________________
અભિવાદન ગ્રંથ /
[ ૩૮૭
રાજા સિદ્ધરાજે કેટલાંક ધર્મકાર્યો મહામાત્ય આશુકની સલાહથી કર્યા હતાં. આરાસણમાં ભ0 નેમિનાથનું મંદિર બંધાવનાર પાસિવ શ્રેષ્ઠી :
આરાસણ કુંભારિયાજી)ના મહં. ગોગાનો પુત્ર પાસિવ શ્રેષ્ઠી એકવાર પાટણમાં રાજા સિદ્ધરાજે બંધાવેલ રાજવિહાર-મંદિરનું ખૂબ ઝીણવટથી નિરીક્ષણ કરી મંદિરને માપી રહ્યો હતો, ત્યારે ત્યાં દર્શને આવેલી ઠ. છાડાની પુત્રી હાંસીએ મશ્કરીમાં કહ્યું કે, “ભાઈ! માપ લો છો તો શું તમારે કોઈ દેરાસર બંધાવવું છે?' પાસિલે હાજર જવાબ આપ્યો કે, “બેન! તારા મોંમાં સાકર. તું એ પ્રતિષ્ઠા-ઉત્સવમાં આવજે. બોલ, આવીશ ને?' હસીએ ‘હા’ કહી. ત્યારબાદ પાસિલે આરાસણ જઈને દેવીની સાધના કરી ધન મેળવ્યું અને ૪૫ હજાર સોનામહોર ખર્ચા આબુ-વિમલવસહીના કોરણીકામ જેવું ભ0 નેમિનાથનું ભવ્ય દેરાસર બંધાવ્યું. વળી. આ જ દેરાસરમાં ઠ. છાડાની પુત્રી હાંસીએ ૯ લાખ દ્રવ્ય ખર્ચીને મેઘનાદ નામે રંગમંડપ બંધાવ્યો. વિ. સં. ૧૧૯૩ના વૈ. સુદિ ૧૦ના આ0 વાદિદેવસૂરિના હસ્તે તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારે હાંસીદેવી હાજર જ હતી. તે પાટણના ધનાઢ્ય શેઠ છાડાની વિધવા પુત્રી હતી. દશ કરોડ દ્રવ્યનું દાન કરનાર શેઠ આભડ વસાહ :
પાટણના કોટિધ્વજ શેઠ નાગ શ્રીમાલની પત્ની સુંદરીને આભડ નામે પુત્ર હતો. માત્ર દશ વર્ષની વયમાં જ આભડે માબાપનું છત્ર અને ધન પણ ગુમાવ્યું. શરૂઆતમાં તે કંસારાને ત્યાં ઘૂઘરા ઘસતો, પછી રત્નપરીક્ષાનો અભ્યાસ કરી અને ઝવેરીઓને ત્યાં અનુભવ મેળવી રત્નોનો પારખુ બન્યો. તેણે એક વાર ક0 સ0 આ૦ હેમચંદ્રસૂરિ પાસે જઈને ૭00 સોનામહોરના પરિગ્રહ પરિમાણનું વ્રત દેવા આચાર્યશ્રીને વિનંતી કરી. આચાર્યશ્રીએ તેના હાથની રેખાઓ જોઈ તેને ખૂબ સમજાવીને આખરે ત્રણ લાખ સોનામહોરના પરિમાણનો નિયમ કરાવ્યો.
આભડ નાની ઉંમરમાં જ લાછનદેને પરણ્યો હતો; અને લાછનદેએ ચૌદ વર્ષની વયમાં જ પુત્રને જન્મ આપ્યો. નાની ઉંમરના કારણે પુત્રને દૂધ ઓછું મળતું, તેથી આભડ બકરી ખરીદવાના વિચારે ભરવાડવાસમાં ગયો. ત્યાં બકરીઓના ટોળામાં એક બકરીના ગળે લીલો પથ્થર બાંધેલો જોયો. મણિના પારખું આભડે તે પથ્થર જોઈને બકરી ખરીદી લીધી. એ પથ્થર નીલમણિ હતો. રાજા સિદ્ધરાજે તે મણિ પોતાના મુગટમાં જડવા માટે લાખ સોનૈયા આપીને ખરીદી લીધો. આભડે આ દ્રવ્યથી વેપાર ખેડવા માંડ્યો. એક દિવસ તેણે વહાણમાં આવેલી મજીઠની ગુણો ખરીદી લીધી. તેના સદ્નસીબે કેટલીક ગુણોમાંથી સોનાની લગડીઓ નીકળી. આ રીતે આભડ શેઠ આગળ ધનના ઢગલા થવા લાગ્યા; પણ નિયમથી વધુ બધુ જ ધન તેઓ છુટ્ટા હાથે વાપરવા લાગ્યા. તેમણે વર્તમાન ચોવીશીનાં ૨૪ દેરાસર બંધાવ્યાં, ઘણાં દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, ૮૪ પોષાળો બંધાવી, સાત ક્ષેત્રોમાં ૯૦ લાખ સોનામહોરો વાપરી. દેવભક્તિ, ગુરુભક્તિ અને સાધર્મિક ભક્તિના લાભો લીધા. દાનશાળા ખુલ્લી મુકાવી. સં. ૧૨૫૭માં પાટણની પ્રત્યેક પોષાળમાં બિરાજમાન આચાર્યોની ભક્તિનો લાભ ઘણું ધન ખરચીને લીધો. સંઘપૂજા, સાધર્મિકવાત્સલ્યાદિ અનેક સુકૃતો પણ થતાં રહ્યાં. આમ, તેમણે કુલ ૧૦,૮૦,00,000 દ્રવ્યનું દાન કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org