________________
૧૪o ]
[ જૈન પ્રતિભાદર્શન
૭. સંઘના સાધર્મિક ઉપરના પ્રેમનો પરિચય આપી રાજા વિમલવાહને દુકાળની અવસ્થામાં સૌની ઇચ્છા-અપેક્ષાઓ પૂર્ણ કરી અને વાત્સલ્યના પ્રભાવે-પ્રતાપે તીર્થંકર નામકર્મ પણ બાંધી લીધું, જેના ઉદયકાળે તેઓ ત્રીજા સંભવનાથ પ્રભુ તરીકે ઓળખાયા છે.
૮. સિંહમુનિની વિનંતિથી પ્રભુએ તેઓને જ ગુરુભક્તિનો લાભ આપવા રેવતી શ્રાવિકાને ત્યાં રહેલ નિર્દોષ બીજોરાપાક વહોરી લાવવા સહમતિ આપી, જ્યારે તે જ દ્રવ્ય ઔષધીય ઉપચાર રૂપે વહોરાવતાં ચડતા પરિણામે શ્રાવિકા રેવતીએ પ્રભુ વીર પ્રતિ પ્રશસ્ત ભાવો થકી તીર્થકર નામકર્મ બાંધી લીધું જે રેવતી આવતી ચોવીશીમાં આ જ ભરતક્ષેત્રમાં ચિત્રગુપ્ત નામે સોળમા તીર્થંકર થશે. સુપાત્રદાન ક્યારેય નિષ્ફળ શાને જાય ?
૯. નાગ નામના રથકારની સ્ત્રી સુલસા શ્રાવિકાને સ્વયં પ્રભુ વીરે પરિવ્રાજક મારફત ધર્મલાભ પાઠવ્યા અને રાજગૃહ તરફ જઈ રહેલ અંબડને તેણીની કુશળતાપૃચ્છા કરવા જણાવ્યું. સમ્યફ દર્શનમાં નિર્મળ સુલસાની પરીક્ષા લેવાઈ જેમાં સંપૂર્ણ ઉત્તીર્ણ જાણી અંબડે તેણીની પ્રશંસા કરી પ્રભુનો સંદેશો પાઠવ્યો, જે સુણતાં જ સુલસાનાં રોમેરોમ વિકસ્વર થઈ ગયાં અને પ્રભુ દૂર છતાંય સ્વસ્થાનેથી ભાવપૂર્વક હર્ષાશ્રુ સાથે પ્રભુની સ્તુતિ કરી. આ જ શ્રાવિકા પોતાની દૃષ્ટિની નિર્મળતા થકી સ્ત્રી અવતાર પૂર્ણ કરી પ્રગતિ સાધી અંતે આવતી જ ચોવીશીમાં ભરતક્ષેત્રમાં જ પંદરમા તીર્થંકર તરીકે જન્મ લેશે અને અનેક જીવોના કલ્યાણનું કારણ બનશે. તેઓ નિર્મમ નામે તીર્થપતિ બનશે.
૧૦. કેવલ્યજ્ઞાન પ્રગટી ગયા પછી ગુણો તો પરાકાષ્ઠા પામે છે, છતાંય લાક્ષણિક ઘટના એમ બની કે કુર્મપુત્રને ગૃહસ્થાવસ્થામાં જ કૈવલ્યલક્ષ્મી વરી છતાંય અન્યને જાણ ન થઈ તેથી કેવળી બન્યા પછી પણ છેક છ-છ માસ સુધી માતા-પિતાની સેવા કરી, લોકોત્તર જ્ઞાન પામ્યા છતાંય લૌકિક બધાય વ્યવહાર સાચવ્યા ને જગમાં એક અનેરો આદર્શ દાખવી અપૂર્વ ઘટનાઓમાં ઉમેરો કર્યો.
૧૧. સત્યપ્રતિજ્ઞ અને ન્યાયપ્રેમી યુધિષ્ઠિરને જીવનમાં ઉતાર-ચઢાવ વચ્ચે પસાર થવું પડ્યું, અને એક વખત તો કંક નામના પુરોહિત બનવું પડ્યું છતાંય પોતાનો વિકસેલ ગુણ ન ખોયો બલ્ક તપાવેલું સોનું વધુ ઝળકે તેમ તેઓ આપત્તિઓમાં પણ ગુણસંપત્તિના મેળવનારા થયા, જે કારણે તેમને ધર્મરાજનું વિશેષણ પણ મળ્યું.
૧૨. પૂર્વભવના અજ્ઞાનદશામાં અપાયેલ કલંકનાં કર્મો ઉદયમાં આવતાં ઋષિદત્તાના માથે રાક્ષસીનું કલંક આવ્યું, પણ સમભાવે તે સહન કરી કર્મો ખપાવ્યાં અને અંતે હળુકર્મી બની ચારિત્રસાધના થકી કેવળી બની મોક્ષ પણ મેળવી લીધો.
૧૩. સિદ્ધરાજ જયસિંહથી ગભરાતા, ભાગતા-ફરતા કુમારપાળનાં સુંદર લક્ષણોને જ્ઞાનબળે જાણી તેના સુંદર ભાવિની ચિંતા કરતા આચાર્ય શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીએ એક વાર ખંભાતના જ્ઞાનભંડારમાં છુપાવી દઈ તેનું રક્ષણ કર્યું તે પછી તો વખત ગયે જયારે પૂર્વ આગાહી મુજબ કુમારપાળ રાજસત્તાનો માલિક બન્યો ત્યારે કલિકાળસર્વજ્ઞ ઉપર ઓવારી જઈ તેમને ગુરુપદે સ્થાપ્યા. આધેડ વયમાં ધર્મ પામી આત્મસાત્ એવો કર્યો કે સ્વયં ચારિત્ર મેળવવા ધરાર નિષ્ફળ રહ્યો છતાંય ગુર્વાજ્ઞાને તહત્તિ કરી જિનશાસનની પ્રભાવનાના માધ્યમે આગામી ચોવીશીના પ્રથમ તીર્થંકરના ગણધર બનવાનું સૌભાગ્ય મેળવી લીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org