________________
૭૫૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
રસ લેતા. ‘બ્રહ્મચર્ય’ અને ‘અપરિગ્રહ’ વિશેના તેમના લેખો સાચી અનુભૂતિમાંથી જન્મ્યા હતા. તેઓ કથાઓ લખતા, પરંતુ કથાના રહસ્યને પોતાના જીવનમાં પ્રથમ ઉતારતા. તેઓ ઊંડી આધ્યાત્મિક ખોજમાં લીન રહેતા. તેઓ જીવન અને મૃત્યુની બાબતમાં સ્વસ્થ અને સમદર્શી રહેવાનો પ્રયાસ કરતા. મૃત્યુ એ એક સ્વાભાવિક ઘટના તેમને માટે હતી અને એથી જ તેઓ તેને માટે સજ્જ રહેતા. તેમના જીવનમાં વિવિધ આધ્યાત્મિક પાસાંઓનો તેમના અંગત સંપર્કમાં આવનારને પરિચય થતો. વ્યવહારમાં તેઓ સૌજન્યની મૂર્તિ હતા, અને તેમના સંપર્કમાં થોડા સમય માટે પણ જેઓ આવ્યા હશે તેમને એમના સૌજન્યની સુવાસનો પરિચય થયા વગર રહ્યો નહિ હોય. આવા એક ઊર્ધ્વગામી આત્માએ જીવન પૂર્ણ કરી, દેહ છોડી ઊર્ધ્વગમન કર્યું.
રંભાબહેન ગાંધી
આપણી ગુજરાતી લેખિકાઓમાં શ્રીમતી રંભાબહેન ગાંધીનું વ્યક્તિત્વ અનોખું હતું. લેખન અને વક્તવ્યમાં તેઓ અત્યંત વિલક્ષણ હતાં. ૭૪ વર્ષની વયે કેન્સરની બીમારીથી એમનું અવસાન થયું હતું. એમની ઇચ્છાનુસાર અવસાન પછી એમના દેહનું હોસ્પિટલને દાન કરવામાં આવ્યું હતું. એમની સ્મશાનયાત્રા કાઢવામાં આવી નહોતી; તેમજ સાદડી કે ઊઠમણાની પ્રથા રાખવામાં આવી નહોતી.
રંભાબહેનમાં જેવી લેખનશક્તિ હતી એવી જ વાક્પટુતા હતી. રંભાબહેન બોલે એટલે નીડરતાથી બોલે, કોઈની શેહમાં તણાય નહિ. જે સાચું લાગે તે જરા પણ સંકોચ રાખ્યા વગર, સ્પષ્ટ શબ્દોમાં કહી દે. ચર્ચાસભાનો વિષય ગંભીર હોય કે હળવો, બંનેમાં રંભાબહેન ખીલતાં. એમના બુલંદ અવાજમાં નર્મમર્મનો જુદો રણકો સંભળાતો.
રંભાબહેનનો જન્મ સૌરાષ્ટ્રના એક ગામડામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ એમણે ત્યાં જ લીધું હતું. એમનાં લગ્ન નાની ઉંમરે થયાં હતાં, પરંતુ એમના પતિ શ્રી મનમોહનભાઈ ગાંધી અત્યંત તેજસ્વી યુવાન હોવાથી રંભાબહેનના વિકાસમાં એમણે ઘણો બધો ફાળો આપ્યો હતો. રંભાબહેને રેડિયો-નાટિકાના ક્ષેત્રે લેખન અને અભિનય બંનેની દૃષ્ટિએ સંગીન કાર્ય કર્યું હતું.
રંભાબહેન ઘણાં પ્રેમાળ હતાં. એમના સ્નેહની હૂંફનો સરસ અનુભવ તો જે એમના નિકટના સપર્કમાં આવ્યાં હોય તેમને થયા વગર રહે નહિ. રંભાબહેન અને મનમોહનભાઈ સાધનસંપન્ન હોવા છતાં તેમના નોકરચાકર પ્રત્યેના વર્તમાનમાં પણ સદ્ભાવ દેખાતો. તેમના ઘરે જે નોકરો ઘરકામ કરે તે પણ જાણે કે કુટુંબના સભ્યો હોય તેવું લાગે.
રંભાબહેન અને મનમોહનભાઈનું દામ્પત્યજીવન અત્યંત ઉષ્માભર્યું હતું. સંતાન નહિ છતાં ક્યારેય તેમને સંતાનની ખોટ જણાઈ નહોતી. ગ્રન્થોરૂપી માનસસંતાનથી રંભાબહેનને ઘણો સંતોષ હતો. નાટિકાઓ, વાર્તાઓ, લેખો, ટુચકાઓને લગતાં સંખ્યાબંધ પુસ્તકો રંભાબહેનનાં પ્રગટ થયાં છે. જીવનના છેલ્લા એક વર્ષમાં દસ જેટલાં એમનાં પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. મનમોહનભાઈએ ચીવટપૂર્વક એ કાર્ય સંભાબહેનની હાજરીમાં જ પાર પાડી આપ્યું હતું. રંભાબહેનની સાહિત્યિક પ્રતિભાના પોષણમાં મનમોહનભાઈનો ફાળો ઘણો મોટો હતો. જુદાં જુદાં પુસ્તકાલયોમાંથી નવાં નવાં અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org