________________
પાંચમો પ્રકાશ
પ્રાણાયામ :
ૐ સર્વજ્ઞ પરમાત્મા શ્રી જિનેન્દ્ર ભગવંતને નમસ્કાર થાઓ. અહિં પાતંજલ આદિ અન્ય મતોના યોગાચાર્યોએ:- યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ યોગનાં આઠ અંગો મોક્ષનાં અંગ તરીકે સ્વીકારેલાં છે. (પાતા. ૨/૨૯) પરંતુ જૈનદર્શનકારો વાસ્તવિક રીતે પ્રાણાયામને મુક્તિના સાધનરૂપ ધ્યાનમાં સ્વીકારતા નથી. કારણ કે, તે અભ્યાસ વગર અસમાધિ કરાવનાર થાય છે. કહેવું છે કે :- અભિગ્રહ કરનાર પણ શ્વાસોચ્છવાસ રોકી શકતો નથી, તો પછી બીજી ચેષ્ટા કરનાર શ્વાસોચ્છવાસ કેવી રીતે રોકે? (હઠયોગના અભ્યાસ સિવાય તે રોકી શકાય નહિ) તેમ કરવાથી તત્કાલ મરણ થવાનો સંભવ છે. સૂક્ષ્મ ઉચ્છવાસ પણ શાસ્ત્રવિધિ પ્રમાણે જયણાપૂર્વક લેવો જોઈએ. (આ.નિ.૧૫૨૪) આમ હોવા છતાં પણ દેહ-આરોગ્ય, તેમજ કાલજ્ઞાનાદિકમાં પ્રાણાયામ ઉપયોગી હોવાથી અમે પણ અહિ તે વિષય કહીએ છીએ - ४६३ प्राणायामस्ततः कैश्चिद्, आश्रितो ध्यानसिद्धये ।
शक्यो नेतरथा कर्तुं, मनः-पवननिर्जयः ॥ १ ॥ ટીકાર્થ:- આસન-જય કર્યા પછી ધ્યાનની સિદ્ધિ માટે પ્રાણાયામનો પતંજલિ આદિ યોગાચાર્યોએ આશ્રય કરેલો છે. પ્રાણાયામ તે કહેવાય, જેમાં મુખ અને નાસિકાની અંદર ફરતા વાયુને સર્વ પ્રકારે રોકવો-તેની ગતિનો છેદ કરવો, એ પ્રમાણે કરવામાં ન આવે તો, મન અને પવનનો જય કરી શકાતો નથી. // ૧ //
પ્રશ્ન કર્યો કે પ્રાણાયામથી પવનનો વિજય કરી શકાય, તે વાત સ્વીકારી લઈએ, પણ મનનો વિજય કેવી રીતે બને? તેના સમાધાનમાં જણાવે છે કે – ४६४ मनो यत्र मरुत्तत्र, मरुद्यत्र मनस्ततः ।
अतस्तुल्यक्रियावेतौ, संवीतौ क्षीरनीरवत् ॥ २ ॥ ટીકાર્થ-જ્યાં મન છે, ત્યાં પવન છે અને જ્યાં પવન છે, ત્યાં મન છે. આ કારણે સમાન ક્રિયાવાળા તે બંને દૂધ-પાણી ન્યાયે એક સાથે મળીને જ રહેનારા છે.ll ૨ /.