________________
૨૯૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
પોતાની ભૂલ સમજાઈ. તરત જ પોતાના નાનાભાઈ વારિખિલ્લને ખમાવવા માટે દોડ્યો. મોટાભાઈના હૃદય-પરિવર્તનની વાત જાણીને વારિખિલ્લ પણ સામો દોડ્યો. બન્ને એકમેકને પ્રેમથી ભેટ્યા. એકબીજાની ક્ષમા માંગી. બચેલા અનેક સૈનિકો સાથે બન્નેએ તાપસીદીક્ષા લીધી અને ધર્મધ્યાનમાં લીન રહેવા લાગ્યા.
એક દિવસ નમિ અને વિનમિ નામના વિદ્યાધરના બે પ્રશિષ્યો આકાશમાર્ગેથી ત્યાં આવી પહોંચ્યા. બધા તાપસોએ વંદના કરી તેમને પૂછ્યું કે, આપ હવે અહીંથી કયાં જવાના છો? મુનિઓએ કહ્યું : અમો અહીંથી શ્રી સિદ્ધાચલની જાત્રાએ જઈએ છીએ. તાપસોને સિદ્ધાચળનો મહિમા પૂછ્યો. તે સમજાવતા વિદ્યાધરોએ કહ્યું : શ્રી સિદ્ધાચળ ઉપર શુદ્ધ ચારિત્રવાન અનંતા જીવો મુક્તિએ પહોંચ્યા છે અને હજી અનંતા જીવો ત્યાંથી મોક્ષે જશે. આ તીર્થનો મહિમા અપાર છે. લાખ વરસ સુધી તેનો મહિમા ગાન ગાઈએ તો પણ તેનો પાર આવે એમ નથી.
શ્રી સિદ્ધાચળગિરિનો આવો અપરંપાર મહિમા સાંભળીને બધા જ તાપસો તેની યાત્રા કરવા તૈયાર થયા. બે વિદ્યાધર મુનિઓએ તેમને ભાગવતી દીક્ષા આપી. પછી સૌ સિદ્ધાચળગિરિ આવ્યા. અને ત્યાં શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમાના દર્શન કર્યા. પછી માસખમણને પારણે તે વિદ્યાધર મુનિઓએ કહ્યું : તમો બધાએ હવે અહીં જ સ્થિરતા કરવાની છે. તમારા અનંતકાળના સંચિત પાપો આ તીર્થની સેવા કરવાથી ક્ષય પામશે. ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરીને દ્રાવિડ અને વારિખિલ્લ આદિ અસંખ્ય મુનિઓ સિદ્ધાચળ ઉપર રહીને ધ્યાનમાં સ્થિર થયા અને અનુક્રમે એક માસના ઉપવાસ કરીને એ સર્વે (દશ ક્રોડ મુનિઓ) કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
આ તીર્થનો મહિમા આજે પણ એવો જ છે. ભવ્ય જીવોએ આ તીર્થની યાત્રા દર વર્ષે કરવી જોઈએ. ત્યાં જઈને તપ સહિત યાત્રા કરવી. એવી યાત્રા કરવાથી યાત્રિકના પાપકર્મ નાશ પામે છે અને ચિત્ત નિર્મળ અને શુદ્ધ બને છે.
કેશરી ચોર
શ્રીપુરનગરમાં પદ્મ નામનો એક શ્રેષ્ઠી વસતો હતો. તેને કેશરી નામે એક પુત્ર હતો. કેશરીને ઘણા મિત્રો હતા, પણ એકેય મિત્ર સંસ્કારી ન હતો; કોઈ લબાડ, કોઈ લુચ્ચો, તો કોઈ તદ્દન અધર્મી. આવા મિત્રોને લીધે ધાર્મિક સંસ્કારોથી કેશરી વંચિત રહ્યો. તે નાની મોટી ચોરીઓ કરવા લાગ્યો. તેનાં આવાં અપકૃત્યોની ફરિયાદ રાજા પાસે આવી. રાજાએ તેને પકડી મંગાવ્યો. શ્રેષ્ઠી પુત્ર હોવાથી કેટલીક શિખામણ આપી તેને છોડી મૂક્યો. કેશરી ઉપર આની કોઈ અસર ન થઈ. તેનો ઉપદ્રવ વધતો આવ્યો. એટલે રાજાજીએ તેના પિતા પદ્મશ્રેષ્ઠીનો સંપર્ક સાધ્યો અને તેની સંમતિથી કેશરીને દેશનિકાલ કર્યો.
કેશરી દેશનિકાલ થયો, પણ ચોરીની આદત છૂટી નહીં. રસ્તે ચાલતા પણ એ જ વિચાર—ક્યાં કેવી રીતે ચોરી કરવી.
એક દિવસ ચાલતા ચાલતા તે એક ગામ બહારના સરોવર પાસે આવ્યો. આજે ચોરી ક્યાં કરવી તે જોવા તે એક ઝાડ ઉપર ચડી ગયો અને ચારે બાજુથી જોવા લાગ્યો. તેવામાં તેને એક સિદ્ધ પુરુષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org