૂખી-તરસી મરી જશે તો... આવી બીકના માર્યા તેમણે રજા આપી.
..
સુંદરબહેન ગુરૂણીની છત્રછાયામાં જ્ઞાન-ધ્યાનમાં આગળ વધવા લાગ્યા. પોતે ખૂબ જ બુદ્ધિશાળી હોવાથી એક કલાકમાં ૨૫ ગાથા કંઠસ્થ કરી લેતા. તેમનો શાળાનો અભ્યાસ ઘણો ઓછો હોવા છતાં ગુરૂણી પાસે સંસ્કૃત અને અર્ધમાગધીભાષા ઝડપથી શીખી લીધેલ. સવારે સૂત્રનો અભ્યાસ કરતા, બપોરે થોકડા શીખે અને સાંજે સઝાયો શીખે; આમ ત્રણ ત્રણ વિષય એક સાથે ભણતા. તેમનામાં વિનય, વિવેક, ગુર્વાજ્ઞાપાલન આદિ ગુણોના કારણે સર્વે મહાસતીજીઓનો તેમના ઉપર ખૂબ જ વાત્સલ્યભાવ ઉભરાતો.
તે સમયમાં બાલ બ્રહ્મચારીનું ખૂબ જ મહત્વ હતું. કુંવારી કન્યા મહાસતીજી પાસે ભણવા આવી છે એ વાતનું ગૌરવ શ્રાવકો ખૂબ લેતા. એવી કન્યાઓને ખૂબ લાડ લડાવતા. માંડવીના પ્રખ્યાત શ્રાવિકા બહેનશ્રી ભચીબહેન કોટવાલવાળાએ સુંદરબહેનને દીકરી બનાવી હતી. તેઓ સગી મા કરતાં વિશેષ પ્રેમથી સંભાળ રાખતા હતા. સુંદરબહેન બે વર્ષ ભણ્યા પછી દીક્ષાની ચર્ચા થઈ ત્યારે ભચીબહેને કહ્યું -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org