________________
તૃતીય પ્રકાશ, શ્લો.૮૮
૨૩૯
ભદ્રાએ અહીં આજે ભોજન કરવા રાજાને પ્રાર્થના કરી. ભદ્રાના દાક્ષિણ્યથી રાજાએ સ્વીકાર કર્યો. તેણે પણ તત્કાલ સર્વ તૈયારી કરાવી. “શ્રીમંતોને ધનથી શું સિદ્ધ નથી થતું ! ત્યાર પછી સ્નાન કરવા યોગ્ય તેલ, ચૂર્ણ ચોળી જલ્દી સ્નાન કર્યું. એમ કરતાં કરતાં રાજાની આંગળીએથી વીંટી ક્રીડાવાવડીમાં પડી. રાજા જેટલામાં આમતેમ ગોતે છે, ત્યારે ભદ્રાએ દાસીને આજ્ઞા કરી કે વાવડીમાંથી પાણી બીજે વાળી ખાલી કરો. તેમ તેણે કર્યું એટલે આશ્ચર્યકારી દિવ્ય આભૂષણોથી વચ્ચે લાલચોળ સળગતા અંગાર વચ્ચે કાળો કોયલો દેખાય તેવી પોતાની વીંટી દેખી રાજા વિસ્મય પામ્યો. રાજાએ દાસીને પૂછ્યું કે “આ શું છે?” ત્યારે દાસીએ કહ્યું કે, દરરોજ શાલિભદ્ર અને તેની ભાર્યાના નિર્માલ્યો આમાં નંખાય છે. “ખરેખર આ ધન્ય છે, અત્યારે હું પણ ધન્ય છું કે જેના રાજ્યમાં આવા ભાગ્યશાળીઓ પણ છે.” એ પ્રમાણે રાજાએ વિચાર્યું ત્યાર પછી પરિવાર સાથે રાજાએ ત્યાં ભોજન કર્યું. ભદ્રાએ આશ્ચર્યકારી અલંકાર વસ્ત્રાદિકથી સત્કાર કર્યો એટલે રાજા ઘરે ગયા, હવે શાલિભદ્ર પણ સંસારથી છૂટવા અભિલાષા કરી. તેટલામાં ધર્મમિત્રે આવી આ પ્રમાણે વિનંતી કરી કે, સુરાસુરથી નમસ્કાર કરાએલા સાક્ષાત્ ધર્મની મૂર્તિ હોય તેવા ચાર જ્ઞાનવાળા ધર્મઘોષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે. ત્યાર પછી હર્ષથી શાલિભદ્ર રથમાં બેસી ત્યાં ગયો અને આચાર્યના ચરણમાં વંદન કરી તેમજ સાધુઓને વાંદી આગળ બેઠો. દેશના કરતાં તે સૂરિને તેણે પૂછ્યું “હે ભગવંત ! ક્યા કર્મથી બીજો પ્રભુ ન થાય ? ભગવંત કહ્યું “જે જનો દીક્ષા લે છે, તે સમગ્ર જગતના સ્વામીભાવને પામે છે ?' હે નાથ ! જો એમ છે, તો મારા માતાજીની રજા લઈને હું વ્રત અંગીકાર કરીશ- એ પ્રમાણે શાલિભદ્ર વિનંતી કરી, ત્યારે સૂરિએ કહ્યું કે પ્રમાદ ન કરવો. ત્યાર પછી શાલિભદ્ર ઘરે જઈને માતાને નમસ્કાર કરી કહ્યું કે, આજે સમગ્ર જગતના દુઃખથી મુક્ત કરાવનાર મોક્ષના ઉપાય સ્વરૂપ ધર્મ મેં ધર્મઘોષ આચાર્યના મુખકમલથી સાંભળ્યો, “હે વત્સ ! ધર્મ શ્રવણ કર્યો. તે બહુ સારું કર્યું તેવા પિતાનો તું પુત્ર છે. એ પ્રમાણે ભદ્રાએ પણ હર્ષથી શાલિભદ્રની પ્રશંસા કરી તેણે પણ કહ્યું. હે માતાજી ! એ હું તે પિતાનો પુત્ર છે જો એમ જ હોય તો મારા પર પ્રસન્ન થા, હું દીક્ષા ગ્રહણ કરીશ. માતાએ પણ કહ્યું હે વત્સ ! આ વ્રત લેવાનો તારો ઉદ્યમ યુક્ત છે. પરંતુ આ દીક્ષામાં હંમેશા લોઢાના ચણા ચાવવાના છે, તું સ્વભાવથી પણ સુકુમાર શરીરવાળો છે, વળી દિવ્યભોગોથી લાલન-પાલન કરાયો છે, જેમ વાછરડો રથને, તેમ તું વ્રતને કેવી રીતે વહન કરી શકશે ? શાલિભદ્ર પણ જવાબ આપ્યો કે, શું જેમણે ભોગો ભોગવેલો હોય તેવા પુરૂષો વ્રતના કષ્ટ સહન કરવામાં કાયર હોય અને શું બીજા કાયર હોતા નથી ? ત્યારે માતાએ કહ્યું કે, ક્રમે ક્રમે ભોગોનો ત્યાગ કર અને મર્યલોકની માલ્ય-ગંધ સહન કરવાની ટેવ પાડ. એમ અભ્યાસ પાડીને હે વત્સ ! દીક્ષા ગ્રહણ કર. ત્યાર પછી શાલિભદ્ર પણ માતા ભદ્રાનું વચન માનીને એક એક ભાર્યા તથા તળાઈ દરરોજ છોડવા લાગ્યો.
આ બાજુ તે જ નગરમાં શાલિભદ્રની નાની બેનનો પતિ મહાધનભંડારવાળો ધન્ય નામનો રહેતો હતો. અશ્રુવાળી શાલિભદ્રની બેન ધન્યને નવડાવતી હતી, ત્યારે તેણે પૂછ્યું કે કેમ રુદન કરે છે ? ત્યારે આ હકીકત ગદ્ગદ્ સ્વરે જણાવી કે દીક્ષા લેવાની અભિલાષાવાળો મારો ભાઈ દરરોજ એક એક ભાર્યા અને તળાઈનો ત્યાગ કરે છે, તે કારણે રડવું આવી જાય છે. ત્યારે મશ્કરી કરતાં ધન્ય એમ કહ્યું કે, જે આમ થોડો થોડો ત્યાગ કરે, તે શિયાળ માફક બીકણ અને હીનસત્ત્વવાળો છે. ત્યારે ધન્યને બીજી પત્નીઓ પણ મજામાં કહેવા લાગી કે, જો વ્રત ગ્રહણ કરવું સહેલું હોય તો તમે કેમ નથી કરતા? ધન્ય તેઓને કહ્યું કે તમે જ વ્રતમાં વિઘ્ન કરનારી હોવાથી ગ્રહણ કરતો ન હતો. પુણ્યયોગે આજે તમે મને અનુમતિ આપી તેથી હવે વિલંબ વગર હું દીક્ષા અંગીકાર કરીશ. ત્યારે તેઓએ કહ્યું કે “હે સ્વામી !