________________
ત્યારે મૌન થઈ જવું
પ્રવૃત્તિ અને નિવૃત્તિનું એક દ્વંદ્ર છે. માત્ર પ્રવૃત્તિ કરવી એ ખતરનાક છે. માત્ર નિવૃત્તિ શક્ય નથી. તેથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનો યથાવકાશ અને યથાસમય ઉપયોગ કરવો એ આપણી વિવેકચેતનાનો મહત્ત્વપૂર્ણ પ્રયોગ છે. ક્યારે ચાલવું અને ક્યારે આરામ કરવો, ક્યારે સૂવું અને ક્યારે જાગવું, ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું આ તમામનો વિવેક હોવો જોઈએ. સતત બોલવું સારું નથી, અને સતત મૌન રહેવું શક્ય નથી. ઉચિત સમયે બોલવું અને યોગ્ય સમયે મૌન થઈ જવું એ જ ઉત્તમ ગણાય છે. વિવેકની કસોટી
મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે ઃ મૌન ક્યાં રહેવું ? જ્યાં કોઈ સાંભળનાર ના હોય ત્યાં મૌન ખૂબ મીઠું લાગે છે. મૌન ખૂબ આવશ્યક પણ છે. જો માણસ યોગ્ય સમયે મૌન ધારણ કરવાનું ન જાણે તો વિગ્રહના પ્રસંગો ઊભા થઈ જાય. મૌન ક્યાં ધારણ કરવું એ પ્રશ્નમાં માનવીના વિવેકની કસોટી છે. ભગવાન મહાવીરે કહ્યું કે, મુનિ લોકોને સમજાવે, વાતચીત કરે, ઉપદેશ આપે અને તેને એવો અનુભવ થાય કે અત્યારે સમજાવવાનો યોગ્ય સમય નથી, જેને મારે સમજાવવો છે તે અત્યારે સમજે તેમ નથી અથવા તો અત્યારે મારી સમજાવવાની શક્તિ નથી ત્યારે તેણે મૌન બની જવું જોઈએ. મુનિએ પોતાની શક્તિ અને સામેની વ્યક્તિની શક્તિનું સંકલન કરીને વાણીના પ્રયોગ અથવા અપ્રયોગનો વિવેક કરવો જોઈએ. કોઈ મુનિ સમક્ષ એવો શ્રોતાસમૂહ હોય કે જે આગ્રહોથી છલોછલ હોય, આવેશથી ભરેલો હોય અને એવા સંજોગોમાં ઉપદેશ આપવામાં આવે તો કદાચ તે સાપને દૂધ પીવડાવવા જેવું જ બને ! તે વખતે સૌથી સારો ઉપાય છે મૌન. જો એવી સ્થિતિમાં માણસ સાંભળતો જ રહે, માત્ર સાંભળતો જ રહે તો વિષ આપમેળે જ ધોવાઈ જશે, સમગ્ર પરિસ્થિતિ સમ્યક્ બની જશે.
અસ્તિત્વ અને અહિંસા ૨૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org