________________
વળી, અઢી હજાર વર્ષનો વિચાર કરીએ તો કોઈક વ્યક્તિઓનું નામ અજાણતાં જ લક્ષ બહાર રહી જાય તો તે સંભવિત છે.
આ ગૌરવગ્રંથના પ્રોજેક્ટનું કામ ભાઈશ્રી દેવલુકે કેટલાંક વર્ષ પહેલાં તન, મન અને ધનથી | ઉપાડ્યું હતું. આવા બૃહદ્દાય વિષયમાં પૌરાણિક, પ્રાચીન, મધ્યકાલીન અને વર્તમાન સમય સુધીના ઇતિહાસમાંથી ભિન્ન ભિન્ન તેજસ્વી વ્યક્તિઓ વિશે જેમ જેમ માહિતી અને સામગ્રી મળતી ગઈ તેમ તેમ તે તે વિભાગમાં ઉમેરાતી ગઈ. પરંતુ એથી જ બધી સામગ્રી કાલાનુક્રમે ગોઠવવાનું થોડું કઠિન બને છે. વળી કેટલીક પ્રતિભાઓનું જીવનકાર્ય એક કરતાં વધુ વિભાગમાં બિરાજી શકે એમ છે. એથી પણ પૂર્વાપર ક્રમાં ક્યાંક ન સચવાય એ સ્વાભાવિક છે. પરંતુ હાલ તો આ ગ્રંથનો મુખ્ય આશય તો ઉપલબ્ધ બધી સામગ્રી એક જ સ્થળે સુલભ કરી આપવાનો જ છે, જેથી ભવિષ્યના લેખકો - સંશોધકોને તે સરળતાથી પ્રાપ્ત થઈ શકે. ભવિષ્યની નવી પેઢીના લેખકો, સંશોધકો, કલાકારો, વિદ્યાર્થીઓને આમાંથી ઘણી માહિતી ઉપયોગી થઈ પડશે અને બીજી બાજુ નવી નવી માહિતી ઉમેરાતાં અને સંશોધનો થતાં એમાં સુધારા - વધારા કરવાનો ઠીક ઠીક અવકાશ રહેશે. હાલ તો જેમની બહુ ખબર નથી એવા જૈન-જૈનેતર વર્ગને આશ્ચર્યમુગ્ધ કરી દે એવી રસિક અને રોમાંચક, પ્રેરક અને પ્રભાવક એવી સામગ્રી વિનાવિલંબે આપવાનો ઉપક્રમ અહીં રખાયો છે.
વર્તમાન સમયમાં ટી.વી. કોમ્યુટર વગેરે માધ્યમો દ્વારા એક દેશ કે પ્રજાની માહિતી દૂર દૂરના બીજા દેશોની પ્રજાઓ સુધી પહોંચવા લાગી છે. ધાર્મિક, સાહિત્યિક, વેજ્ઞાનિક અને અન્ય પ્રકારના વિષયો માટે સીમાડાઓ વિસ્તરતા જાય છે. એમાં આવા આકારગ્રંથો બહુ મદદરૂપ નીવડશે. હવે તો ટી.વી. અને ચલચિત્રોએ લોકો ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું છે. એટલે જૈન સાહિત્યમાંથી પણ કાલ્પનિક અને ઐતિહાસિક વૃત્તાન્તો પસંદ થશે. તીર્થંકર પરમાત્મા કે શ્રમણ-શ્રમણી ભગવંતો વિશે કદાચ ચલચિત્રો ઉતારવાં હોય તો તેમાં કેટલીક મર્યાદાઓ રહે છે અને રહેવી જોઈએ. પરંતુ ગૃહસ્થ પ્રતિભાઓ વિશે એવી મર્યાદાઓનો પ્રશ્ન એટલો વિકટ નથી. એટલે આ જૈન પ્રતિભાદર્શન' ગ્રંથમાંથી ઉપલબ્ધ થયેલી ઐતિહાસિક માહિતીના આધારે ટી.વી.ની સિરિયલો કે ચલચિત્રો તૈયાર થશે એવી સંભાવના રહે છે. એમાં જો કોઈ બાધકતા ન હોય અને ધર્મસિદ્ધાન્ત અનુસાર તે થાય તો લોકરંજન સાથે ધર્મબોધનું મહત્ત્વનું સાધન તે બની શકે એમ છે.
ભાઈશ્રી નંદલાલ દેવલુકે પોતાના જીવનની ઉત્તરાવસ્થામાં આ ગ્રંથરત્નના પ્રકાશન પાછળ જે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે એ અનુમોદનીય છે. જેને સાહિત્યના ઇતિહાસમાં આ ગ્રંથનું યોગદાન બહુ મૂલ્યવાન ગણાશે એ નિઃશંક છે.
એકલે હાથે શાસનસેવાનું અને સાહિત્યસેવાનું આવું ભગીરથ કાર્ય કરવા માટે ભાઈશ્રી નંદલાલ દેવલુકને ખૂબ ખૂબ ધન્યવાદ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org