________________
અભિવાદન ગ્રંથ ]
[ ૭૨૩
કાપરડાજી તીર્થમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો ત્યારે શેઠશ્રી માણેકભાઈએ રૂ. ૩૦ હજાર ખર્ચ્યા હતા. એ સિવાય એક મોટા ચબુતરાનો જીર્ણોદ્ધાર, એક બંગલો, એક નવી ધર્મશાળા પણ બંધાવી તથા પ્રતિષ્ઠા પછી ૨૦ વર્ષ સુધી વરસગાંઠના મેળા-મહોત્સવનો લાભ પણ તેઓએ લીધો હતો. શેઠશ્રી માકુભાઈએ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના ઉપદેશથી ખંભાતની પાસે આવેલ શકરપુર ગામના બે જિનાલયો (૧) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય અને (૨) શ્રી સીમંધરસ્વામી જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તો તેમના મુનીમ પેથાપુરવાળા શા. અમથારામ ઝુમખરામ અને શેઠશ્રી દલસુખભાઈ કસ્તૂરચંદ તરફથી શકરપુરમાં જ ધર્મશાળા પણ બાંધવામાં આવી હતી.
આ વખતે પૂજ્યશ્રીએ પ્રેરણા કરતાં તીર્થસ્વરૂપ ખંભાત નગરનાં ભવ્ય પ્રાચીન જિનાલયો--જે જીર્ણ થયાં હતાં, તેનો ઉદ્ધાર-નવનિર્માણ કરવાનું કામ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ વગેરે શ્રાવકોએ ઉપાડી લીધું. આ જીર્ણોદ્વારમાં-ખંભાતના માણેકચોકમાં આવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી આદીશ્વર (ભોંયરાવાળા) પ્રભુનું દેરાસર, બોળ પીપળાનું દેરાસર તથા સંઘવીની પોળના દેરાસરનો સમાવેશ થતો હતો.
ખંભાતમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રી પાસેનાં અલભ્ય હસ્તલિખિત પ્રતો અને પુસ્તકોના રક્ષણ માટે ખારવાડામાં બંધાવવામાં આવેલ ‘શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળા' તથા જીરાવલા પાડામાં બંધાવવામાં આવેલ ‘શ્રીવૃદ્ધિનેમ્યુદયયશઃકીર્તિશાળા'માં શેઠશ્રી માકુભાઈએ સારો એવો ફાળો આપેલ હતો.
એ જ રીતે વિ. સં. ૧૯૮૦માં, અમદાવાદ-પાંજરાપોળમાં બંધાયેલ શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં તેઓએ અમૂલ્ય સહકાર આપ્યો હતો.
આવા કરોડપતિ શ્રેષ્ઠિ શ્રી માણેકલાલભાઈ માત્ર પૈસા ખર્ચીને જ પુણ્ય નહોતા પ્રાપ્ત કરતા પણ સાથે સાથે શ્રાવકધર્મને યોગ્ય બાવ્રત આદિનું પાલન તથા નિત્ય પ્રભુપૂજા, ગુરુભક્તિ-વંદન અને તપજપ વગેરે અનુષ્ઠાનો પણ કરતા હતા. વિ. સં. ૧૯૮૩માં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં શેઠશ્રીએ પોતાના બંગલે અન્ય ભવ્યાત્માઓની સાથે વિધિપૂર્વક શાશ્વતી ચૈત્રી ઓળીની આરાધના કરી.
ત્યારબાદ તેઓનાં કાકી, માણેકબેન (શ્રી જમનાભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની)એ, ગિરધરનગર શાહીબાગમાં આવેલ પોતાના બંગલે પોતે કરેલી વીશસ્થાનક, નવપદ અને જ્ઞાનપંચમીની આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે--૨૦-૯-૫ એમ કુલ ૩૪ છોડનું ભવ્ય ઉજમણું પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં કર્યું. આ બધા છોડ તથા તેની સાથે મૂકવામાં આવેલ દેરાસરની સામગ્રી અર્થાત્ દર્શનનાં ઉપકરણો સંપૂર્ણ ચાંદીનાં ભરાવવામાં--બનાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે શ્રીસિદ્ધાચલજી, શ્રીગિરનારજી, મેરુપર્વત, સમવસરણ તથા પાવાપુરીની સ્થાયી સુંદર રચનાઓ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં સર્વપ્રથમવા૨ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું. તે માટે ખાસ ચાંદીનું વિશાળ સિદ્ધચક્ર યંત્ર તેમજ સાચા રત્નોથી જડિત ચાંદીના નવ કળશો વગેરે પણ બનાવવામાં આવ્યાં હતાં. આજે પણ કાર્તિકી પૂર્ણિમાં, ચૈત્રી પૂર્ણિમા, અખાત્રીજ, ફાગણ સુદ ૧૩ વગેરે સિદ્ધાચલ સંબંધિત પવિત્ર દિવસોમાં અમદાવાદના જૈનો શેઠશ્રી જમનાભાઈના બંગલે આવેલી શ્રી સિદ્ધગિરિરાજની રચનાના દર્શનનો લાભ લે છે.
આ જ મહોત્સવમાં વૈ. સુ. ૭ના દિને પૂ. આચાર્ય શ્રીવિજ્યોદયસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્ય પં. શ્રીનન્દનવિજયજીને ઉપાધ્યાયપદ અને વૈ. સુદ ૧૦ના દિવસે આચાર્યપદ આપવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org