________________
૪૦૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અહિ હુકમ ઉઠાવનાર સેવક દેવ થયો અને બીજાઓની વધારે વધારે સમૃદ્ધિ દેખી દેવો વિષાદ પામે છે. બીજા દેવોનાં વિમાનો, દેવીઓ, રત્નો અને ઉપવનોની સંપત્તિ દેખીને આખી જીંદગી સુધી સળગતી ઈર્ષ્યા-અગ્નિની જ્વાળાઓથી શેકાયા કરે છે. “હા, પ્રાણેશ ! હે દેવ ! મારા પર પ્રસન્ન થાવ' એમ ગગદાક્ષરે બીજાથી લૂંટાયા હોય અને સર્વ સમૃદ્ધિ ગુમાવી હોય, ત્યારે દીનવૃત્તિવાળા કરગરે છે. તે કાંદર્ષિક આદિ દેવોએ પુણ્યથી સ્વર્ગ પ્રાપ્ત કરેલું હોવા છતાં પણ કામ, ક્રોધ અને ભયથી પીડા પામતા સ્વસ્થતાને પામતા નથી. તે દેવલોકમાંથી ચ્યવી જવાનાં ચિહ્નો દેખીને વિલાપ કરે છે કે, હવે અહીંથી વિલય પામી કયાં ગર્ભમાં સ્થાન પામીશું ? તે આ પ્રમાણે- કલ્પવૃક્ષમાં ઉત્પન્ન થયેલી, કદી નહીં કરમાતી એવી પુષ્પમાળા દેવોના વદન-કમળ સાથે જ કરમાવા માંડે છે. હૃદય સાથે સમગ્ર સંધિ-બંધનો ઢીલાં પડે છે અને મહાબળવાળાથી પણ ન કંપે તેવા કલ્પવૃક્ષો ધ્રૂજવા માંડે છે, અકાલ–સમયે સ્વીકારેલી પ્રિયાની સાથે જ જાણે હોય તેવી શોભા અને લજ્જા ગુનો કરેલા દેવતા માફક છોડીને ચાલી જાય છે વસ્ત્રોની નિર્મળ શોભા ક્ષણવારમાં મલિન બની જાય છે. અકસ્માત ફેલાતા શ્યામ મેઘવડે જેમ આકાશ, તેમ પાપવડે નિસ્તેજ બની જાય છે. જે દીનતા વગરના હતા, તે દીનતાયુક્ત, નિદ્રા વગરના પણ નિદ્રાયુક્ત, મૃત્યકાળ કીડીઓને પાંખ આવે તેમ દીનતા અને નિદ્રાનો આશ્રય કરે છે, ન્યાય ધર્મનું ઉલ્લંઘન કરીને વિષયોમાં અતિરાગ કરનારા થાય છે અને યત્નપૂર્વક કરવાની ઈચ્છાવાળા અપથ્યને પણ ઈચ્છે છે. ભાવિ દુર્ગતિ થવાની છે અને તેની વેદનામાં વિવશ બનેલા માફક નીરોગી હોવા છતાં પણ સર્વ અંગોના અને ઉપાંગોના સાંધાઓ તૂટે છે, અકસ્માત્ પદાર્થ સમજવાની પટુબુદ્ધિ પણ ચાલી જાય છે અને બીજાની સંપત્તિનો ઉત્કર્ષ દેખવા માટે પણ અસમર્થ બની જાય છે. હવે ભાવમાં ગર્ભાવાસનું દુઃખ આવવાનું છે, તેના ભયથી હોય તેમ પોતાનાં અંગોને કંપાવતો બીજાને પણ બીવડાવે છે. પોતાનાં ચ્યવનનાં નિશ્ચિત લક્ષણો જાણીને અંગારાને આલિંગન કરવા માફક વિમાનમાં, નંદનવનમાં કે વાવડીમાં કયાંય પણ રતિ પ્રાપ્ત કરતો નથી. હા પ્રિયા ! હા મારાં વિમાનો ! હા વાવડીઓ ! હા કલ્પવૃક્ષો ! મારૂં દૈવ હણાયા પછી અને તમારો વિયોગ થયા પછી ફરી તમને કયારે દેખીશ? અહો ! અમૃતવૃષ્ટિ સરખું હાસ્ય, અહો ! અમૃત સરખા લાલહોઠ, અહો ! અમૃત ઝરનારી વાણી, અમૃતમય વલ્લભા ! હા ! રત્નોના ઘડેલા સ્તંભો, હા ! મણિજડિત કુટિમતલ, હા ! રત્નમય વેદિકા, હવે તમે કોનો આશ્રય કરશો ? હા ! રત્ન-પગથીયાવાળી, કમળો અને ઉત્પલોથી શોભાયમાન એવી આ પૂર્ણ વાવડીઓ કોના ઉપભોગ માટે થશે? હે પારિજાત! મન્દાર ! સંતાન ! હરિચંદન ! કલ્પવૃક્ષો ! તમે સર્વ પણ મને છોડી દેશો ? અરે રે ! સ્ત્રીના ગર્ભાવાસરૂપ નરકમાં પરાધીનપણે મારે વાસ કરવો પડશે ! અરે રે ! ત્યાં પણ વારંવાર અશુચિ રસનો આસ્વાદ કરવો પડશે ! અરે રે ! જઠરાગ્નિની સગડીમાં શેકાવા રૂપ દુઃખ મારાં કરેલાં કર્મથી મારે ભોગવવું પડશે ! રતિના નિધાન સરખી તે તે દેવાંગનાઓ કયાં ! અને અશુચિ ઝરતી બીભત્સ માનુષી સ્ત્રી કયાં ! આ પ્રમાણે દેવતાઓ દેવલોકની વસ્તુઓને યાદ કરી કરીને વિલાપ કરે છે અને તેમ કરતાં ક્ષણમાં દીવા માફક ઓલવાઈ જાય છે.
આ પ્રમાણે ચારે ગતિમાં રહેલા સંસારી જીવોને અહીં સંસારમાં સુખનો છાંટો પણ નથી. એટલું જ નહી, પરંતુ કેવળ માનસિક અને શારીરિક અતિશય દુઃખ જ છે, એમ સમજીને મમતાને દૂર કરવા માટે સતત શુદ્ધાશયથી જો તમે ભવના ભયને ઉચ્છેદ કરવા તૈયાર થયા હોય તો સંસારભાવનાનું ધ્યાન કરો. સંસાર-ભાવના કહી. છે ૬૭ |
હવે એકત્વ-ભાવના કહે છે -