________________
૩૭૮
મહાસતીજી શ્રી ડાહીબાઈ આર્યાજી બન્યા. ગુરૂણીશ્રીની સાથે રહી ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા તથા સંયમ જીવનની તાલીમ લીધી.
દિવ્ય યુગપ્રવર્તક પૂ. આચાર્ય શ્રી દેવજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા
વિ.સં. ૧૯૧૪ ની સાલે મુન્દ્રા બંદરે ધર્મપ્રેમી સુશ્રાવક ઢીલા વાલજીભાઈ ખેંગારભાઈએ બહુ ઉત્સાહથી દીક્ષા મહોત્સવ કર્યો. અજરામર ધર્મસંઘના મહાન પ્રભાવશાળી પૂ. આચાર્ય દેવશ્રી દેવજી સ્વામીએ તેમને દીક્ષા આપી. મહાસતીજી શ્રી ભાણબાઈ આર્યાજીને શિષ્યા તરીકે સોંપ્યા. ગુરૂણી સમીપે વિનય-વિવેક, વૈયાવચ્ચ આદિ સાત્વિક ગુણોની વૃદ્ધિ કરતા કરતા જ્ઞાનની અભિવૃદ્ધિ કરી.
સરળ સ્વભાવી પૂ. ડાહીબાઈ મહાસતીજીના સંયમ જીવનનો પ્રભાવ કેવો હતો તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. વરસાદ વરસી ગયા બાદ એક ગામથી બીજે ગામ જતાં વચ્ચે નદીનું પાણી વહી રહ્યું હતું. બધા મહાસતીજીઓ નદી ઉતરવાની વિચારણામાં હતા ત્યાં પૂ. મહાસતીજીએ જ્યાં પ્રવેશ કર્યો ત્યાં પાણી વચ્ચેથી માર્ગ મળી ગયો. તેઓશ્રીના કાળધર્મ વખતે અગ્નિ સંસ્કાર કરતાં ચિતા બળી ગયા પછી મુહપત્તિ પુંઠા સહિત... જાણે રાખનો ફોટો રહી ગયો.
પૂ. શ્રી ડાહીબાઈ મહાસતીજી એટલે પુણ્યનો પંજ. મીઠું જીવન, મધુરવાણી, જેથી સૌને વહાલા લાગે. તેઓશ્રીના ચરણ-શરણમાં તુંબડી ગામના ત્રણ ત્રણ સતીરત્નોએ જીવન નૈયા ઝુકાવી દીધી. એટલે જ તુંબડી નાની નહિ પણ તુંબડી એટલે મોટી કેમકે તે યુગમાં ત્રણ ત્રણ વૈરાગી આત્માઓને શાસનના શરણે સમર્પણ કર્યા છે. (૧) ગુણાઢ્ય શ્રી જીવીબાઈ મહાસતીજી (૨) સેવાભાવી શ્રી સંતોકબાઈ મહાસતીજી (૩) મહાસતીજી શ્રી ગંગાબાઈ આર્યાજી.
પ્રૌઢ પ્રતાપી જીવીબાઈ મહાસતીજીના સંસારી પિતા લખમશીભાઈ તથા માતા દેમઈબાઈ હતા. તેઓશ્રી બાલવિધવા બનતા સંસાર ઉપર વૈરાગ્ય આવી ગયો. પૂ. ડાહીબાઈ મહાસતીજી પાસે વિ.સં. ૧૯૪૪ ની સાલે દીક્ષા લીધી. બુદ્ધિનિધાન પૂ. જીવીબાઈ મહાસતીજી શાસ્ત્રજ્ઞાનમાં નિપુણ બન્યા. તેમના નામનો પણ સંઘાડો ચાલ્યો.
પૂ. શ્રી ડાહીબાઈ મહાસતીજી શરીરે અશક્ત થઈ જતાં માંડવી શહેરમાં સ્થિરવાસ રહ્યા. તેઓશ્રીની સેવામાં વિદુષી શ્રી જીવીબાઈ આર્યાજી, સેવાભાવી શ્રી વેલબાઈ આર્યાજી આદિ ઠાણાઓ હતા. વિ.સં. ૧૯૭૪ માં તપસ્વી ગુરૂદેવ શ્રી શામજી સ્વામી આદિ મુનિવરોનું ચાતુર્માસ પણ માંડવીમાં હતું. તે વખતે માંડવી સંઘની જાહોજલાલી જોરદાર હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org