SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૧૯ પ્રશસ્ત પ્રસન્ન ધ્યાનમાં સ્થિર થયા. પરિણામે તે જ્યારે બીજી વાર પૂછ્યું ત્યારે તેઓ સર્વાર્થ સિદ્ધને યોગ્ય મોક્ષગતિને પાત્ર બની ગયા હતા.'' એવામાં પ્રસન્નચંદ્ર મુનિની સમીપે દેવ-દુંદુભિ વાગતાં પ્રભુ મહાવીરે કહ્યું, ‘‘એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.'' આ સમયે દેવતાઓ તેમના કેવળજ્ઞાનનો મહિમા ઊજવવા લાગ્યા. મુનિ પ્રસન્નચંદ્રનું ચરિત્ર એક આત્મજાગ્રત મુનિની ઓળખ આપે છે. દુશ્મનને શિરસ્ત્રાણથી મારી નાંખવો એવા વિચારથી એમણે હાથ માથે મૂક્યો અને માથે લોચ કરેલો જાણી પોતાની સાધુતાનું સ્મરણ થયું. પોતાના હિંસક વિચારો માટે પશ્ચાત્તાપ થતાં તેઓ પશ્ચાત્તાપની પાવન ગંગામાં વિશુદ્ધ બન્યા. સાચા જાગ્રત આત્માનો પશ્ચાત્તાપ હોવાથી તેઓ ક્ષપકશ્રેણીએ ચડીને કેવળજ્ઞાન પામ્યા. ગુરુશિષ્યની ભાવના શ્રી ચંડરુદ્રાચાર્યમાં જોવા મળે છે, તો વિલાસિતાના મોહમય વાતાવરણ વચ્ચે પવિત્રતાનું પાવન કમળ કેવી રીતે ખીલે એનું ઉદાહરણ છે ક્ષુલ્લક મુનિ. જ્યારે યજ્ઞોમાં હિંસા થતી હતી ત્યારે યજ્ઞમાં મૂંગા-અબોલ પ્રાણીઓની હિંસાને બદલે કષાયનો નાશ કરવાની આધ્યાત્મિક વિચારધારા આચાર્યશ્રી શય્યભવસૂરિએ સમજાવી. જિનશાસનના પ્રભાવક આચાર્ય ભદ્રબાહુસ્વામીએ શાસન અને શ્રુતનો અપાર મહિમા કર્યો. આ આચાર્ય ભદ્રબાહુસ્વામીએ દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર અને નિશીથ એમ ચાર છેદસૂત્રોની રચના કરી મુમુક્ષુ સાધકો પર મહાન ઉપકાર કર્યો. આચારાંગ, સૂત્રકૃતાંગ, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કન્ધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ૠષિભાષિત—આ દસ સૂત્રોના નિર્યુક્તિકાર તરીકે પ્રસિદ્ધ આચાર્ય ભદ્રબાહુએ ‘ભદ્રબાહુ સંહિતા' તથા સવા લાખ પદ ધરાવતું ‘વસુદેવચરિત’ નામના ગ્રંથ લખ્યા અને એ જ રીતે એમણે આર્ય સ્થૂલભદ્રને પૂર્વોનું જ્ઞાન આપીને એ મહાન વારસાને નષ્ટ થતો બચાવ્યો હતો. તેઓએ સતત બાર વર્ષ સુધી મહાપ્રાણ-ધ્યાનની ઉત્કટ યોગસાધના કરવાની વિરલ ઉપલબ્ધિ મેળવી હતી. ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરીને જિનશાસનનો પ્રસાર અને ઉત્કર્ષ કરનાર ભદ્રબાહુસ્વામીને શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરા પાંચમા અને અંતિમ શ્રુતકેવલી તરીકે આદરપૂર્વક સન્માને છે. આવી જ રીતે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ ઉદાર વ્યક્તિત્વ, ગહન ચિંતનશક્તિ અને ઉત્કૃષ્ટ દાર્શનિક વિચારોથી જિનશાસનમાં આગવું સ્થાન મેળવ્યું. અધ્યાત્મશક્તિથી સ્વાભાવિક રીતે એવી ઘટનાઓ બનતી હોય છે, જેને સામાન્ય માનવી ચમત્કાર તરીકે ઠેરવતો હોય છે. શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી માનદેવસૂરિ, શ્રી માનતુંગસૂરિ, શ્રી અભયદેવસૂરિ વગેરેના જીવનમાં આ જોવા મળે છે. જૈન સાધુતાનું સ્મરણ થતાં જ આચાર્ય હરિભદ્રસૂરિ, આચાર્ય હીરવિજયસૂરિ, આચાર્ય હેમચંદ્રાચાર્ય વગેરેનું આપોઆપ સ્મરણ થાય છે. હીરવિજયસૂરિએ કરેલી જૈન ધર્મની પ્રભાવના કોણ ભૂલી શકે? આજે એ ઘટનાનું સ્મરણ કરીએ. એક દિવસ શહેનશાહ અકબર ફતેહપુર સિક્રીના શાહી મહેલના ઝરૂખામાં બેસીને રાજમાર્ગ તરફ નજર કરતો હતો. એવામાં એણે એક મોટો વરઘોડો જોયો, જેમાં સુંદર વસ્ત્રો પરિધાન કરીને ચંપા નામની શ્રાવિકા બિરાજમાન હતી. બાદશાહે તપાસ કરતાં જાણ્યું કે આ શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આ ઉપવાસમાં માત્ર દિવસે જ ગરમ કરેલું (ઉકાળેલું) પાણી લીધું છે. બીજી કશી ચીજ મોંમાં નાખી નથી. આ હકીકત જાણતાં મુગલ બાદશાહના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે શ્રાવિકાને પૂછ્યું, તો જાણ્યું કે આ તો ગુરુ હીરવિજયસૂરિ જેવા ધર્મગુરુઓની સુકૃપાનું ફળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy