SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ હાથમાં જાય તેમ આ ચોરપલ્લીમાં ગયો. ત્યાં નિર્દય ચરિત્રવાળા તેના વર્તનથી પોતાના જેવો જાણી ચોરના આગેવાને તેને પુત્ર સરખો માન્યો. તે ચોરસેનાપતિ મૃત્યુ પામ્યો એટલે તેનો પુત્ર જાણી તેના સ્થાને આ મહાપરાક્રમી છે, એમ જાણી તેને સ્થાપન કર્યો. તે દયા રહિત બની સર્વ પ્રાણીઓની હત્યા કરતો હતો, તે કારણથી લોકોએ તેનું દઢપ્રહારી એવું નામ પાડ્યું. એક દિવસ આખા વિશ્વને લુંટી શકે તેવા સુભટોના પરિવાર સાથે તે કુશસ્થલ નામના ગામને લૂંટવા માટે ગયો. ત્યાં આગળ દેવશર્મા નામનો મહાદરિદ્ર બ્રાહ્મણ હતો. ફળ વિનાના વૃક્ષ પાસે ફળની જેમ તેની પાસે તેના બાળકોએ ક્ષીર-ભોજનની માંગણી કરી. આખા ગામમાં રખડીને માંગી માંગીને ક્યાંયથી ચોખા, ક્યાંયથી દૂધ, ક્યાંયથી ખાંડ એમ આજીજી કરીને મેળવ્યા અને ખીર રાંધવાનું કહી પોતે જેટલામાં નદીએ સ્નાન કરવા ગયો. તેટલામાં તેના ઘરે તે ચોરો આવી પડ્યા, “દૈવ દુર્બલનો ઘાત કરનાર હોય છે.” તે ચોરોમાંથી એક ચોર તૈયાર થએલી ખીર દેખી એટલે સુધાતુર પ્રેત સરખો તે લઈને પલાયન થયો. પોતાના જીવિત સરખી ખીર લુંટાઈ જવાથી આઝંદન કરતાં બ્રાહ્મણના બાળકોએ પિતાજીને જઈને કહ્યું કે, ફાડેલી આંખવાલાનું કાજળ પવન હરણ કરે, તેમ મોં ફાડીને અમે ખાવાની રાહ જોઈ રહેલા હતા; એટલામાં ચોરો આવી અમારું ક્ષીરભોજન હરણ કરી લઈ ગયા. તેમનું વચન સાંભળી ક્રોધાગ્નિથી સળગેલો બ્રાહ્મણ યમદૂત માફક એકદમ ભુંગળ હથિયાર લઈને દોડ્યો. ક્રોધવાળો તે રાક્ષસ સરખા આવેશથી પોતાનું બળ હતું. તે સર્વ એકઠું કરી પશુ માફક ભુંગળથી ચોરોને મારવા લાગ્યો. ઉકરડાના કચરાને ફેંકે તેમ સાક્ષાતુ પોતાના સાથીદારો ચોરોને ફેંકાતા જોઈ તેનો સ્વામી તેને હણવા દોડ્યો, તે દોડતો હતો ત્યારે દેવયોગે તેની ગતિને રોકનાર જાણે દુર્ગતિના માર્ગને રોકવા માટે હોય તેમ ગાય વચમાં આવી તે બીચારી ગાયને દયા વગરના કસાઈ માફક અધમ એવા તે ચોર અગ્રેસર ભયંકર તરવારના એક ઝાટકાથી મારી નાંખી તેની સામે આવતા દરિદ્ર બ્રાહ્મણના મસ્તકને ફણસવૃક્ષના ફળ માફક તરવારના ફટકાથી ભૂમિ પર પાડી નાખ્યું. “અરે નિર્દય પાપી ? આ તે શું કર્યું? એમ બોલતી ગર્ભવાળી બ્રાહ્મણી તેની સામે આવી ત્યારે, વરુ જેમ ગર્ભવાળી બકરીને તેમ અતિભયંકર એવા તેણે તલવારથી તેને ચીરીને કોળા સરખા પેટના બે ટુકડા કર્યા ત્યારે જરાય વિંટળાએલા તેના ગર્ભના પણ બે ટુકડા થઈ ગયા. વેલડીનું જેમ પાંદડું તેવા પ્રકારનું તરફડતું બાળક જોયું, આવી રીતે તરફડતા ગર્ભને દેખી દયા વગરના પત્થર સરખા તેના હૃદયમાં પણ પાષણમાં પલ્લવ ઉગવા માફક કરૂણા પ્રગટી. ત્યાર પછી હા પિતાજી ! હા પિતાજી ! હા માતાજી ! માતાજી ! એમ કરૂણ વિલાપ કરતા બ્રાહ્મણના બાળકો તરત ત્યાં આવી પહોંચ્યા. નગ્ન ભૂખ્યા દુબળા દેહવાળા શરીર પર મેલ લાગેલો હોવાથી કાળા રંગવાળા બાળકોને દેખવાથી પશ્ચાત્તાપવાળા દઢપ્રહારીએ વિચાર્યું કે, નિર્દય એવા મેં આ બ્રાહ્મણ-દંપતિનો ઘાત કર્યો, હવે બિચારાં આ તેના બાળકો પાણી વગરના જળાશયમાં જેમ માછલાં તેમ કેવી રીતે જીવી શકશે ? આ કૂરકર્મ હવે મને દુર્ગતિમાં ખેંચી જશે. આ પાપથી ભય પામેલા મને બચવાનો કયો ઉપાય અને હવે મારે કોનું શરણું ? આમ ચિંતવતો અને વૈરાગી બનેલો હતો; દરમ્યાન પાપરૂપ રોગ માટે ઔષધ સમાન એવા સાધુઓને ઉદ્યાનમાં દેખ્યા. તેમને નમસ્કાર કરીને દઢપ્રહારી હત્યારાએ કહ્યું કે, હું પાપી છું એટલું જ નહિ પણ મારી સાથે બોલનાર પણ પાપી બને છે. કાદવથી ખરડાએલાને બીજો સ્પર્શ કરે તો તે, પણ કાદવથી ખરડાય છે. બાળક, સ્ત્રી, બ્રાહ્મણ, ગાય આમાંથી કોઈપણ એકનો ઘાત કરે તો નરકમાં જાય તો પછી નિર્દય એવા મેં આ ચારેનો ઘાત કર્યો ? મારા સરખા આવા નિર્દય પાપીને, તમે સાધુ ભગવંતો રક્ષણ કરવા સમર્થ છો. વરસાદ વરસે ત્યારે આ ફળદ્રુપ કે ઉખર ભૂમિ છે, તેવો કશો વિચાર કરતા નથી. હવે સાધુઓએ તેને યતિધર્મનો ઉપદેશ આપ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy