________________
[ ૭૪o
[ જૈન પ્રતિભાદર્શન
ચોટીલાથી આવેલા ઊજમશી માસ્તર સંગીતના સારા જાણકાર હતા. બુલંદ સ્વરે હાર્મોનિયમ સાથે સ્તવનો ગાતા અને શીખવતા. પિતાશ્રીને એ રીતે પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેની ગાથાઓ તથા દોઢસો જેટલાં સ્તવનો કંઠસ્થ થયાં તે આ ઊજમશી માસ્તરના પ્રતાપે. એ ઊજમશીભાઈએ પછી પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને મુનિ ઉદયવિજયજી અને પછી ઉદયસૂરિ થયા હતા. (શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિના શિષ્ય ઉદયસૂરિ તે જુદા.) એક ઐતિહાસિક સ્થળ તરીકે તથા એક સંસ્કારકેન્દ્ર તરીકે પાદરાનું નામ ત્યારે ઘણું મોટું હતું. - વડોદરાથી બારેક કિલોમીટર દૂર આવેલું પાદરા ગામ ઐતિહાસિક છે. અંગ્રેજો સામે ૧૮૫૭ના બળવામાં ભાગ લેનાર ક્રાંતિવીરોમાંના એક તાત્યા ટોપેની એ જન્મભૂમિ છે. એક બાજુ વિશ્વામિત્રી નદી અને બીજી બાજુ મહીસાગર નદીની પાસે પાદરા આવેલું છે. '
ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ત્યારે પાદરા મોખરે હતું. પાદરામાં શાંતિનાથ અને સંભવનાથનાં જિનમંદિરો છે. જૈન સાધુઓનું વિહાર અને ચાતુર્માસનું મોટું ક્ષેત્ર ત્યારે પાદરા ગણાતું. ત્યારે પાંચ દાયકામાં પચાસથી વધુ વ્યક્તિઓએ પાદરામાંથી દીક્ષા લીધી હતી.
ગાયકવાડી ગામ વિજાપુરના વતની પટેલ બહેચરભાઈ પછીથી રવિસાગર મહારાજના શિષ્ય સુખસાગર મહારાજ પાસે દીક્ષા લઈ બુદ્ધિસાગરસૂરિ થયા હતા. ગુજરાત તથા ગુજરાત બહાર યોગનિષ્ઠ આચાર્ય તરીકે એમનું નામ પંકાયેલું. બુદ્ધિસાગરસૂરિના વિહાર અને ચાતુર્માસના પ્રિય ગામોમાં પાદરાનું નામ પણ આવે. સમગ્ર પાદરા બુદ્ધિસાગરસૂરિનું અનુરાગી હતું. પાદરાના વકીલ મોહનલાલ હીમચંદ શાહ બુદ્ધિસાગરસૂરિના પરમ ભક્ત હતા. એમના તમામ ગ્રંથોનું સંકલન, સંપાદન, પ્રકાશન, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના ઉપક્રમે વકીલ મોહનલાલ હીમચંદ કરતા.
એ જમાનામાં રૂ અને અનાજના વેપારમાં પાદરાને ભારતના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવનાર અમૃતલાલ વનમાળીદાસ, એટલે કે મારા પિતાશ્રીના પિતા હતા. અમૃતલાલ બાપાએ પોતાના પિતાના ખાદી વણાટના વેપારને વિકસાવ્યો. પાદરામાં કાપડની દુકાન ચાલતી હતી. પરંતુ તે ઉપરાંત રૂના વેપારમાં એમણે ઝંપલાવ્યું. એમનો એ વ્યવસાય વિકસતો ગયો અને આખા પાદરા તાલુકામાં પ્રથમ નંબરના શ્રીમંત તેઓ બની ગયા. અમૃતલાલ બાપાને ત્યાં લોકો પરાણે વ્યાજે રકમ મૂકી જતાં. બધાને નિયમિત વ્યાજ ચૂકવાતું. તેઓ ગરીબોને અને સાધારણ સ્થિતિના માણસોને ઘણી આર્થિક સહાય ગુપ્ત રીતે કરતા રહેતા હતા. કોઈ માણસ મુશ્કેલીમાં હોય અને એમની પાસે આવ્યો હોય તો તે ખાલી હાથે પાછો ફરે જ નહિ. કચવાતે મને નહિ પણ પ્રેમથી પ્રસન્નતાપૂર્વક તેઓ મદદ કરતાં. દેવાદારોના દેવાં તેઓ માફ કરી દેતાં અને કોઈને ખબર પડવા દેતા નહિ. વ્યાજે રકમ મૂકવા આવનાર કેટલાયને તેઓ આડકતરી રીતે તેની મુદ્દલ રકમથી પણ વધુ સહાય કરતાં કે જેથી તેઓ નિશ્ચિત રહી શકે. આથી જ તેમનું નામ લહેરી શેઠ” પડી ગયું હતું.
લહેરી શેઠ એટલા બધા ભલા અને દયાળુ હતા અને એમનું જીવન એવું પવિત્ર હતું કે તેઓ સામા મળે તેને લોકો શુકન માનતા. સારા શુકન માટે લોકો તેમના નીકળવાની રાહ જોતા. જ્ઞાતિના આગેવાન તરીકે એમનું ઘણું માન રહેતું. દરેક બાબતમાં તેઓ તન, મન, ધનથી ઘસાવા તૈયાર રહેતા. તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org