SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૪૭ જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, ભારત જૈન મહામંડળ, ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવની સમિતિ વગેરે પચીસથી વધુ સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી કે ટ્રસ્ટીનો હોદ્દો ધરાવતા હતા. ચીમનભાઈ ચિંતનશીલ લેખક હતા તેમ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. લેખનમાં તેમ વક્તૃત્વમાં ગુજરાતી તેમજ અંગ્રેજી એ બંને ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિ વર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેઓ કોઈ એક વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપતા. એમના વક્તવ્યમાં હમેશાં ગહનતા, મૌલિકતા, નવો અભિગમ અને તાજગી રહેતાં. તેમની વાણી સ્પષ્ટ ને સચોટ હતી. શ્રોતાઓ પર તેનો ઊંડો પ્રભાવ પડતો. તેઓ સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય આગેવાન હતા, પરંતુ સંકુચિત સંપ્રદાયપરસ્તી એમનામાંથી નીકળી ગઈ હતી. એથી જ એમણે લંડનના જૈનોને મંદિર બાંધવા માટે ખાસ ભલામણ કરી હતી અને અમારી સાથે શત્રુંજ્યની યાત્રાએ આવવાની ઇચ્છા દર્શાવી હતી ચીમનભાઈનો અંતકાળ એક બહુશ્રુત તત્ત્વચિન્તકને શોભે તેવો હતો. પોતે હોસ્પિટલમાં દાખલ થયા, ઓપરેશન કરાવ્યું. ઘરે પાછા આવ્યા અને દેહ છોડ્યો ત્યાં સુધીના લગભગ પચાસ દિવસના ગાળાના એમના જીવનને વારંવાર નજીકથી નિહાળવાનું મારે બન્યું હતું અને તેનો પ્રભાવ ચિત્તમાં સુદૃઢપણે અંકિત થયો હતો. ચીમનભાઈ સાચા અર્થમાં તત્ત્વચિંતક હતા તેની પ્રતીતિ એમના આ અંતકાળમાં વિશેષપણે થઈ હતી. આ દિવસો દરમિયાન એમનું ધર્મચિંતન સવિશેષપણે ચાલ્યું. આ વિશ્વના તમામ ગૂઢ રહસ્યોનો તાગ મેળવવાનું ગજુ મનુષ્યની બુદ્ધિમાં નથી, અને એથી પરમ તત્ત્વ પ્રત્યેની શરણાગતિનો ભાવ જ મહત્વનો છે, એ વાત ઉપર તેઓ ભાર મૂકવા લાગ્યા; અને ‘હે અરિહંત ભગવાન! હું તમારે શરણે છું’ એવું રટણ પણ તેઓ વારંવાર કરવા લાગ્યા. છેલ્લા દિવસોમાં રોજ મુજબ પૂ. મહાસતી ધર્મશીલાશ્રીજી આવ્યા. તેઓ પરિસ્થિતિ ગંભીર જોઈ બોલ્યા : ‘ચીમનભાઈ! તમને બધાં પચ્ચક્રૃખાણ સાથે સંથારો લેવડાવું?' ચીમનભાઈ સંમતિ દર્શાવતાં પથારીમાંથી બેઠા થયા અને બે હાથ ઊંચા કરી જોડ્યા. તેમનામાં હાથ-પગ ઊંચાનીચા કરવાની શક્તિ જ રહી ન હતી, ને અચાનક આટલી બધી શક્તિ ક્યાંથી આવી ગઈ? મહાસતીજીએ સંથારો ઉચ્ચાર્યો. ત્યાર પછી થોડી વારે ચીમનભાઈએ પોતાનો દેહ છોડ્યો. મૃત્યુના સંદર્ભમાં પ્રજ્ઞાશીલ મનુષ્યની જીવનદૃષ્ટિ ઉત્તરોત્તર કેવી પરિમાર્જિત થતી જાય છે તેનું નિદર્શન ચીમનભાઈનો અંતકાળ બની રહે છે. ચીમનભાઈ દૃષ્ટિસંપન્ન મહાપુરુષ હતા. એમની વિચારણા હંમેશાં વિશદ અને તર્કપૂર્ણ રહેતી. તેઓ સંયમી અને મિતભાષી હતા. વિવિધ પ્રવૃત્તિઓ અંગે ઘણી વ્યક્તિઓને ઘણી બાબતોમાં સૂચના કે માર્ગદર્શન તેઓ આપતા. તેઓ ત્વરિત નિર્ણય લેતા, અને વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને એટલી ઝડપથી સમજી લેતા કે સામાન્ય રીતે એમનો નિર્ણય ક્યારેય ખોટો ઠરતો નહિ. એમનો પ્રભાવ એવો મોટો હતો કે એમના કહેવા માત્રથી કેટલાય લોકો વિવિધ પ્રવૃત્તિઓ માટે પુષ્કળ દાન આપતા. લોકોનો એમના ઉપર અપાર વિશ્વાસ અને પ્રેમ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy