________________
736
આમાં બહુ મજા નથી. આ વિચાર તું છોડી દે. મારું કહ્યું માની જા. દર્શનનો આગ્રહ રહેવા દે.’ નગીનદાસ આશ્ચર્યમાં પડી ગયા. એણે કહ્યું, ' કમાલ છે, સાહેબજી ! આપશ્રીએ કહ્યું તેમ મેં અક્રમ કર્યો. તમે બતાવ્યાં તે બધાં વિધિવિધાનો પણ કર્યાં. અને હવે તમે કહો છો કે પાછા ફરી જાવ. ના, એ નહિ બની શકે. આપ મને દર્શન કરાવો ને કરાવો જ.'
તપાગચ્છાધિષ્ઠાયક
નગીનદાસ શ્રી મયાવિજયજીની પરીક્ષામાંથી પસાર થઈ ગયા. પૂ. મયાવિજયજીને મનમાં આનંદ થયો. એમણે કહ્યું : ' જો નગીન ! હવે હું મંત્રધ્યાન શરૂ કરું છું. થોડી જ વારમાં યક્ષાધિરાજ માણિભદ્રજી બાળસ્વરૂપે પ્રગટ થશે. જ્યાં સુધી તમે એમના અનિમેષ નયને દર્શન કરશો ત્યાં સુધી તેઓ તમારી સામે રહેશે. જેવી તમારી આંખ મિચાઈ જશે તેવા જ તે અદશ્ય થઈ જશે.
આટલી સૂચના કરીને મહારાજશ્રી પદ્માસનમુદ્રામાં બેઠા. બે નયનોને ભવાંના મધ્યભાગમાં સ્થિર કર્યાં. હાથમાં રક્ત પરવાળાની માળા ગ્રહણ કરી. પૂરક કર્યો. કુંભક કર્યો. મંત્રજાપનો પ્રારંભ થયો.
નગીનદાસ અપલક નયને, અધીર નયને મહારાજની સામે જોઈ રહ્યા. જપમાલા સતત ચાલુ હતી. એક પૂરી થઈ. બીજી અને ત્રીજી પણ પૂરી થઈ. ચોથી માળાનો પ્રારંભ થયો. અને... ખંડના મધ્યભાગમાં એક સુવર્ણરંગી તેજવર્તુળ પ્રગટ થયું. ચોમેર એની સોનેરી આભા ફેલાઈ રહી હતી. એ તેજવર્તુળ સુદર્શનચક્રની જેમ ચક્કર ફરતું હતું. ધીમે ધીમે નાનું થતું ગયું. મયાવિજયજીની માળા ચાલુ હતી. ચોથી માળાના થોડા મણકા બાકી હતા. અેજવર્તુળ એકદમ નાનું થઈ ગયું. એમાંથી એક નાનકડા બાળકનો સ્પષ્ટ આકાર પ્રગટ થયો. માંડ દોઢ-બે વર્ષની એમની ઉંમર હશે.
સૂર્ય જેવું તેજસ્વી એમનું વદન હતું.
એમના સોનલવર્ણા દેહમાંથી ફૂટતાં તેકિરણો વડે અંધારિયા ખંડના ખૂણાઓ પણ પ્રકાશથી ઝળહળી રહ્યા. એમના મસ્તક ઉપર સોનેરી વાળ હતા.
કમળની પાંખડી જેવી મનોહર એમની આંખડી હતી. પૂર્ણિમાના ચંદ્ર જેવું એમનું મુખ મીઠું મીઠું હસી રહ્યું હતું.
એમના પગમાં બાંધેલા ઘૂઘરામાંથી મધુર સંગીત રેલાતું હતું.
સહુને ગમી જાય, ઉપાડીને એમને ચૂમવાનું મન થઈ જાય એવું અદ્ભુત એમનું બાલસ્વરૂપ હતું.
ખંડના મધ્યભાગમાં તેજવર્તુળ ઘૂમી રહ્યું હતું, તેજનાં કુંડાળાં વેરી રહ્યું હતું. નગીનદાસ અત્યંત પ્રસન્ન નેત્રે એના રૂપમાધુર્યનું પાન કરતો હતો. એમ ને એમ... એક... બે... ચાર... આઠ ... દશ ક્ષણ વીતી ગઈ.
એ બાળક વધુ ને વધુ દેદીપ્યમાન બનતું ગયું. નગીનદાસથી આ તેજ ઝીલવું હવે અસહ્ય બની ગયું અને..... નગનદાસની આંખો એકદમ મીંચાઈ ગઈ. બેભાન બનીને ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org