________________
અભિવાદન ગ્રંથ ]
[ ૭૪૩
ટળવળતા દુકાળિયાઓની એમના આંગણે લાઈન લાગતી અને તેઓ સૌને ખાવાનું આપતા. બાળક લાડકચંદમાં ધર્મના સંસ્કાર પડેલા. એમનો કંઠ પણ બુલંદ હતો. વિદ્યાર્થી તરીકે એમની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. તેમણે પાઠશાળામાં જૈન ધાર્મિક શિક્ષણનો પણ સંગીન અભ્યાસ કર્યો હતો અને તેની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી રાજકોટમાં બહુમાન પણ મેળવ્યું હતું. આગળ વધતાં સાયલા રાજ્યના ન્યાયાધીશની પદવી સુધી પહોંચ્યા. બાપુજીનું જીવન નિર્વ્યસની, સદાચારી અને ધર્મપરાયણ હતું. આગમોદ્ધારક પૂ. આ.શ્રી સાગરાનંદસૂરિ (સાગરજી મહારાજ)ના એક મુખ્ય શિષ્ય શ્રી માણેકસાગરસૂરિ જેવા આચાર્ય ભગવંતે સાયલા જેવા નાના ગામની ચાતુર્માસ માટે પસંદગી કરી હતી, તેનું મુખ્ય કારણ તે સાયલાના અધ્યાત્મરુચિ ધરાવતા યુવાનો હતા, અને એ યુવાનોના અગ્રેસર તે બાપુજી હતા. બાપુજીને આનંદઘનજીની ચોવીસી કંઠસ્થ હતી અને મધુર બુલંદ કંઠે તેઓ ગાતા સાધનામાં સતત પુરુષાર્થ કરી બાપુજીએ આત્મસાક્ષાત્કાર કર્યો હતો.
બાપુજીનું મનોબળ ઘણું મોટું હતું. પોતાની શારીરિક અસ્વસ્થતા હોય તો પણ અગાઉ જો નિર્ણય કર્યો હોય તો તેનો અમલ કરવા-કરાવવા માટે તેઓ સ્વસ્થ થઈ જતા. તેમનો પુણ્યોદય એટલો પ્રબળ હતો કે પોતાની ઇચ્છાનુસાર બધી પ્રવૃત્તિઓ ગોઠવાઈ જતી.
નિરામયતા, ચિત્તની સ્વસ્થતા તથા યોગાદિ સાધના માટે કાયાની નિયમિતતા પર તેઓ બહુ ભાર મૂકતા. પોતાના આહાર, નિહાર, વિહાર, સ્વાધ્યાયના રોજિંદા કાર્યક્રમ માટે યથાશક્ય સમયની નિયમિતતા તેઓ જાળવતા કે જેથી કાયાની નિયમિતતા જળવાય.
ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણકાળની માળા રાતના બાર પછી અને ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના સમયની માળા સવારે પાંચ-છ વાગે કરતા. બાપુજી આ ઉંમરે પણ રાતનો ઉજાગરો વેઠતા અને બધા કાર્યક્રમોમાં ઉલ્લાસપૂર્વક ભાગ લેતા.
ભગતના ગામ તરીકે ઓળખાતા એવા સાયલાના અપકીર્તિત નામને લૌકિક દૃષ્ટિએ પુનર્પ્રતિષ્ઠા અપાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી જાણીતું કરવામાં અને કેટલાયે રૂડા જીવોને મોક્ષમાર્ગની સાધના તરફ વાળવામાં, જીવનની ઉત્તરાવસ્થામાં ભારે પુરુષાર્થ કરીને બાપુજીએ પોતાના દીર્ઘાયુષ્યને સાર્થક કર્યું છે અને શોભાવ્યું છે.
પૂજ્ય બાપુજીનો દેહવિલય થયો, પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે તેઓ અનેકના હૃદયમાં બિરાજમાન છે. એમના પુણ્યાત્માને નતમસ્તકે વંદન કરીએ છીએ!
સ્વ. વસનજી લખમશી શાહ
જૈન સમાજના એક આગેવાન તથા સંનિષ્ઠ કાર્યકર શ્રી વસનજી લખમશી શાહનું ૬૯ વર્ષની વયે તા. ૧૨મી ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ મુંબઈમાં અવસાન થયું.
વસનજીભાઈએ માતાપિતા અને ભાઈઓની સંમતિથી પારિવારિક વ્યવસાય છોડી જાહેર જીવનમાં, સેવાકાર્યના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ત્યારપછી અમારો પરિચય થયો હતો. તેઓ પરિપૂર્ણ વ્યાખ્યાનમાળામાં આવતા. અનેક જાહેર કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત હોય. એ રીતે એમને વારંવાર મળવાનું થતું. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org