________________
૪૨
પૂજ્યશ્રીના જીવન - કવનની એક ઝલક
જૈન ધર્મનાં સાતેય ક્ષેત્રોનાં પાતળાં પડેલાં વહેણોને પુનઃ ખળખળ વહેતાં ઝરણાં રૂપે પરિવર્તિત કરનાર અને વીસમી સદીના શાસન-પ્રભાવક આચાર્ય ભગવંતોમાં મૂર્ધન્ય સમા આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજીના લઘુબંધુ અને શિષ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ પોતાની વિદ્વત્તા, શાસ્ત્રાધ્યયન અને પ્રભાવક પ્રવચનશક્તિના યોગે શુક્રતારકની જેમ ચમકી રહ્યા છે.
આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી એમની સંયમસાધનામાં ક્યાંયે ક્ષતિ ન આવે એની પૂર્ણ કાળજી રાખવા સાથે, પ્રાચીન હસ્તપ્રતોના સંશોધન-સંપાદનના વિદ્વત્કાર્યમાં, આગમવાણીથી માંડી પૂર્વસૂરિઓએ વહાવેલી ગીતાર્થગંગાને આત્મસાત કરવામાં તો પ્રવૃત્ત છે જ, તે ઉપરાંત વિવિધ ભાષા-સાહિત્યના વાચન પ્રત્યે ઉત્કટ પ્રીતિ ધરાવે છે. કાવ્યમીમાંસા, છંદોવિધાન, શિલ્પ-સ્થાપત્ય, મૂર્તિવિધાનથી માંડી વનસ્પતિ, ઔષધ અને આરોગ્યશાસ્ત્રના વૈવિધ્યપૂર્ણ વિષયો પરત્વે એમનાં રસરુચિ અને જિજ્ઞાસા તીવ્ર અને નિઃસીમ છે. એમની વાણીમાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુવાસ ફો૨ે છે, તો આધુનિક ગુજરાતી સાહિત્ય સાથેનો એમનો સંપર્ક ગુજરાતીના ઘણા અધ્યાપકોનેય શરમાવે એવો છે. સુંદર કવિતા અને સુંદર ગદ્યના એ ચાહક છે. સમાસચિત કઠિન વર્ણરચનાવાળા સંસ્કૃત શ્લોકો તેઓ અસ્ખલિત કંઠસ્થ બોલી શકે છે અને કહેવાનું મન થાય કે ઉચ્ચારશુદ્ધિ તો એમની જ.
આવા બહુપ્રતિભ આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીનો જન્મ સંવત ૨૦૦૩ના આસો વદ ૧૨ના રોજ જંબુસર પાસે અણખી ગામે થયો. સંસારી નામ પ્રવીણકુમાર. વસવાટ સાબરમતીમાં. આખોયે પરિવાર ધર્મના ઉત્કટ રંગે રંગાયેલો. એક જ કુટુંબના પાંચ સભ્યોના દીક્ષા-અંગીકાર દ્વારા જૈન શાસનને આ પરિવાર સમર્પિત થયો છે. ૧૩ વર્ષની વયે સં. ૨૦૧૭માં માગસર સુદ ૫ના રોજ પ્રવીણકુમારે સુરત ખાતે પૂ. આ. મેરુવિજયજી મહારાજના વરદ હસ્તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, અને પોતાના વડીલબંધુ મુનિરાજ શ્રી હેમચંદ્રવિજયજીના શિષ્ય મુનિ પ્રદ્યુમ્નવિજયજી બન્યા. મુનિ પ્રદ્યુમ્નવિજયજીનાં સળંગ ત્રણ ચાતુર્માસ (સં. ૨૦૨૨ થી ૨૦૨૪) પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં થયાં. તે દરમિયાન વિદ્વાન આચાર્યશ્રી ધર્મધુરંધરસૂરિજીના નિકટ પરિચયમાં રહેવાનું થતાં તેઓના આચારવિચાર અને જ્ઞાનસંસ્કારનો ઊંડો પ્રભાવ મુનિ પ્રદ્યુમ્નવિજયજી ઉપર પડ્યો. પ્રારંભમાં પોતાના ગુરુમહારાજ તેમજ વૈયાકરણ પંડિત શ્રી બંસીધર ઝા અને તે પછી દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન પંડિત શ્રી દુર્ગાનાથ ઝા પાસે કરેલા અભ્યાસના કારણે કોઈપણ વિષયને સૂક્ષ્મતાથી ગ્રહણ કરવાની શક્તિ તથા તે વિષયે સ્પષ્ટતાથી વિચારવાની દષ્ટિ એમને પ્રાપ્ત થઈ. સં. ૨૦૩૬માં સુરેન્દ્રનગર મુકામે ગણિ પદવી અને સં. ૨૦૩૬માં જેસિંગભાઈની વાડી, અમદાવાદ ખાતે પંન્યાસ પદવીથી વિભૂષિત થયા. તે પછી સં. ૨૦૫૨માં જૈનનગર, અમદાવાદને આંગણે, પંચપરમેષ્ઠિના તૃતીય પદ સમું આચાર્ય પદ એમને પ્રદાન થયું.
આચાર્યશ્રી વિજયપ્રધુમ્નસૂરિજીના વ્યક્તિત્વમાં સરળતા, નમ્રતા અને પારદર્શિતા છે. એમની પ્રથમ મુલાકાત લેનારને પણ એમના વ્યક્તિત્વનો ભાર લગીરે જણાતો નથી. એમની મુખમુદ્રાની પ્રસન્નતા અને નમ્ર હૃદયના માધુર્યની છાલક આપણા કાન્તિભાઈ બી શાહ હૈયાને ભીંજવી જાય છે. એમનું સાન્નિધ્ય સુખકર અને શાતાદાયક બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
ધન્ય ધરા
--
www.jainelibrary.org