SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કીર્તન, કથાવાર્તા, શોભાયાત્રાનાં આયોજનો થતાં રહેતાં. પરિણામે નાનપણથી જ ચારે બાજુના ભક્તિમય વાતાવરણમાં મારો ઉછેર થતો રહ્યો. ગામમાં પૂ. પ્રેમલ મહારાજનો એક આશ્રમ પણ છે. એમાં નિત્ય ભજનો અને સત્સંગ ચાલતાં રહે. દર ગુરુવારે થતા દત્તભજનમંડળમાં અભ્યાસકાળથી જોડાવાનો લાભ મળ્યો હતો. પૂ. પિતાજી પણ ધર્મપ્રેમી અને સત્સંગપ્રિય હોવાથી ગામમાં આવતા સંત–ભક્તોને અમારા ઘેર ભોજનપ્રસાદ માટે લાવતા. કથા-સપ્તાહ કે ચાતુર્માસ નિમિત્તે આવતા સંતોને સાંભળવા જતાં પિતાજી અમને સાથે લઈ જતા અને ક્યારેક અમને એકલા મોકલી આવા સાધુભક્તોનો સત્સંગ કરવા પ્રોત્સાહિત કરતા. બાળપણમાં મળેલા આ ભક્તિસંસ્કારોને યુવાન વયમાં વધુ અનુકૂળ પવન મળી ગયો. કોલેજકાળમાં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલી નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું થયું. એના કારણે સ્વામી રામકૃષ્ણ અને વિવેકાનંદનાં લખાણોનો અભ્યાસ થઈ શક્યો. સ્પર્ધામાં ઇનામોની સાથે આવા સંતોનું ચિંતન મળ્યું તે વધુ પ્રેરણાદાયી નીવડ્યું. અભ્યાસ બાદ સ્વીકારેલા શિક્ષણકાર્ય દરમ્યાન ભાદરણમાં વસવાટ થયો તે વધુ પ્રભાવશાળી અને ઉત્સાહપ્રેરક નીવડ્યો. અહીં પૂરાં છત્રીસ વર્ષના કોલેજના અધ્યાપનકાળ દરમ્યાન ચરોતરના ઉત્તમ સંતોનો પ્રત્યક્ષ પરિચય અને સીધો સત્સંગ પ્રાપ્ત થયો. ભાદરણના દાનેશ્વરી મુ. ચૂનીભાઈ ફૂલાભાઈ પટેલના નિવાસે પ્રતિવર્ષ ત્રણ મહાસંતોનું અનોખું મિલન થતું. નડિયાદના પૂ. મોટા, દંતાલીના પૂ. સચ્ચિદાનંદજી અને ભાદરણના પૂ. કૃષ્ણાનંદજી જેવા સંતોનો ત્રિવેણીસંગમ રચાતો એ સાથે ભાદરણમાં જન્મેલા પૂ. દાદા ભગવાનનો પણ વચ્ચે વચ્ચે લાભ મળતો રહેતો. આમ ભાદરનિવાસ મારા અધ્યાત્મજીવનમાં અતિ મહત્ત્વના વળાંકચિહ્ન રૂપે અંકિત થઈ ગયો, જે મારું સદ્ભાગ્ય ગણું છું. શાંતિઆશ્રમ, ભાદરણનું નિર્માણ મૂળ તો પરગામથી ભાદરણમાં આવતા સાધુસંતોના રાતવાસો કે બેચાર દિવસના રોકાણ માટે થયું હતું, પરંતુ એક સૂરદાસ સંતે એમાં વધુ રોકાણ કરવાની શરૂઆત કરેલી. એ પછી ચાતુર્માસના હેતુથી સ્વામી કૃષ્ણાનંદ ત્યાં પધાર્યા. ગામના શિક્ષિત ભક્તોએ શરૂઆતના થોડા દિવસ એમની સાથે વાર્તાલાપ કરીને જાણ્યું કે આ મહાત્મા સાચે જ એક ઉત્તમ સંત છે, તેથી તેમને પાંચ ચાતુર્માસ ભાદરણમાં કરવા આગ્રહ કર્યો. એ દરમ્યાન આ સંતને પણ આ ભૂમિ યોગ-ધ્યાન માટે વધુ અનુકૂળ લાગી, એટલે પાંચ ચાતુર્માસ પછીય તેઓ ત્યાં