________________
૩૧૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
અને નથુશા ચાલી નીકળ્યા ધાનેરાની દિશા ભણી. બનાસકાંઠા જીલ્લાનું એ ગામ. વડગામડાના પ્રત્યેક માનવીના નેત્રો સજળ થઈ ગયાં. સૌએ વીનવ્યા કે પાછા વળો. પણ નથુશા કહે, ‘માનવીની જબાન એક હોય. આ દેશની ધરતીના સંસ્કાર જુદા છે. પ્રતિજ્ઞા પાળવા માટે મસ્તક મુકનારા વિરલા આ ધરતીએ આપ્યા છે.’ ને એમણે ઉમેર્યું કે ‘હું મારી પ્રતિજ્ઞામાં એક પગલું આગળ વધું છું. હું જીવીશ ત્યાં સુધી મૌન પાળીશ.’
નથુશા ચાલી નીકળ્યા. ચાલતા જ રહ્યા. માર્ગમાં કોઈ પરિચિત બોલાવે, પણ નથુશા તો મૌનપણે ચાલ્યા જાય છે. એમના અંતરમાં રૂડાભાવ પ્રકટે છે : ઓહ! કેવું સારું કાર્ય થયું. મહમદ જેવો સન્મિત્ર સૌને મળજો. કેટલાએ મહાપુરુષોએ જબરજસ્ત ત્યાગ કર્યો છે. મારો ત્યાગ તો નાનો છે.
માર્ગમાં ડુઆ ગામ આવ્યું. ડુઆમાં સુંદર જિનાલય. ઊંચું અને શિખરબંધી. ભગવાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ. નથુશાએ ભાવથી જિનમંદિરની જાત્રા કરી અને પ્રાર્થના કરી : ‘પ્રભુ! સૌનું કલ્યાણ કરજો.'
નથુશા ધનેરા પહોંચ્યા. એમને આજ સુધી ધાનેરા જોયેલું નહીં. એમને માટે અજાણી ધરતી અને અજાણ્યા લોકો. ધાનેરાના ઉગમણા દરવાજે એમણે એક ખૂણાની જગ્યા પસંદ કરી અને ત્યાં એ કાઉસગ્ગ મુદ્રામાં ઊભા રહી ગયા.
ધાનેરા ગામમાં વાત ફેલાતી ગઈ અને લોકો એમના દર્શનાર્થે આવવા લાગ્યા. એ ઉપવાસ કરે છે અને મૌન પાળે છે. આજુબાજુના ગામથી પણ લોકો દર્શનાર્થે આવવા લાગ્યા.
વડગામડામાં મહમદને એમના અપૂર્વ ત્યાગની ભાળ મળી. એ પણ દોડી આવ્યો. એણે હાથ જોડી નથુશાને પાછા વળવા વિનંતી કરી. પરંતુ નથુશા તો પ્રભુના સ્મરણમાં લીન હતા અને મૌનપણે બેઠા હતા. મહમદે એમના ચરણોમાં ઝૂકીને કહ્યું : ‘‘હે ત્યાગી શેઠ! મને ક્ષમા કરો. તમે તો મોટા તપસ્વી નીકળ્યા. હું પણ આજથી જીવો પ્રત્યે પ્રેમ રાખીશ. માંસાહાર નહીં કરું. મારો વંશજ પણ માંસાહાર નહીં કરે.
થરાદ સ્ટેટના મહારાજા દોલતસિંહજી ત્યાં દોડી આવ્યા. એમણે વિરલ ત્યાગી નથુશાની અનુમોદના કરતા કહ્યું : 'શેઠ! તમારા સ્મરણમાં પાંચ વીઘા જમીન ગૌચર માટે અર્પણ કરું છું.'
તપસ્વી નથુશા કાળ સામે ઝઝુમતા રહ્યા. એ ઉપવાસી હતા. બોંતેર દિવસના ઉપવાસ પછી એમણે નશ્વર દેહ તજ્યો. સહુએ જૈનધર્મના તપ-ત્યાગનો જયજયકાર કર્યો.
તપસ્વી નથુશાની સ્મૃતિમાં ખડું થયેલ ‘સ્મૃતિ મંદિર' ધાનેરાના દરવાજે આજે પણ ઊભું છે. સૌ ત્યાં ભક્તિભાવથી ફૂલ ચઢાવે છે. અને આ બલિદાનનું સ્મરણ અંતરમાં પવિત્ર ભાવના પ્રકટાવે છે.
*
Jain Education International
ઓઘો જેના હાથમાં તેનું નામ સાધુ ઓઘો જેના હૈયામાં તેનું નામ શ્રાવક.
For Private & Personal Use Only
www.jainelibrary.org