________________
૨૮મા સર્ગ અંગે વિવેચન
૧૭૫
૨. આ સર્ગમાં નિર્દિષ્ટ પ્રાચીન જ્યોતિષ બીજી રીતે માન્ય તથા સપ્રમાણ સિદ્ધ થાય છે. ઈ.સ. પૂર્વે ચોથી સદીનો “કૌટિલીય અર્થશાસ્ત્ર' નામનો ગ્રન્થ પ્રસિદ્ધ થયો છે, તેમાં “કાલમાન” પ્રકરણ છે અને કાલપરત્વે વ્યવહાર પૂરતા વિવિધ ઉલ્લેખો છે. તે ગ્રન્થ પર વૈદિક છાયા છે. તેની રચના જૈન જ્યોતિષની રચના સાથે મળતી આવે છે, એટલું જ નહીં પણ તેના અશુદ્ધ લાગે તેવા પાઠની શુદ્ધિ જૈન જ્યોતિષદ્વારા થાય છે. અર્થશાસ્ત્રમાં વ્યવહાર પૂરતો જ્યોતિષનો નિર્દેશ છે અને તેથી તે નિર્દેશ સ્થળ છે. એટલે તેમાંના (વૈદિક) જ્યોતિષની પરિપૂર્તિ કાલલોકપ્રકાશ જેવા ગ્રન્થમાં સંગૃહીત કરેલા પ્રાચીન (જૈન) જ્યોતિષથી થાય છે. અને જૈન જ્યોતિષમાં જે ઉલ્લેખ અધૂરો છે, તેની પૂર્તિ અર્થશાસ્ત્રથી થાય છે. (જુઓ પેરા ૪) અર્થશાસ્ત્રમાંથી પ્રસ્તુત પ્રકરણને ઉપયોગી ઉતારા કરી આ સાથે છાપ્યા છે, એટલે અઠયાવીશમા સર્ગના અભ્યાસી વર્ગ, ઉપરોક્ત હકીકતો સમજી શકશે. બન્નેની યોજનાને મળતી હકીકત મહાકવિ કાલિદાસના મેઘદૂતના શ્લોકોમાં પણ છે એટલે તેનો નિર્દેશ પણ અર્થશાસ્ત્રની સાથે સાથે કર્યો છે, કાલલોકપ્રકાશ શ્લોક ૪૨-૪૩. પર જાણવામાં આવશે કે જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં શ્રી ગૌતમસ્વામીના ઉત્તરમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી વર્ષનો (તથા યુગનો) આરંભ શ્રાવણ વદિ ૧ થી કહે છે અને તે વખતે વર્ષાઋતુ (પ્રાવૃષ) છે. અર્થશાસ્ત્ર “આષાઢીપર્યવસાન વર્ષ” અર્થાત્ અષાઢ માસની શુદિ ૧૫ ને દિને પૂરું થતું વર્ષ કહે છે અને શ્રાવણથી દક્ષિણાયનનો આરંભ ગણે છે. મેઘદૂત અષાઢના છેલ્લા દિને વર્ષાઋતુનો આરંભ મૂકે છે અને તેની નજીક શ્રાવણ મહિનો કહે છે અને ત્યારથી પ્રબોધિની (કા.શુ.૧૧) સુધીમાં ચાર માસ જણાવે છે. આ બધામાંથી એ પ્રતિપાદન થાય છે, કે માસ પૂર્ણિમાન્ત હતા, વદિ એકમથી શરૂ થતા અને શ્રાવણ વદિ ૧ થી દક્ષિણાયન અને વર્ષાઋતુ ગણાતી અને પાંચ વર્ષના યુગનો આરંભ આવા વર્ષથી થતો. ઉપરોક્ત સિદ્ધ થતા જ્યોતિષના હાલના પ્રચલિત વેદાંગ જ્યોતિષના શ્લોકો સાથે કોઈ રીતે મેળ નહિ ખાય. પ્રચલિત વેદાંગ જ્યોતિષ માઘશુકલ પ્રતિપદાથી આરંભ કરે છે એટલે તેમાં મૂળ જ્યોતિષનો કેટલો વિપર્યાસ સમજવો, તે નક્કી કરવાનું કાર્ય વિદ્વાન વર્ગને શિરે રહે છે, પરંતુ જે પ્રમાણભૂત પ્રાચીન જ્યોતિષ, અર્થશાસ્ત્ર, જૈન જ્યોતિષ તથા મેઘદૂતથી સ્થાપિત થાય છે તેનો વૈદિક સાહિત્ય તથા જનસમાજના ઉત્સવો સમજવા માટે અત્યંત ઉપયોગ છે, તેમ સ્વીકારવું પડશે અને તેમ કર્યાથી વૈદિક સાહિત્યનું યોગ્ય સંશોધન શકય થશે.
૩. સાથે આપેલા પત્રકમાંથી વર્ષરચના-નક્ષત્રરચના તથા સૂર્યચંદ્રગતિ, માસ ઈ.સ્પષ્ટ થશે. તેનો અહીં ઉલ્લેખ નહીં કરીએ, પરંતુ તેનું સ્વરૂપ સ્પષ્ટ કરવાની જરૂર રહે છે.
પહેલી નોંધ એ છે કે પ્રાચીન જ્યોતિષમાં અયનો અને સંપાતના બિન્દુ, નક્ષત્રો (તારાઓ) પરત્વે સ્થાયી છે–તેમાં કશો ફેરફાર નથી સમજવાનો. (જુઓ. સર્ગ-૨૮ શ્લોક ૧૭૩, ૫૮૪, ૬૦૦, ૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org