જ રહ્યા Jain Education International ૬૩૧ અને અહીં જ તેમનો દેહોત્સર્ગ થયો. આમ લગભગ ૩૬થી વધુ વર્ષ પૂ. કૃષ્ણાનંદે અહીં વિતાવ્યાં હતાં. એમને મળવા ગુજરાત અને પરપ્રાંતના સાધુસંતો પણ આવતા. સંસારી ભક્તોની સાથેના વાર્તાલાપો–પ્રશ્નોત્તરી અને અન્ય સંતો સાથેની ચર્ચાઓ સાંભળતાં મારા અધ્યાત્મજ્ઞાનની ક્ષિતિજો વિસ્તરવા લાગી. પરિણામે આવા લેખનની જવાબદારી સ્વીકારવાની પાત્રતા કેળવાઈ. અહીં જે કંઈ લખાયું છે તે આ સંતભક્તોનાં પોતાનાં લખાણો ઉપરાંત એ બધા વિશે અભ્યાસીઓએ અધિકારપૂર્વક લખેલી સામગ્રીના અભ્યાસને આધારે તારવેલી વિગતો છે, એટલી સ્પષ્ટતા યોગ્ય સમજુ છું. જે પુસ્તકો-ગ્રંથોની સહાય લીધી છે તેમનો નામનિર્દેશ લેખના અંતમાં મેં કૃતજ્ઞતાપૂર્વક નિર્દેશ કર્યો છે. પૂર્વસૂરિઓ • ગુજરાતની પ્રજા ધર્મપ્રેમી રહી છે એટલું જ નહીં, ધર્મસ્વીકૃતિ માટે વધુ ઉદારચરિત પણ રહી છે. આ રાજ્યમાં જેટલા ધર્મો વિકસ્યા એટલા ભાગ્યે જ દેશના અન્ય રાજ્યોમાં વિકસ્યા હશે. તેનું મૂળ પ્રાચીનકાળમાં સ્થપાયેલી રાજ્યની સ્વસ્થ સંતપરંપરામાં રહેલું છે. ગુજરાતના આદ્ય સંતો અને ભક્તકવિઓમાં નરસિંહ–મીરાંનું નામ એકસાથે લેવાય છે. જૂનાગઢમાં જન્મેલા નરસિંહને બાળવયમાં માપિતા ગુમાવતાં ભાઈભાભીના સહારે ઊછરવું પડ્યું. ભાભીનાં કટુવચનો સાંભળી નાની વયે ઘર છોડી જંગલમાં ગયા. એક અપૂજ શિવાલયમાં તપ કરતાં મહાદેવજી પ્રસન્ન થયા. સદેહે કૃષ્ણની રાસલીલાનાં દર્શનનો લાભ લઈને પોતાના ઘેર પાછા વળ્યા. બાળવયથી જ ભક્તિમાં લાગવા છતાં સ્વજનોએ લગ્ન કરાવ્યાં. પુત્ર–પુત્રીના જન્મબાદ પત્ની મરણ પામતાં તેમણે ગાયું “ભલું થયું ભાંગી જંજાળ............ નરસિંહના ગૃહજીવનની તમામ વિપત્તિઓ ભગવાને જુદા જુદા રૂપે આવીને દૂર કરી આપ્યાના પ્રસંગો આજેય ગુજરાતી પ્રજામાં ચમત્કારરૂપે દંતકથા બની ગયા છે. એ બધાનું વર્ણન કરતાં એમનાં પદો ઉપરાંત તત્ત્વચિંતનનાં કાવ્યો ગુજરાતી પ્રજામાં ‘પ્રભાતિયાં’ નામે આજેય ગવાય છે. ‘રાત રહે જ્યા હરે......’, નીરખને ગગનમાં...', ‘સુખદુઃખ મનમાં ન આણીએ.....' ઉપરાંત વૈષ્ણવજન' જેવાં તેનાં પદોથી આજે પણ આ ભક્તકવિને ગુજરાત યાદ કરે છે. પરપ્રાંતમાં જન્મેલી મીરાંબાઈ પણ ગુજરાતીમાં રચાયેલાં તેનાં ભજનોથી આ પ્રજામાં ખૂબ જાણીતી બની છે. વર મેળવવાની તેની બાળહઠ સંતોષવા કૃષ્ણની મૂર્તિ આપી તેને કહેવાયું કે “લે, આ જ તારો વર!”—રમૂજને સત્યરૂપ સ્વીકારી મીરાં સમગ્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy