________________
અભિવાદન ગ્રંથ ]
પ્રતિભાની પૂજા એટલે સંસ્કારવારસાની આરાધના
–ડૉ. કુમારપાળ દેસાઈ
કોઈપણ સત્વશાળી અને સંસ્કૃતિનિષ્ઠ પ્રજાનું પર્વ એ પોતાની પ્રતિભાઓનાં પૂજનમાં જ રહેલું છે. અપૂજ્યોનું પૂજન અને પૂજ્યોનું અતિક્રમણ પ્રજાનો વિનિપાત જ લાવે એમાં કોઈ સંશય નથી.
પ્રજાનું કલ્પવૃક્ષ ભલે નભોમંડળને સ્પર્શે તેવું સમુન્નત હોય પણ તેના મૂળ સુદૃઢ હોવા જરૂરી છે. કબીરવડનાં ડાળાં, પાંદડાં કે પછી વડવાઈઓ પર જલપ્રોક્ષણ ન હોય, તેના મૂળ જ પૂજાય. જલનો કુંભ તેના પવિત્ર મૂળે જ સિંચાય આ એક સનાતન સિદ્ધાંત સમજવો.
આ લેખમાં ડૉ. શ્રી કુમારપાળભાઈએ પ્રજાજીવનના વિવિધ ક્ષેત્રોની પૂજ્ય પ્રતિભાઓને વાંદતાં આપણને સુપેરે શીખવ્યું છે. પ્રસિદ્ધ વાત છે કે બર્નાડ શોની પરીક્ષા કરવા કોઈએ તેમને પૂછ્યું ‘‘તમે મોટા કે શેક્સપીઅર?'' સવાલ તો ખરેખર કસોટીરૂપ હતો. શૉ બોલ્યા ‘શેક્સપીઅર કરતાં શૉ જ નિઃસંશય મહાન છે. પણ તે કેવી રીતે એ ખબર છે? એક પિતાના ખભે બેઠેલ બાળક પિતા કરતાં સુદૂર જોઈ શકે છે. એમ હું મોટો છું.'' આવો જવાબ પોતાની પૂર્વ પ્રતિભાઓને પૂજવાની રીત દર્શાવે છે. આ લેખમાં પણ જિનશાસનના પૂર્વે થઈ ગયેલા રત્નોને શિલ્પમાં જાણે કંડાર્યા હોય તેવું લાગે છે.
ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં આગવું પ્રદાન નોંધાવનાર શ્રી કુમારપાળભાઈની સાહિત્યિક પ્રવૃત્તિ આજના સમયમાં આગવી ભાત પાડે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ઘડનારાં મૂલ્યોનો પુરસ્કાર કરનારું એમનું વિપુલ સાહિત્યસર્જન ખરેખર દાદ માંગી લ્યે છે. પરિસંવાદો કે પ્રવચનોના આયોજનોમાં તેમની વ્યવસ્થાશક્તિ ગજબની છે. ‘જયભિખ્ખુ'નો સાહિત્ય તથા સંસ્કારનો વારસો અકબંધ રીતે સાચવી રહેલા ડૉ. કુમારપાળભાઈની લેખસામગ્રી અખબારી કટારોમાં પ્રસંગોપાત પ્રગટ થતી રહી છે. તેમની આ સિદ્ધિઓ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
[ ૩૧૫
www.jainelibrary.org