________________
તૃતીય પ્રકાશ, શ્લો. ૧૧૯
૨૬૭
પહેલી’ એમ સ્પર્ધા કરી સંગીત કરતા હોય, ગાયકોના મધુર ગીતોના ધ્વનિએ દેવગાંધર્વ તુમ્બને પણ ઝંખવાણો કરી નાખેલ હોય, તેવું વળી જ્યાં નિરંતર કુલાંગનાઓ એકઠી થઈ તાળી પાડી રાસલીલા રમતી, દાંડીયા આદિના નૃત્ય કરતી, અભિનય-હાવભાવ કરતી દેખીને ભવ્ય લોકો ચમત્કાર પામતા હોય, અભિનયવાળા, નાટકો જોવાના ઉલ્લાસથી આકર્ષાએલા ક્રોડો રસિક લોકો જ્યાં ઉતરી આવે છે, એવા જિનમંદિરોને ઉંચા પર્વતના શિખર ઉપર, અથવા જ્યાં જ્યાં જિનેશ્વરોના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણ, થયાં હોય, તેવા કલ્યાણક સ્થાનમાં સમ્મતિ મહારાજની માફક દરેક નગરમાં, દરેક ગામમાં, શેરીએ શેરીએ અને સ્થાને સ્થાને બંધાવવા જોઈએ. એ મહાશ્રીમંત શ્રાવકનું કર્તવ્ય છે પણ તેવો વૈભવ ન હોય તો છેવટે તૃણ-કુટીર જેવું પણ જિનમંદિર કરાવવું કહ્યું છે કે – “જે જિનેશ્વરભગવંત માટે માત્ર ઘાસની કુટીર જેવું નાનું મંદિર બનાવે તથા ભક્તિથી માત્ર એક પુષ્પ તેમને ચડાવે તેના તેટલાં પુણ્યનું માપ પણ કેવી રીતે કરવું ? તો પછી જેઓ મજબૂત નક્કર પાષાણ-શિલા-સમૂહને ઘડાવીને મહામંદિર બંધાવે, તેવા ઉદાર શુભભાવનાવાળા પુરૂષો ખરેખર મહાભાગ્યશાળી છે.
વિશિષ્ટ વૈભવવાળા રાજા વગેરે જિનમંદિર બંધાવે અને તેઓએ તેના નિર્વાહ અને ભક્તિ માટે ઘરો ભંડાર-ધન, ગામ, શહેર તાલુકો કે ગોકુલ વિગેરેનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે જિનભવન-રૂપ ક્ષેત્રમાં પોતાનું ધન વાવવું તથા જીર્ણ જૂના થઈ ગયેલાં પડી ગએલાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવવો. નાશ પામેલાં કે બીજાના કબજામાં ગએલાં જિનમંદિરોનો કબજો લઈ તેનું રક્ષણ કરવું.
પ્રશ્ન - નિરવદ્ય અર્થાત્ પાપરહિત જિનધર્મ આચરનાર ચતુર શ્રાવકે જિનભવન, જિનબિંબ, જિનપૂજા આદિ કરવા ઉચિત જણાતા નથી. કારણકે તે કરવામાં છકાય જીવોની વિરાધના થાય છે. જમીન ખોદવી, પત્થર, ઈંટ, પાટડા લાવવા, ખાડા પૂરવા, ઈંટો ચણવી પાણીમાં ભીંજાવવી વગેરેમાં વનસ્પતિ-ત્રસકાયની વિરાધના” કર્યા વગર જિનમંદિર બંધાવી શકતું નથી.
સમાધાન :- જે શ્રાવક પોતાના માટે અને કુટુંબ માટે આરંભ પરિગ્રહમાં આશક્ત બની ધનઉપાર્જન કરે છે તેનું કરેલું ધન ઉપાર્જન નિષ્ફળ ન જાય તે કારણે જિનભવન આદિકમાં ધનવ્યય થાય, તે કલ્યાણ અને પુણ્યનું કારણ ગણેલું છે. “પરંતુ ધર્મમાં ખર્ચવા માટે ધન ઉપાર્જન કરવાનું હોતું નથી, કારણકે ધર્મ માટે જે ધન કમાવવાની ઈચ્છા છે, તેના કરતા તો તેવી ઈચ્છા ન કરવી તે જ વધારે સારી ગણાય. કારણકે કાદવામાં પગ ખરડીને ધોવો તે કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો તે ઉત્તમ છે” (મહાભારત વનપર્વ ૨/૪૯), વળી જિનમંદિર વગેરે બાંધવા તે વાવ, કૂવા, તળાવ આદિ ખોદાવા માફક અશુભ કર્મબંધનું કારણ નથી, કારણકે ત્યાં તો ચતુર્વિધ શ્રીસંઘનું વારંવાર આગમન, ધર્મદેશના - શ્રવણ, વ્રત સ્વીકારવાં અને એવા શુભ કલ્યાણ કરનાર ધર્મકાર્યો જ થાય છે અને તે શુભ પુણ્ય અને નિર્જરાના હેતુઓ છે, વળી તે સ્થળમાં છ જવનિકાયની વિરાધના થવા છતાં પણ યતના જાળવનારા શ્રાવકો દયાના પરિમાણવાળા હોવાથી નાનામાં નાના પણ જીવોને રક્ષણ કરવાની યતના હોવાથી તેમને વિરાધનાનું પાપકર્મ બંધાતું નથી. કહ્યું છે કે :- “શુદ્ધ અધ્યવસાયવાળા તથા સૂત્રમાં કહેલ વિધિરૂપ સન્માર્ગને આચરતા એવા યતનાવંત જીવને જે વિરાધના થાય, તે કર્મનિજરારૂપ ફલને આપનારી થાય. સમસ્ત ગણિપિટક, એટલે દ્વાદશાંગીનો સાર જેમણે પ્રાપ્ત કર્યો છે, તેવા નિશ્ચયનયનું અવલંબન કરનાર પરમર્ષિઓનું એ મહાન રહસ્ય છે કે – “ આત્માના પરિણામથી જે થાય, તે પ્રમાણરૂપ છે' અર્થાત નિશ્ચયનયથી જિનમંદિરાદિ કરનારને હિંસાના પરિણામ નથી, પણ ભક્તિના પરિણામ છે, હવે પ્રતિમા અંગીકાર કરનાર જે પોતાના કુટુંબ માટે પણ આરંભ કરતો નથી, તે ભલે જિનબિંબાદિ ન કરાવે, તે માટે કહેલું