________________
૭૧૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
શેઠશ્રી ધોળશાજી ) લોકપ્રિય જૈન નાટ્યકાર શ્રી ડાહ્યાભાઈના તેઓ પિતાજી હતા. તેઓ ચુસ્ત ધાર્મિક વૃત્તિના હતા. પોતાનો પુત્ર મોહનીય કર્મની વૃદ્ધિ કરનાર નાટ્યકલાનો વ્યવસાય કરે, તે જરાય પસંદ નહિ હોવાથી અલગ રહેતા અને ઝવેરાતનો ધંધો કરતા. ઘણાં કરોડપતિ શ્રેષ્ઠિઓ સાથે અંગત સંબંધો હતા તેઓ કદી પણ ઝવેરાત તેમની પાસે વેચવા લઈ જતા નહિ. તેઓ હંમેશાં પૂજ્યશ્રીનાં વ્યાખ્યાન સાંભળવા આવતા. અમદાવાદના કરોડપતિ શેઠીયાઓ તેમના દ્વારા ગરીબોને લાખો રૂપિયાનું દાન આપતા. શેઠ હઠીસિંહ કેસરીસિંહ તરફથી ત્યાં સુધી હુકમ હતો કે પ્રથમ જૈન અને ત્યારબાદ અન્ય અઢારે વર્ણમાંથી કોઈપણ માણસ ભૂખ્યો ન રહેવો જોઈએ. એ માટે તેઓ શેઠ ધોળશાજીને લાખો રૂપિયા આપતા.
શેઠ મનસુખભાઈ ભગુભાઈ પણ દર મહિને હજારો રૂપિયા તેમને દાન માટે આપતા. શેઠ ધોળશાજી પોતાની ખાનગી ડાયરીમાં એ બધા જ રૂપિયાનો પાઈએ પાઈનો હિસાબ રાખતા, જેથી કોઈને શંકા જાય તો તે હિસાબ બતાવી દેવાય. એક વખત સ્વાભાવિક વાત નીકળતાં શેઠ મનસુખભાઈને એ ડાયરી બતાવવા ગયા, તો શેઠે એ જોવાની સ્પષ્ટ ના કહી દીધી અને કહ્યું : “તમારા જેવી ગંભીરતા હજુ અમારામાં નથી, તેથી કદાચ કોઈની સાથે વિરોધ થઈ જાય તો આવેશમાં મારાથી કરેલા ઉપકારો સંબંધી કાંઈ કહેવાય જાય તો કર્યા-કારવ્યા ઉપર પાણી ફરી વળે.” શેઠ મનસુખભાઈનો ધોળશાજી ઉપર કેવો વિશ્વાસ! અને પોતાની કેવી સરળતા અને લઘુતા! ધોળશાજી આગમોના પણ જાણકાર હતા તેથી નગરશેઠ પ્રેમાભાઈના કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ આપવાનું કામ પૂ. શ્રીમૂળચંદજી મહારાજ જેવા પણ તેમને ભળાવતા હતા; અને તેઓ પણ સારી રીતે સંતોષકારક જવાબ આપતા.
પૂજ્ય શાસનસમ્રાટશ્રી પાસે ન્યાય-વ્યાકરણના ગ્રંથો તથા આવશ્યક સૂત્ર (૨૨ હજારી), કલ્પસુબોધિકા, બારસાસૂત્ર, મહાનિશીથ, અષ્ટકજી વગેરે જરૂરી થોડાક ગ્રંથો (હસ્તપ્રતો) હતા. એ સમયે પુસ્તકો હજુ હસ્તિલિખિત સ્વરૂપમાં જ હતાં; પુસ્તકોનું મુદ્રણ જૈન સમાજમાં સ્વીકાર્ય બન્યું નહોતું. આથી લગભગ બધાં જ ગ્રંથો હસ્તલિખિત મેળવવા પડતા, અને ખૂબ જરૂર હોય તો લહિયા દ્વારા તેની પ્રતિલિપિ (કોપી) કરાવી લેવી પડતી હતી. એટલે એક વખત શેઠ ધોળશાજીએ પૂજ્યશ્રીને વિનંતિ કરી કે, “કૃપાળુ! આપ મહા વિદ્વાન છો, આપને અનેક ગ્રંથોની વારંવાર જરૂર પડે, માટે આપ પુસ્તક રાખો.” આ સાંભળી પૂજયશ્રીએ કહ્યું : “હું મારે માટે આ બાબતમાં કોઈને ઉપદેશ આપવા ઇચ્છતો નથી. ત્યારે ધોળશાજીએ કહ્યું : “ગુરુદેવ! આપને એ માટે કોઈ વિચાર કરવાનો નથી તેમ જ કોઈનેય કહેવાની જરૂર નથી. હું મારી શક્તિ અનુસાર આપને ઉપયોગી સર્વ ગ્રંથોનો પ્રબંધ કરી આપીશ.”
ત્યારબાદ શેઠ ધોળશાજીએ યતિઓ વગેરે પાસેથી કેટલાંક અપૂર્વ હસ્તલિખિત ગ્રંથો ખરીદ્યા, કેટલાંક ગ્રંથો લહીયાઓ પાસે લખાવ્યા. અને એ બધાં પૂજ્યશ્રીને અર્પણ કર્યા. એટલું જ નહિ એ પુસ્તકો અન્યત્ર મોકલવાની વ્યવસ્થા પણ તેઓએ કરી. તેઓએ એ પુસ્તકો પ્રથમ કપડવંજ મોકલી આપ્યાં ત્યાંથી ખંભાત મોકલ્યાં. આ બધાં પુસ્તકો (હસ્તલિખિત પ્રતો) હજુ આજે પણ ખંભાતમાં શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં સુરક્ષિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org