________________
૧૨૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
હણાયો, જે સાથે બધાય પુત્રોના પ્રાણ પરવારી ગયા. દઢ સમ્યક્ત્વના બળે આવતી ચોવીશીમાં તીર્થકર જેવી સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરનાર સુલસા શ્રાવિકાએ કલ્પાંત કર્યો, ત્યારે તેના હૈયાને હામ ને હૂંફ આપવા અભયકુમાર આવ્યા ને તેનાથી માતા સુલસા શાંત પડી. કર્મો જેમને તીર્થપતિ બનાવે ત્યારે ઠીક, પણ માતા બનાવે ત્યારે મમતાનો ઝરો સાથે જ મૂકી દે છે ને?
૭. માની આત્મહત્યામાં વલોપાત પામેલી વસુમતી છત્રીસહજાર સાધ્વીઓના સમુદાયના સૂત્રધાર બનનાર અને તે જ ભવમાં મોક્ષે જનાર પરમાત્મા વીરશાસનનાં મુખ્ય સાધ્વીજી ચંદનબાલાનો સાંસારિક જીવનચિતાર કંઈક ન્યારો જ ગયો. ચંપાપુરીના દધિવાહનની રાણી ધારિણી ને તેની પુત્રી વસુમતી (ચંદનબાળા) સાથે ઉપાડી જનાર સામાન્ય સુભટ હતો. માતા સાથે પુત્રી સુરક્ષિત હતી, પણ જ્યારે સૈનિકે માતા ધારિણીને પોતાની પત્ની બની જવા આગ્રહ કર્યો ત્યારે પાપભીરુ ધારિણીએ શિયળ બચાવવા જીભ કચડી આત્મહત્યા કરી નાંખી. સાવ શાંત ને સરળ ચંદનાનું મન ખળભળી ઊઠ્યું. વહાલસોયી માતાનું અકાળ મરણ આંખ સામે દેખી વસુમતી વિષાદવ્યથાથી ખૂબ રડી. હૈયાફાટ રુદનથી સુભટ પણ પીગળી ગયો ને તેને મા-દીકરીના ચિર-વિયોગે વેદનાયુક્ત કરી દીધો. તેની વાસના વરાળ બની ગઈ; આખોમાં આંસુ ધસમસી આવ્યાં, જીવનનું સત્ય સમજાણું અને ધારિણીનો ભક્ષક બનેલો તે ચંદનાનો રક્ષક બની ગયો, પોતાની પુત્રીતુલ્ય રાખવાનું વચન આપી ચંદનબાળાને શાંત પાડી, અને પોતાના ઘેર માનપૂર્વક લઈ આવ્યો.
૮. માતા સુનંદા ને પુત્ર વજકુમાર વણિક ધનગિરિ પત્ની સુનંદાને સગર્ભા સ્થિતિમાં મૂકી દીક્ષિત થઈ ગયો, પછીથી વજકુમારનો જન્મ થયો. ઘોડિયામાં જ રમતાં રમતાં જાતિસ્મરણ જ્ઞાન થયું ને દીક્ષા લેવાની ઇચ્છા થઈ. તેથી માની માયા છોડાવવા સતત રડવા લાગ્યો. છ માસ સુધી રડી રડીને માતાને હેરાન કરી નાખી, તેથી કંટાળીને સુનંદાએ પોતાના ઘેર જ પધારેલ તે બાળના પિતા મુનિ ધનગિરિને ગોચરીમાં બાળક વહોરાવી દીધો. નાનો વજકુમાર માતાનો વિયોગ પામી પિતા પાસે આવ્યો ને રડવાનું બંધ કર્યું. તેનાં ઉત્તમ લક્ષણ દેખી તેનો ઉછેર કરવા સિંહગિરિએ સાધ્વીજી મારફત કુમારને શ્રાવિકા તથા ધાવમાતાઓને સોંપ્યો. ત્યાં પણ કંટાળેલી સુનંદા પુત્રવિયોગના નવા દુઃખને ટાળવા જુદા-જુદા બહાને જઈ વાત્સલ્ય વહાવવા લાગી ને છૂપી રીતે ધવરાવી જતી હતી. હવે જ્યારે ત્રણ વરસનો કુમાર દેખાવડો અને શાણો લાગવા લાગ્યો ત્યારે પુત્રમોહમાં આવી સુનંદાએ મુનિ ધનગિરિ પાસે પુત્ર-માંગણી કરી. મુનિએ ના પાડી તેથી મામલો રાજદરબારે ગયો. રાજાએ તોડ કાઢ્યો કે બાળક જેને ચાહે તેને સોંપવામાં આવશે. માતા સુનંદાએ ભરસભામાં વજસ્વામીને પોતાના પ્રતિ આકર્ષવા, મનોહર રમકડાં ને મીઠાઈ વગેરે આગળ કર્યા, છતાંય બુદ્ધિશાળી વજકુમાર તેથી ન જ આકર્ષણો અને પિતામુનિએ ઓઘો આગળ ધર્યો તો તે લઈ નાચવા લાગ્યો. માતાની હાર થઈ. પુત્ર અને પિતાની જીત થઈ, પણ હકીકતમાં તેમાં પણ રહસ્ય હતું. માતાને કૃત્રિમ ત્રાસ આપી, સભામાં તેનો પરાભવ કરીને વજસ્વામીએ તેને પણ વૈરાગ્યવાસિત બનાવી દીધી. છૂપી રીતે માતાનું દૂધ પીધેલા તેણે માના ઉપકારનો બદલો વાળવા છૂપી રીતની ચાલ રમી માતાને પણ પ્રભુપંથની દીક્ષા અપાવી દીધી, ને ઉપકારનો બદલો વાળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org