________________
૧૩૨ ]
|| જૈન પ્રતિભાદર્શન
સદાચારિણી મદાલસાએ તો પોતાને પ્રાપ્ત પરમતત્ત્વનું જ્ઞાન પરાણે પોઢતા પુત્રને હાલરડાં ગાઈ ગાઈ અને ખોળામાં ખેલ કરાવી આપી દીધું. મદાલસાના માતૃપ્રેમની યશોગાથા ઇતિહાસે પ્રગટ કરેલી જ છે.
માતાના પેટમાં જ રહેલા અભિમન્યુએ પિતા દ્વારા કથન થઈ રહેલા ચક્રવ્યુહના છ કોઠા ભાંગી નાખવાની રીતિ-નીતિ મેળવી લીધી, અને માતા સુભદ્રાએ પણ ગર્ભસ્થ બાળના પુણ્ય પ્રતાપે સારું પોષણ આપ્યું. તે જ અભિમન્યુ મહાભારતના મહાયુદ્ધમાં પંદર વર્ષ જેવી કિશોરવયમાં છતાંય દ્રોણાચાર્ય, કર્ણ વગેરે કૌરવ પક્ષના મહારાજાને ભારે પડી ગયો, દગાથી તેનો સંહાર કર્યો ત્યારે સુભદ્રામાતા ઘણું રડી, પણ શ્રીકૃષ્ણ વીરપુત્રની વીરગતિની પ્રશંસા કરી વીરમાતાને સાંત્વન દીધું.
જોકે માતા-પિતાના ઉપકારનો પ્રત્યુપકાર અશકય છે, છતાંય માતાની મમતાળુ છાયામાં વિકસિત સજ્જનતા-સૌજન્યતા-સર્વાગી વિકાસની ઉપલબ્ધિનું વળતર સંતાને સમજણ થયા પછી તેઓને પણ સંયમપંથે ચડાવી કે સદાચારની સુવાસથી સમગ્ર સંસારને વાસિત કરી વાળવાની હોય છે.
અનાદિકાળથી ગર્ભજ જીવો ગર્ભિણી માતા પ્રતિ અદભુત આકર્ષણ ધરાવતા હોય છે, જેનું પ્રગટ સ્વરૂપ પશુ કે માનવયોનિમાં જન્મ લેનાર જીવમાં જોવા મળે છે; જે સ્વરૂપે માતા દ્વારા વિવિધ રૂપે વ્હાલનું પ્રદાન અને શિશુ દ્વારા વાત્સલ્યનું આદાન બની રહે છે. વાંદરીનાં બચ્ચાં માતાને વળગી પુખ્તાવસ્થાની પ્રાપ્તિ કરે છે, તે તો મર્કટબંધના નામે શાસ્ત્રમાં પણ વિખ્યાત છે જ.
આવા તો કેટલાય દાખલા-દષ્ટાંત દ્વારા આપણે સમાધાન મેળવી શકીએ છીએ કે સંસ્કૃતિનું મૂળ સદાચાર અને સદાચારનું મૂળ માતા. કયાંક, કયારેક કોઈની માતા પણ મારક બની માતૃત્વને લજાવી ગયાના સત્યોલેખ સાંપડે છે. છતાંય તેવી એકલ-દોકલ દુર્ઘટના, બાકીના ઇતિહાસ સર્જન પાછળ માતાની મમતા, વિશુદ્ધ સંતાનપ્રેમ, પરાર્થકરણ, સહનશીલતા, સાદગી, સદાચાર વગેરે સુતત્ત્વોનું સિંચન જ જશ ખાટી જાય છે. આ તો થઈ લૌકિક રજૂઆતઃ પણ જે આત્માએ આત્મકલ્યાણનો માર્ગ જાણી લીધો છે એણે તો માતાના કે પિતાના બંધનમાં રહેવું લગીર ન પાલવે, બલ્ક વખત આવ્યે માતાની માયાને શુષ્ક કરવા પોતે માયા કરીને પણ મિથ્થા લાગણીઓને વ્રજકુમારની જેમ ભેદી સંયમ-સન્યાસ લઈ લે તો તે લોકોત્તર માર્ગ કહેવાય. આમ અનંતર કે પરંપરાએ પણ માતાપિતાના ઋણને ફેડવાની બુદ્ધિથી જે જે આચરણ બુદ્ધિશાળી કરે છે તે આચરણને જ્ઞાનીએ પણ નવાજેલ છે.
માટે જ જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, એ વાતને લોકોત્તર શાસન અનેકાંતવાદથી સત્ય સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org