________________
૧૫૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
ત્યારે બપોરના સમયે લાગેલ ભૂખ છતાંય શુભભાવમાં આવી કોઈ અતિથિની વાટ જોઈ પછી વાપરવાનો વિચાર કરવા લાગ્યો. ભાવના ફળી જેથી કોઈ ગૃહસ્થ અતિથિ નહિ, પણ જૈન મુનિવરો જ માર્ગ ભૂલ્યા તે વનમાંથી પસાર થતા જોયા. આ નયસારે ભાવપૂર્વક અતિથિ મહાત્માઓ સન્મુખ જઈ ભોજનથી પ્રતિલાભિત કરી છેલ્લે મુનિરાજોને માર્ગ દેખાડવા પણ સાથે ચાલ્યો. તેનો ભાવોલ્લાસ અને ભદ્રિકતા દેખી અતિથિ મુનિવરોએ ધર્મનું સામાન્ય સ્વરૂપ તથા નમસ્કાર મહામંત્ર શીખવ્યો. બસ આ જ ધન્ય વેળાએ ધર્મની ખરી પ્રાપ્તિરૂપ સમ્યક્ત્વ નયસારના જીવને સ્પર્શી ગયું, જેથી આતિથ્યધર્મના તાત્કાલિક ફળરૂપે ધર્મભાસ્કર ઉદય પામી ગયો.
કાળક્રમે વિકાસ કરતો તે જ નયસારનો જીવ આદિનાથનો પૌત્ર મરિચિ બન્યો. કપિલ નામના શિષ્યને બનાવી સાંખ્ય મતના સંસ્થાપનમાં નિમિત્ત બન્યો. ત્રિદંડી બ્રાહ્મણવેશમાં જીવન વિતાવી અન્ય ભવો પણ અજૈન કુળમાં કર્યા, છતાંય ધર્મમય પ્રગતિ થતી રહેવાથી ભવો પછી વાસુદેવ બન્યો અને ચક્રવર્તી તરીકે પણ અવતાર લીધો. અંતે અંતિમ ભવ તો પ્રગતિની પણ પરાકાષ્ઠા જેવો તીર્થંકરરૂપે થયો. ઇતિહાસકારોનો પ્રશ્ન એ છે કે જો નયસારના ભવમાં આતિથ્યનું ઔચિત્ય સંભાળવાની તક ન મળી હોત તો નયસારનો જીવાત્મા ઉન્નતિ પામી મહાવીર પરમાત્મા શું બની શક્યો હોત?
પ્રભુ વીર તરીકેના ચરમ ભવમાં પણ ઘોર તપસાધના વડે કર્મોનાં કલંક ધોઈ નાખ્યાં. જે કાળે સ્ત્રીઓ દાસી તરીકે બજારમાં વેચાતી હતી, તુચ્છ ગણાતી હતી તથા નારી અપમાનનું વાતાવરણ વિષમતાયુક્ત વ્યાપેલું હતું ત્યારે આ જ પરમાત્માએ પોતે અતિથિરૂપે વસુમતી, રેવતી, સુલસા, જયંતી વગેરે શ્રાવિકાઓના ગુણો દેખી તેમની પ્રગતિમાં સુંદ૨ ફાળો નોંધાવ્યો છે. સ્વયં તીર્થપતિ હોવાથી જયાં જ્યાં પણ અતિથિ સ્વરૂપે ઘોર તપનું પારણું કરતા રહ્યા, ત્યાં ત્યાં પંચ દિવ્યો પ્રગટતા રહ્યા અને તેમનું આતિથ્યસત્કાર કરનાર સ્વયંનું કલ્યાણ પામતા રહ્યા. આવા મહાપુરુષો થકી જ આર્યક્ષેત્રમાં આજે પણ આતિથ્યસત્કાર અને સાધર્મિક વાત્સલ્ય, સંઘ બહુમાનની ભાવનાઓ જીવંત અને જાગૃત પણ છે.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org