________________
અભિવાદન ગ્રંથ 7
[ ૨૬૫
હતા; કેટલીક માનતાઓ માન્યા બાદ આ પુત્ર તેઓ પામ્યા હતા. તે મરી ગયો એમ લાગ્યું એથી એમને લાગેલ આધાત ન જીરવી શકવાથી તે બાળકનો બાપ સાચે જ મૃત્યુ પામ્યો.
એ કાળમાં, એ રાજયમાં એવો કાયદો હતો કે અપુત્રિયાનું ધન રાજા ગ્રહણ કરે. કોઈ પણ માણસ મરી જાય અને જો એને પુત્ર ન હોય તો એના ધનાદિનો માલિક રાજા થાય. રાજ્યના એ કાયદા મુજબ આ શેઠનું ધન લેવાને માટે રાજાએ પોતાના સેવકોને આ શેઠના ઘેર મોકલ્યા. અહીં બન્યું એવું કેબાળકના અઠ્ઠમ તપના પ્રભાવથી ધરણેનું આસન કંપ્યું. પોતાનું આસન કંપવાથી ધરણેન્દ્ર ઉપયોગ મૂક્યો અને સઘળી વાત સમજવાથી તરત જ ધરણેન્દ્ર ત્યાં આવી, પહેલાં ભૂમિમાં રહેલા બાળકને અમૃત છાંટીને આશ્વાસન આપ્યું. અને પછી ધરણેન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને જે રાજસેવકો ધન લેવાને આવ્યા હતા, તેમને એ શેઠનું ધન ગ્રહણ કરતા અટકાવ્યા.
આ વાત રાજસેવકોએ જઈ રાજાને કહી, એટલે રાજાએ પોતે ત્યાં આવીને એ બ્રાહ્મણને રાજયનો કાયદો સમજાવ્યો અને કહ્યું કે, “અમારો આ પરંપરાગત નિયમ છે કે અપુત્રિયાનું ધન ગ્રહણ કરવું. તો પછી તું આમાં અટકાયત કેમ કરે છે?” બ્રાહ્મણે કહ્યું કે, “તમારે ધન તો અપુત્રિયા હોય તેનું ગ્રહણ કરવાનું છે ને? આનો પુત્ર તો જીવે છે.” રાજાએ કહ્યું કે “ક્યાં છે? ક્યાં જીવે છે એ બાળક?'
એટલે બ્રાહ્મણે ભૂમિમાં દટાયેલા બાળકને બહાર કાઢીને બતાવ્યું અને એ જીવિત છે તે છાતીના ધબકારા બતાવી સમજાવ્યું. આથી રાજા, તેના સેવકો અને નગરના લોકો બહુ આશ્ચર્ય પામ્યા. આશ્ચર્ય પામેલા રાજાએ પૂછ્યું કે, “તમે કોણ છો? અને આ બાળક કોણ છે?” એ વખતે વેશધારી બ્રાહ્મણે કહ્યું કે, “હું નાગરાજ ધરણેન્દ્ર છું. અને આ બાળમહાત્માએ અમનું તપ કર્યું તેના પ્રભાવે અત્રે તેને સહાય કરવા આવ્યો છું.” રાજાના પૂછવાથી ધરણેન્દ્ર બાળકના પૂર્વભવનો વૃત્તાંત પણ કહી સંભળાવ્યો. અને અંતે કહ્યું કે, “લઘુકર્મી આ મહાપુરુષ આ ભવમાં જ મુક્તિ પામવાનો છે. અને આ બાળક રાજ્ય ઉપર પણ મોટા ઉપકારને કરનારો નીવડવાનો છે.”
આમ કહી નાગરાજ ધરણેન્દ્ર પોતાના ગળાનો હાર કાઢી નાગકેતુને પહેરાવ્યો. અને પોતે સ્વસ્થાનકે ગયા. વ્યાખ્યાનકાર આચાર્ય શ્રી લક્ષ્મીસૂરિજીએ આથી જ એમ જણાવ્યું છે કે, “શ્રી નાગકેતુએ તે જ ભવમાં અઠ્ઠમ તપનું પ્રત્યક્ષ ફળ મેળવ્યું.”
નાગકેતુ મોટા થઈને પરમ શ્રાવક બન્યા. એક વખતે ત્યાંના રાજા વિજયસેને કોઈ એક માણસ કે જે ખરેખર ચોર ન હતો તેને ચોર ઠરાવીને મારી નંખાવ્યો. આ રીતિએ અપમૃત્યુ પામેલો તે માણસ મરીને વ્યંતર દેવ થયો. એ વ્યંતર થયો એટલે એને ખ્યાલ આવ્યો કે અમુક નગરીના રાજાએ મારે માથે ચોરીનું ખોટું કલંક ચડાવી દઈને મને મારી નંખાવ્યો હતો તેથી તે વ્યંતરને એ રાજય ઉપર બહુ ગુસ્સો આવી ગયો. અને એથી એણે એ રાજાને તેની આખી નગરી સહિત સાફ કરી નાખવાનો નિર્ણય કર્યો. એ માટે તેણે રાજાને લાત મારી સિહાસન ઉપરથી પાડી દઈને લોહી વમતો કરી દીધો. પછી નગરીનો નાશ કરી નાખે એવી એક શિલા આકાશમાં રચી. આકાશમાં રચાયેલી મોટી શિલાને જોઈને નગરજનો બહુ ગભરાટમાં પડી ગયા. શ્રી નાગકેતુને ચિંતા થઈ કે, “આ શિલા જો નગરી ઉપર પડશે તો મહા અનર્થ થશે. નગરી ભેગુ શ્રી જિનમંદિર પણ સાફ થઈ જશે.” આવી ચિંતા થવાથી શ્રી નાગકેતુ જિનપ્રાસાદના શિખર ઉપર ચડી ગયા અને આકાશમાં રહેલી શિલાને હાથ દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org