SearchBrowseAboutContactDonate
Page Preview
Page 965
Loading...
Download File
Download File
Page Text
________________ પરના ભાવ એમણે સચોટ રીતે વ્યક્ત કર્યા છે. પ્રત્યેક પાત્ર શાંત છે. ચહેરા પર પરિતોષ પથરાયેલો છે. જીવનનો ઉલ્લાસ તરે છે. પ્રવૃત્તિનો આનંદ ઓછો નથી, માટે એ જ ચિત્રો રસપ્રદ બન્યાં છે. સવજી છાયાનાં મનોવલણનું આ દર્શન છે. વળી એમણે કાળી શાહીનો જ ઉપયોગ કર્યો છે. પાતળી નિંબ દ્વારા રેખાંકન કર્યું છે, જે પાકી સાધના માગી લે છે. શાંતિ અને નિરાંતે સવજી છાયાએ નિજાનંદ ચિત્રોનું સર્જન કર્યું છે. કશી ઉતાવળ નથી. કમાણીનું લક્ષ્ય નથી. કલા ખાતર કલાનો આદર્શ રાખ્યો છે. બારીક રેખાઓ દ્વારા પાત્રના વ્યક્તિત્વને ઉઠાવ આપ્યો છે, જે મનભર બન્યો છે. વળી એમાં એ પ્રદેશની લાક્ષણિકતાનું હૂબહૂ ચિત્રણ થયું છે. ભરવાડનું ચિત્ર જુઓ કે બનીની હુનર કરતી સ્ત્રીનું ચિત્ર જુઓ કે ગૃહલક્ષ્મીનું ચિત્ર જુઓ, પ્રત્યેકમાં આગવો મિજાજ છે. ગૃહલક્ષમીની આંખમાં શાંત પ્રતીક્ષા છે. તરણેતરના સૌંદર્યને જે રેખાંકનમાં ચિત્રિત કર્યું છે તેમાં પાત્રનું કૌતૂહલ આંખ દ્વારા વ્યક્ત થયું છે, તો ખુમારી પણ છે જ. | ‘ભારતની અસ્મિતા' એ ચિત્રમાં ખંડિત શિલ્પને ચિત્રિત કર્યું છે. એ આંખમાં અજબનું કામણ કર્યું છે. એ ભવ્ય અતીતને યાદ કરાવી દે છે. “રબારી’ એ ચિત્રમાં પાઘડી, હાથમાં હોકલી, ગળામાં માળા, કાનમાં ઘરેણું અને વિશેષ તો જીવનનો નશો વ્યક્ત કરતી આંખો દોરીને અજબની આકૃતિ ઉપસાવી છે. ચિત્ર જાણે હમણાં બોલશે. વય તો ખાસ્સી છે છતાં ય ચહેરા પર ક્યાંય થાક નથી. નિરાશા નથી હતાશા નથી. અપેક્ષા નથી. છે નિજમાં નિમગ્ન વ્યક્તિત્વ! આ રેખાંકનો-રેખાચિત્રોની રીતિમાં સવજી છાયાનું પ્રયોગાત્મક વલણ નથી પરંતુ પાત્રગત ભાવનું આલેખન એ વિશિષ્ટતા છે. પરંપરાની રેખા લંબાવાઈ છે. અભિવ્યક્તિનું લાલિત્ય કળાકારની સાત્ત્વિક વૃત્તિને નિર્દેશે છે. Portrait રેખાચિત્ર સાથે સવજી છાયાનાં ચિત્રવિશ્વનું અનેરું પાસું છે સૂર્યનું ચિત્રાલેખન. સૂર્ય ઊર્જાનું પ્રતીક છે, પરંતુ માત્ર પ્રતીક-symbolથી સવજી છાયા અટક્યા નથી. એમનાં સૂર્યચિત્રોમાં સૂર્યને મનુષ્ય કલ્પીને એની વિવિધ મુદ્રાઓનું ચિત્રણ કર્યું છે. એ મદારી છે, તો વરસાદમાં છત્રી ઓઢે છે. દૂરબીનથી તારાઓ જુએ છે. અરીસામાં મુખ જોઈને વાળ ઓળે છે. ગૂંચળાયુક્ત કિરણો કેશરૂપે દર્શાવ્યાં છે. સૂર્ય જ ખેતરનો ચાડિયો છે, તો જાદુગર પણ છે. વિદ્યાર્થી છે તો નેતા પણ છે. એ ચાનો સ્વાદ લે છે તો મદિરાનો સ્પર્શ એને વર્ય નથી. દુકો પીએ છે. ક્રિકેટ રમવાનો શોખીન છે. પતંગ ચગાવે છે. સૂર્યનાં આ વિવિધ રૂપો દ્વારા ચિત્રકારે એમાં માનવીય રૂપનું આલેખન કર્યું છે. સંસ્કૃતિની ગતિ વિવિધ કળામાં આમ જ સંપૂક્ત થતી હોય છે. એ કાળ, એ સ્થળ ચિત્રમાં સ્થાન પામે છે. સવજી છાયાએ સૂર્યનાં ચિત્રોમાં લોકપરંપરાથી માંડી આધુનિક યુગ સુધીની વાતને વણી લીધી છે. અરે, સાંતાક્લોઝ પણ આવી જાય છે! એ જે ભેટ લાવ્યા છે તે આપણી લોકપરંપરાની છે, જે ભારતીય વિભાવના મુજબ છે. તલવાર સાથે લગ્ન કરવા જતા વરરાજાનું આલેખન કર્યું છે. આ સંસ્કૃતિની ગતિ છે. સૂર્ય એનો સાક્ષી છે. ભારતીય પરંપરામાં સૂર્યને દેવ તો માનવામાં આવ્યો છે. વળી એનું પ્રત્યક્ષ દર્શન કરી શકાય છે. આથી સૂર્ય સહજ જ પ્રજાનો દેવ બની જાય છે. લોકમાં કહેવાય છે–સૂરજ-ચંદાની સાખે. આપણાં સુખદુઃખ, આનંદ અને ભાવનાનો પડઘો એ ઝીલે છે. આથી એ આપણો દેવ છે. આ ચિત્રોમાં એના દેવત્વને આરક્ષિત રાખીને એની માનવસહજ ક્રીડાનું નિરૂપણ કર્યું છે. આ તદ્દન અનોખું આલેખન હોઈ કળાકારને અન્યથી નોખો પાડે છે. આમાં સૂર્યોપાસના કરતાં સૂર્ય સાથેનું સખ્ય વિશેષ ઊભરે છે. સૂર્ય સર્વત્ર વ્યાપ્ત હોવાની ભાવના વ્યક્ત કરાઈ છે. સવજી છાયાનાં આ ચિત્રોના અનુસંગે એમની કળાનું રૂપ આધ્યાત્મિક હોવાનું પ્રતીત થાય છે. આ જગતના નિયંતા પરત્વે એમને અપાર શ્રદ્ધા છે. એ સૂર્યનાં આલેખનો દ્વારા પમાય છે. આ કળાને કોઈ વાદનું છોગું લગાડ્યા વગર કહી શકાય કે સવજી છાયાની કળા મનુષ્યની ભીતરી ભાવનાનું સુરમ્ય ગાન છે. એમનાં ચિત્રોમાં આયાસ નહીં, સહજતાનો આનંદ છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy