________________
૨૨૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
છે અને એ જ વખતે આ જ ગામમાં પોતાના મોટાભાઈ ભવદત્ત મુનિ પોતાના નાના ભાઈને પ્રતિબોધ કરવા માટે પધાર્યા.
ભવદેવ પોતાના ભવનની અંતિમ મંઝિલ પર પોતાની પ્રાણપ્યારી પ્રિયતમા નાગીલાને સાજ સજાવી રહ્યા છે. બંને પ્રિયજનો વચ્ચે વિનોદની પ્રેમધારા વહી રહી છે અને એ જ વખતે નીચેથી માનો અવાજ સંભળાય છે :
“બેટા ભવદેવ! નીચે પધારો, જુઓ! મોટા ભાઈ ભવદત્ત મુનિ પધાર્યા છે.'' આ અવાજ સાંભળતાં પતિ-પત્ની બંને ચમક્યાં. નીચે જવાની બિલકૂલ ઇચ્છા ન હોવા છતાં માની આજ્ઞાનું પાલન કરવા નીચે જવા તૈયાર થયા ત્યારે નાગીલા કહે છે, “મારા પ્રાણપ્યારા નાથ! મારા શણગાર અધૂરા છે. તમારા વગર એક ક્ષણ પણ હું રહી શકતી નથી. આપ નીચે જઈ તરત જ પાછા આવો.” ભવદેવ કહે છે, “મારી પ્રાણપ્યારી પ્રાણેશ્વરી, તને છોડીને હું ક્યાં જાઉં! નીચે જઈ તરત જ પાછો આવું છું.”
ભવદેવ નીચે આવીને જુએ છે તો પોતાના વડીલબંધુ મુનિરાજ શ્રી ભવદત્ત મુનિ છે. ભવદેવ મુનિના ચરણમાં ઢળી પડે છે. મુનિવર માંગલિક સંભળાવી, ગોચરી વહોરી અને ઉપાશ્રય બાજુ જવા લાગ્યા. મુનિવરે ગોચરીનાં પાત્ર નાના ભાઈ ભવદેવના હાથમાં આપ્યાં. ભવદેવ ભાઈમહારાજ સાથે ચાલવા લાગ્યા. જીવ નાગીલા પાસે છે ને દેહ ભાઈ સાથે. મનમાં થાય છે કે, આ પાત્ર ભાઈ મહારાજ લઈ લે એટલે તરત જ પાછો જાઉં. પણ ભાઈ મહારાજ પાત્ર લેતા નથી. એમ કરતાં કરતાં ઉપાશ્રય આવી ગયો.
ઉપાશ્રયની અંદર પ્રવેશ કરતાં જ આચાર્ય ભગવંતનો ગંભીર અવાજ સંભળાયો, “ભવદત્ત, આ નવયુવાન કોણ છે?”
મુનિ ભવદત્ત બોલ્યા, “ભગવંત! આ મારો લઘુબંધુ છે. એ અણગાર બનવા કાજે આપના ચરણોમાં આવ્યો છે.” મીંઢળબાંધ્યા આ તેજસ્વી નવયુવાનને ગુરુભગવંત જોઈ જ રહ્યા.
ભવદેવ મનમાં વિચારે છે : ઓહ! હું અહીંયા ક્યાં આવી ચઢ્યો. નાગીલા સિવાય મને બીજું કશું જ દેખાતું નથી, ત્યાં સંયમ કેવી રીતે લઉં? જો ના પાડું તો મારા મોટાભાઈની આબરૂનું શું? હું શું કરું? સઘળા મુનિવરો વચ્ચે મારા ભાઈમહારાજનું અપમાન નહીં થવા દઉં. ભવદેવ મનમાં મૂંઝવણ હોવા છતાં ઇન્કાર કરી શક્યો નહીં અને આચાર્ય ભગવંતે એ જ વખતે દીક્ષા અર્પણ કરી. નાગીલાને આ સમાચાર મળ્યા. તે વિરહથી ઝૂરવા લાગી અને આ બાજુ સઘળા મુનિવરો સાથે ભવદેવ મુનિએ વિહાર કર્યો. આ વાતને બાર-બાર વર્ષનાં વહાણાં વહી ગયાં. ભવદત્તમુનિ કાળધર્મ પામ્યા. હવે ભવદેવ મુનિ પોતાના ભાઈની આજ્ઞામાંથી વિરક્ત બન્યા. એક દિવસ શ્રમણસંઘની સંમતિ મેળવ્યા વિના જ એકાકીપણે નાગીલાને મળવા સુગામ ગામના પાદરે આવી પહોંચ્યા.
ગામના પાદરે પ્રવેશતાં જ એક સ્ત્રીને પ્રશ્ન પૂછ્યો, “ભદ્ર! અહીં આર્યવાન શ્રેષ્ઠી અને રેવતીની પુત્રવધૂ નાગીલા મને ક્યાં મળશે?” . .
સ્ત્રીએ જવાબ આપતા પૂછવું : “કેમ, તમારે નાગીલાનું શું કામ હતું?” ભવદેવ બોલ્યા, “હું નાગીલાને મળવા માટે જ આવ્યો છું. હું-હું નાગલાનો પ્રિય ભવદેવ છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org