________________
૩૭૨ ]
L[ જૈન પ્રતિભાદર્શન
ગૂર્જરેશ્વર કુમારપાળ કુલપરંપરાએ શૈવ હતો; પણ સં. ૧૨૧૬માં પોતાના પરમોપકારી ગુરુદેવ કલિકાલસર્વજ્ઞ આ. હેમચંદ્રસૂરિની પાસે સમ્યકત્વ સહિત બાર વ્રતો સ્વીકારી, નિત્ય સવારે મંગલપાઠ, નમસ્કારનો જાપ, વિતરાગસ્તોત્ર તથા યોગશાસ્ત્રનો અખંડપાઠ, ત્રિકાલપૂજા વગેરે કરવા સાથે શ્રાવકધર્મના નીતિ-નિયમો ચુસ્ત રીતે પાળવાપૂર્વક પરમ હિતોપાસક બન્યો. તેણે પોતાના રાજ્યમાં અમારિપટ વગડાવ્યો. ૧૪ દેશના રાજાઓ સાથે મૈત્રી, જીવરક્ષા, સાત તીર્થયાત્રા કરી. ૧૪૭૦ (૧૪૪૪) જિનાલયો બંધાવ્યાં. ૧૬00 જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. ૭00 લહિયા રોકી જૈન આગમો લખાવ્યાં. ૨૧ ગ્રંથભંડારો સ્થાપ્યા. અન્ય પણ અનેક ધર્મકાર્યો અને સદ્કાર્યો તેમના હાથે થયાં. (અન્યત્ર તેમનો જીવન પરિચય આપેલ હોય, વધુ ત્યાંથી જાણવું.)
ગુજરાતના સોલંકી (ચૌલુક્ય) રાજયકાળમાં મહામંત્રીઓ વીર મહત્તમ, નેઢ, વિમલશાહ, શાંતુ મહેતા, મુંજાલ, આશૂક, આલિંગ, ઉદાયન, બાહડ, કપર્દી વગેરે અને દંડનાયકો આંબડ, સજ્જન વગેરે તથા ખર્ચખાતાના પ્રધાન જાહિલ, દુર્લભરાજ, યશોધવલ શ્રીમાલી વગેરે જૈન હતા. મહામાત્ય આલિગે સિદ્ધપુરમાં ચતુર્મુખવિહાર બંધાવ્યો હતો. મંત્રી આંબડે પાટણના કુમારવિહારમાં રૂપાની શ્રી ઋષભદેવની પ્રતિમા સ્થાપન કરી હતી, અને ભરૂચમાં શકુનિકા-વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અન્ય મંત્રીઓ, દંડનાયકો વગેરેએ પણ અનેક ધર્મકાર્યો કરી જૈનધર્મની પ્રભાવના વિસ્તારી હતી, તે તે ધર્માત્માઓના પરિચયો અલગ રીતે પ્રસ્તૃત ગ્રંથમાં આપવામાં આવ્યા છે.
પાટણમાં કુબેરદત્ત નામે દરિયાઈ વેપારી હતો. તે ૬ કરોડ દ્રવ્યનો સ્વામી હતો. કુમારપાળે ૭૨ દેરીઓવાળા ત્રિભુવનવિહારમાં જેમને સાથે રાખી પ્રતિષ્ઠા, મહાપૂજા, ધ્વજ, કલશ વગેરે કર્યા તેમાં કુબેરદત્ત પણ સાથે હતો. તેના ઘરમાં રત્નજડિત મંદિર હતું, જેનું ભૂમિતળિયું પણ રત્નોથી જડેલ હતું. ચંદ્રકાંત-મણિની જિનપ્રતિમા હતી. તેના મરણ પછી, તેને સંતાન ન હોય, અપુત્રિયાનું ધન રાજાને મળે એ ન્યાયે કુબેરદત્તની એ અઢળક મિલ્કત/ધન પર તેનાં પત્ની કે માતાનો કોઈ અધિકાર ન રહ્યો. પરંતુ રાજા કુમારપાળે પરાપૂર્વથી ચાલ્યો આવતો રુદતીધનનો પટ્ટો રદ કરી નારીજાતીને પુરુષ સમાન હક્કવાળી માનીને તેને પતિ વગેરેનું ધન-મિક્ત મળે એવો નવો કાયદો બનાવ્યો. આમ, ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીના સમાન હક્કનો પહેલવહેલો કાયદો એ સમયે થયો.
શેઠ આભડ અજયપાલને રાજા બનાવવાની તરફેણમાં હતો, પરંતુ પાછળથી, અજયપાલે ગાદીએ આવી જિનમંદિરો તોડવા સાથે અનેક દુષ્કૃત્યો આચરતા, તે પસ્તાયો. તેણે બીજા જિનમંદિરોને રાજાના કોપમાંથી બચાવવા યુક્તિ રચી. રાજાના પ્રીતિપાત્ર શીલણ ભાંડને ઘણું ધન આપી તૈયાર કર્યો. શીલણે સાંઠીઓનો એક પ્રાસાદ બનાવ્યો. રાજા અજયપાલને પોતાને ત્યાં નિમંત્રી, તીર્થયાત્રાએ જવાની ઇચ્છા વ્યક્ત કરી, પોતાના પાંચ પુત્રો તથા આ પ્રાસાદ ભળાવ્યા. ચીલણ સૌની રજા લઈ રવાના થયો. હજુ થોડે દૂર પહોંચ્યો નથી ત્યાં તો તેના પાંચ પુત્રોએ આ પ્રાસાદને ડાંગો વડે તોડી-ફોડી જમીનદોસ્ત કરી દીધો. શીલણ તોડવાનો અવાજ સાંભળી પાછો ફર્યો અને રોષ ચડાવી બોલ્યો : “અરે અભાગિયાઓ!
આ કનૃપ છે તે તો સારો છે પરંતુ તમે મારા કુપુત્રો તો તેનાથીયે અધમ છો. રાજાજીએ તો પોતાના પિતાના મરણ બાદ તેનાં ધર્મસ્થાનો પાડી નાખ્યાં, જ્યારે તમે તો હું સો ડગલાં દૂર પહોંચું એટલીયે રાહ ન જોઈ!'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org