________________
૨૦૭
આ છે અણગાર અમારા માની જશે તેવા વિચારથી પેથાભાઈએ ગણપતને પૂછયું, બોલ શું વિચાર છે? સાધુ થવાનું બંધ રાખ તો કૂવામાંથી કાઢીએ નહિતર પાણીમાં ડૂબાવી દઈશું.”
હાથી ઘણી ગર્જના કરે પણ સિંહ ભયભીત ન બને, પવન ઘણો જોરાવર હોય તો પણ પર્વતને ચલાયમાન ન કરી શકે તેમ પેથાભાઈએ ઘણી બીક દેખાડી છતાં સિંહ જેવા સાહસિક અને પર્વત જેવા સ્થિર ગણપતભાઈને તેની કશી અસર ન થઈ. તેમણે તો એક જ રટણ ચાલુ રાખ્યું, “જીવતો રહીશ તો સાધુ થઈશ” “માત્ર ચૌદ વર્ષની ઉંમરે આટલી દ્રઢતા એ પૂર્વભવના મહાન સંસ્કાર વિના ન રહી શકે.”
આ ઉપાયોમાં નિષ્ફળતા મળવાથી પેથાભાઈએ નરપાળને કહ્યું કે, આપણે આ રીતે તો ફાવ્યા નહિ પણ બીજી રીતે તેને દીક્ષા લેતો અટકાવીશું એમ વિચારી ગણપતભાઈને કૂવામાંથી બહાર કાઢ્યા અને ઘર તરફ ચાલ્યા. રસ્તામાં “ભૂખી” નદી આવતી હતી. વૈશાખ માસ હતો. મધ્યાહ્નનો સમય હતો. રેતીના કણિયા અંગારા જેવા તપી ગયા હતા. ઉઘાડાપગે ચાલી શકાય તેમ ન હતું. તેવી અંગારા જેવી ગરમ રેતીમાં ગણપતભાઈને ખુલ્લા શરીરે સુવાડ્યા. છતાં રાજહંસ ભૂખ્યો રહે પણ સાચાં મોતી સિવાયનો ચારો ન ચરે તેમ ગણપતભાઈએ પોતાની ટેક ન છોડી. તેમનો એક જવાબ હતો, “જીવતો રહીશ તો સાધુ થઈશ.”
બીજા ઉપાયમાં પણ નિષ્ફળતા મળવાથી તેઓએ ગણપતભાઈને ઘરે લાવી એક ઓરડામાં પૂરી દીધા. ખાવા-પીવાનું નામ નિશાન નહિ. એક દિવસ ગયો. બીજા દિવસ વિત્યો, ત્રીજો દિવસ પણ પસાર થઈ ગયો, છતાં નહિ અરેકારો, નહિ દુ:ખની ચીસ કે નહિ કોઈ જાતનો વલોપાત. ચોથે દિવસે બારણું ખોલીને પૂછયું, “શો વિચાર છે?” ત્યારે એ જ જવાબ મળ્યો, “જીવતો રહીશ તો સાધુ થઈશ.” મહાયોગી ભર્તુહરિએ નીતિશતકમાં કહ્યું છે,
घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम् । छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुखण्डम् ।।
तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णं । प्राणान्तेपि प्रकृतिर्विकृतिः जायते नोत्तमानाम् ॥ ભાવાર્થ ચંદનને ફરી ફરીને ઘસવાથી વધારે સુગંધ આપે છે. શેરડીને વધારે છેદવાથી ખૂબ જ મીઠાશ આપે છે. સોનાને વારંવાર તપાવવાથી વધારે ઉજ્જવળ બને છે તેમ મહાપુરુષોને પ્રાણાન્ત કષ્ટ આવે છતાં તેમની પ્રકૃતિમાં ક્યારેય વિકૃતિ આવતી નથી અર્થાત્ પોતાના ધર્મથી ક્યારેય ચુત થતા નથી.
આ શ્લોકના ભાવાર્થને ગણપતભાઈએ અક્ષરશઃ ચરિતાર્થ કરી બતાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org